દિવાળી દિવાળી બા ની
દિવાળી દિવાળી બા ની


દિવાળી બા નવસારીમાં રહે. ૬૦ વર્ષની ઉમરના એમના પતિ નાની ઉમરમાં જ અવસાન પામ્યા હતા. એમનો એક નો એક દીકરો દીપ એમની સાથે રહેતો હતો. દિવાળીબા આમ ખાસું કઈક ભણેલા નહોતા. પણ જીવન નિર્વાહ ચલાવવા માટે એમના ઘરના જ ઓટલાને એમણે દુકાન બનાવી દીધેલી. નાની મોટી કટલરી નો સામાન લઇ આવી વેચતા હતા. અને આમ ટૂંકી આવકમાં એમના દીપ ને ભણાવી ગણાવી સ્નાતક સુધી ભણાવ્યો. અને એને સુરતમાં એક સ્કુલમાં કારકુનની નોકરી મળી ને એની સાથે જ ભણતી છોકરી છાયા સાથે મેળ બેસતા લગ્ન પણ કરી લીધા ને એ છાયાના ઘરના એપાર્ટમેન્ટમાં જ ફ્લેટ ભાડે લઈ દિવાળી બાથી અલગ રહેવા લાગ્યો.
દિવાળી બા એ હસતા મુખે એની પસંદની નોકરી ને છોકરી સ્વીકારી લીધા. ને પોતે એકલા જ એમની નાનકડી દુકાન ચલાવવા લાગ્યા. ધીમે ધીમે મોલ કલ્ચર શહેરમાંથી નાના નગરમાં પણ પ્રવેશવા માંડ્યું હતું. ઓન લાઈન કલ્ચર વિકસવા લાગ્યું હતું. જેની સીધી અસર દિવાળી બા જેવા ને થવા લાગી. હવે દિવાળીબા એ સીઝનલ વસ્તુ વેચવાનું શરુ કર્યું હતું. હોળીમાં પિચકારી તો જન્માષ્ટમીમાં કૃષ્ણના વાઘા, ઉતરાણમાં પતંગ દોરી, બળેવ માં રાખડી, નવરાત્રીમાં દાંડિયા તો દિવાળીમાં દીવડા વેચીને ગુજરાન ચલાવતા હતા.
પોતે પાછા પરગજુ પણ એટલા જ.
એકવાર એમની દુકાને એક ફુગ્ગાવાળો આવ્યો ને કરગરવા લાગ્યો કે “ બા, મારા ફુગ્ગા ખરીદો ઘરે નાના બાળકો દૂધ બિસ્કીટની રાહ જુએ છે તમે ફુગ્ગા ખરીદશો તો મારા છોકરા દૂધ પામશે “ દિવાળીબા એ કહ્યું , “ ભાઈ તારી બધી વાત સાચી પણ મારે તો હવે દીકરો જ નથી.. એ તો....” ફુગ્ગાવાળા એ નિરાશાથી બાની સામે જોયું અને આંસુ છુપાવતા એટલું જ બોલ્યા,”એટલે મારે કોઈ છોકરા જ નથી”. પછી તરત જ તે બોલ્યો , “ બા ભલે તમારે કોઈ છોકરા નથી પણ મારે તો છે ને,,,!! ચાલો રામ રામ ભગવાન તમારું ભલું કરશે.” આ વખતે આંસુ છુપાવવાનો વારો ફુગ્ગાવાળાનો હતો. અને એ જવા જાય છે ત્યાંજ દિવાળીબા બુમ પાડે છે, “ થોભ.. તારી પાસેના બધા જ ફુગ્ગા મને આપી દે..અને મારા તરફથી વધારામાં છોકરાને આ બિસ્કીટ પણ આપજે. જીવ ના બાળીશ..જા ભગવાન તારું ભલું કરે...”. એમ કહી પૈસા આપી વિદાય કર્યો.
અને જોતજોતામાં દિવાળી આવી ગઈ. દિવાળીબા ખાસ સુરત જઈ કુંભાર વાડેથી કોડિયા ખરીદી લાવ્યા. ને વેચવા મુક્યા. પણ ઓન લાઈન ખરીદી અને શોપિંગ મોલની ઘેલછા એ એમના જીવન નિર્વાહ પર અસર પાડી. દિવાળી નજીક આવતી ગઈ પણ એમના કોડિયા ખરીદવા કોઈ ગ્રાહક આવતો નહોતો. રોજ આશાભરી નજરે જોતા કે આજે તો કોઈ ઘરાક આવશે. અને એક દિવસ એક નાનો છોકરો અને એની મા ત્યાંથી પસાર થતા હતા ને દિવાળી બા એ “ફુગ્ગાવાળી” નજરથી એમની સામે જોયું કે ચાલો આજે તો બોણી થશે. મા એ કોડિયાનો ભાવ પૂછ્યો ને ભાવ સાંભળી બોલી , ”આટલા મોંઘા “મોલ” ના કોડિયા ? આના કરતા સસ્તા ભાવે શોપિંગ “મોલ” માં મળશે ચાલ રાજુ..” દિવાળી બા એ કહ્યું “બેન, શોપિંગ “મોલ” તો બહુ મળશે..સેલ ના ઢગલા બંધ “હોલ” પણ બહુ મળશે.. પણ ત્યાં ખરીદવાનો અહીં ના જેવો “માહોલ” નહી મળશે. જાવ તમતમારે...”
પણ રાજુએ જીદ કરી કે ના મમ્મી કોડિયા અહીંથી જ આ બા પાસેથી જ લઈએ..” પણ મા નહી જ માની અને એ આગળ નીકળી ગઈ. રાજુ એ પાછળ જોયું તો દિવાળી બા ઉદાસીના ભાવ સુકા હાસ્યથી છુપાવતા હતા. જેવો રાજુ ઘરે ગયો એટલે તરત જ દોડીને તે એના રૂમ માં ગયો ને એની પિગી બેંકમાંથી થોડા પૈસા લઇ સાઇકલ પર પાછો દિવાળી બા પાસે આવ્યો ને કહ્યું , “ બા , કોડિયા આપો “ અને દિવાળી બા એ એને કોડિયા આપ્યા. કે તરત બોલ્યો, દિવાળી બા, થોભો, આ કોડિયા સાથે એક ફોટો પડાવો.” અને એણે મોબાઈલ કાઢી બા નો કોડિયા સાથેનો ફોટો પાડવા જતો હતો ને બા એ કહ્યું ,” એક મિનીટ દીકરા “ એમ કહી પાલવ થી અડધો ચહેરો ઢાંકી લીધો એ નહોતા ઇચ્છતા કે લોકો દીવા નહી વેચાયાનું દુખ જુએ. અને રાજુ તરત જ સાઇકલ મારી મૂકી ને એ ગયો સાઈબર કાફેમાં અને એના મોબાઈલમાંથી દિવાળીબા નો ફોટો પ્રિન્ટ પોસ્ટર સાઈઝમાં કરાવ્યો નીચે લખ્યું...” ચાલો, દિવાળી બા ની દિવાળી સુધારીએ..કોડિયા એમને ત્યાંથી ખરીદી ને એમના જીવનમાં ઉજાસ પાથરીએ..દિવાળી બા ની દિવાળી સાર્થક કરીએ..” અને આ પોસ્ટરની પ્રિન્ટ કઢાવી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, બજાર. નવા નવા શોપિંગ મોલ ના દરવાજા પર...શાળા કોલેજના દરવાજા પર ચીપકાવી આવ્યો ને ઘરે આવી સુઈ ગયો. રાજુના આ “પરાક્રમ” થી દિવાળી બા અજાણ હતા.
બીજે દિવસે શાળામાં દિવાળી વેકશન શરુ થવાનું હતું. અને રાતે ૮ વાગે એણે સાઇકલ કાઢી સાથે બચેલા પોસ્ટર પણ લીધા ને દિવાળી બા ની દુકાને પહોચ્યો. તો બા પૈસા ગણવામાં મશગુલ હતા. અને એકપણ કોડિયું નજરે નહોતું પડતું. એણે જઈ કહ્યું “ બા , કોડિયા આપો. “ બા એ એની તરફ જોયા વગર કહ્યું ,” કોડિયા બધાજ વેચાઈ ગયા છે. કાલે આવજે નવો માલ કાલે આવશે “ આટલું કહેતા જ એમના મુખ પર સો સો દીપનું તેજ ઝળકી ઉઠ્યું..રાજુ એ કહ્યું,” સારું બા કાલે આવીશ “ આટલું કહી સાઇકલ બમણા વેગથી ભગાવી દીધી..જતા જતા એટલું જ બોલ્યો , “ દિવાળી બા, હેપી દિવાળી..”. દિવાળી બા એ ઊંચું જોયું તો રાજુ ને તેમણે જોયો અને હજુ બુમ પાડે એ પહેલા તો એ વિલીન થઇ ગયો. પણ ઉતાવળમાં રાજુથી એક પોસ્ટર પડી ગયું હતું. જેના પર દિવાળી બાની નજર પડી એમણે ઉઠાવ્યું ને એ પોસ્ટર જોઈ એમની આંખો પહોળી થઈ ગઈ. પોતાના ફોટા સાથેનો મેસેજ વાંચીને હર્ષથી એમની આંખો ઉભરાઈ ગઈ..અને રેડીઓ પર મંત્ર ગુંજી ઉઠ્યો “તમસો મા જ્યોતિર્ગમય “ એમણે રાજુમાં પોતાનો “દીપ” જોયો.