Kalpesh Patel

Children Stories Fantasy

5.0  

Kalpesh Patel

Children Stories Fantasy

ધી લાસ્ટ ડે

ધી લાસ્ટ ડે

7 mins
4.4K


કવિ નર્મદે જેને 'જય જય ગરવી ગુજરાત' કહીને બિરદાવી છે, તો કવિ ખબરદારે 'જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' કહી જેના યશો ગાન ગાયા છે,તે ગુજરાતી કોમ વિષે કહેવાય છે કે,દરેક ગુજરાતી કોઈક નવી જગ્યાએ જઈને નવો અનુભવ મેળવવા માંગે છે. રોજિંદા જીવનમાં કંઈક નવું કરવા માંગે છે. આવા એક ગુજરાતી કુટુંબની વિવિધ દેશોના ભ્રમણ દરમ્યાન ઉદભવતી યાદગાર ક્ષણોને માણીશું.

***

સૌરાષ્ટ્રના એક પટેલ, નામ બકોર જીવરાજ પટેલ, અને ચકોર પણ એટલાજ તેમના ધર્મ પત્ની સુશિલા,નામ પ્રમાણે ગુણ, સુશિલ અને ઘરરખ્ખું અને સમાધાનકારી સ્વભાવ તેમજ તેમનો સાત વર્ષનો દીકરો, આધાર કાર્ડ મુજબ નામ તારક, પરંતુ આખુય ગોંડલ ગામ તેના તોફાનોને લઈને, ટપુડો નામથી બોલાવે. ગયા વરસે નાતાલની રજાઓમાં સુશિલા, ટપુડાએ ગ્રીસ દેશમાં ફરવા જવાની કરેલી જીદમાં જોડાઈ જતાં, બકોર પટેલ પાસે કોઈ રસ્તો ન હોવાથી, “બહુમતથીજ કલ્યાણ” તેવું વિચારી અંતે, ટ્રાવેલ એજેંટ પાસે વિસા અને ટિકિટ બૂક કરાવી, ગોંડલ થી અમદાવાદ ટેક્સી અને અમદાવાદથી મુંબઈ થઈ એથેંસના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોચી ગયાં.

તેઓની હોટેલ એથેન્સ શહેરની મધ્યમાં આવેલી એક ઊંચી ટેકરી ઉપર હતી, ટ્રાવેલ એજન્ટે ગુજરાતી જમવાની સગવડ કરી આપેલ હતી, હોટેલના ટોપ ફ્લોરના આવેલા બકોર પટેલના રૂમમાંથી આખું શહેર દેખાતું હતું, ટપુડો સફરનો થાક ભૂલી, ધડા ધડ ફોટા ખેંચવામાં પડ્યો હતો, અને બકોર પટેલ સોફા ઉપર બેસી ઝોકે ચડેલા હતા. ત્યાં હોટલના રિસેપ્શન કાઉન્ટરથી ફોન આવ્યો, કે તમે આજે સાંજે સાત વાગે તૈયાર રહેશો, અહીંના ગ્રેટ એલેક્ઝેંડર નામના સિનેમા હોલમાં, ઇન્ડિયન ફિલ્મ બાહુબલીનો પ્રીમીયર શો છે, અને ફિલ્મના શો પછી તેના બધા કલાકારો સાથે ડિનર પાર્ટીમાં જોડાવવાનું છે.ડિનર અને ફિલ્મની ટિકિટના ત્રણ જણના ૭૫ યુરો ચૂકવવા કીધું. ગણતરીમાં ‘ચકોર’ એવા આપણાં બકોર પટેલે તેમના આંતરિક કેલ્ક્યુલેટરે અંદાજ માંડ્યો તો ૭૫ યુરો ગુણ્યા ૯૦ રૂપિયા, યુરો દીઠ ગણતાં ૬૭૫૦ રૂપિયા થતાં હતા એટ્લે પટેલ તો પાણીમાં બેસી ગયાં, આમેય આ બાહુબલી અને કપ્પટાની ફિલમ ચાર વાર રાજકોટ જઈ જોઈ હતી. એટ્લે તેઓ થાકી ગયાં છે તેવું બહાનું કાઢી, ના કહેતા હતા.

બકોર પટેલનો ‘તારક, અને આપણો ટાપુડો આ સાંભળી,વિરોધ કરી ઊભો થઈ ગયો, ના આપણે જરૂર આ પ્રીમીયરમાં હાજરી આપવીજ જોઈએ. અને કોફી ટેબલ ઉપર ઊભો થઈ જાણે ત્યાં ઇનોગ્રલ સ્પીચ આપનો હોય તેવી અદામાં, તેને બોલવું ચાલુ કર્યું, “એટેન્શન પ્લીજ” સુશિલાબેન અને શ્રીમાન બકોર પટેલ,બાહુબલી' ફિલ્મ ફક્ત એક ફિલ્મ નથી પણ ક્રાંતિ છે, બહુબાલી ચલચિત્રએ ભારતીય સિનેમા જગતને વિશ્વ પટલ પર એક નવી ઊંચાઈએ પહોંચાડ્યુ છે. ગ્રીસની રાજધાનીના ૧૫૦વર્ષ જુના ગ્રેટ એલેક્ઝેંડર હોલમાં આ ફિલ્મનો પ્રીમીયર શો જ્યારે યોજાય અને ગ્રીસમાં આવેલા ઈંડિયાના બકોર પટેલ એન્ડ ફેમિલી, હાજર ન હોય તો કેવું ખરાબ કહેવાય ?, શોમાં હાજર રહેવું તે આપણા માટે એક ઐતિહાસિક પળ છે,આપણે જવું જ જોઈએ.જય માહિષ્મતિનો નારો લગાવી, બકોર પટેલના હાથમાથી ફોન ખૂંચવી, “ યસ, વી વિલ લાઈક ટુ જોઇન,પ્લીજ મેઈક અવર વિઝિટ કન્ફર્મ” તેવું તેણે હોટલના રિસેપ્શનિસ્ટને જણાવી દીધું.

સાત વર્ષનો આપણો ટપુડો, સવારે બ્રશ કરવાથી લઈને નાસ્તો અને સ્કૂલના લેશનથી લઈને દરેક કામ, મોબાઇલમાં ગેઇમ રમતા કે કાર્ટૂન જોતાં જોતાં જ કરતો હતો. જ્યારે હાથમાં બ્રશ અથવા કોળિયો ના હોય, ત્યારે આ બકોર પટેલનો કુળ “તારક” ટપુડો તેના ફોનમાં કોઈ એક નવી ગેમ રમવા લાગતો હતો. ફોનમાં તેની નાની આંગળીઓ એટલી તેજ દોડતી રહેતી હતી કે, કોઈને પણ તે જોઈને નવાઈ લાગે! સુશિલાબેન, ટપૂડાની આંગળીની આ ઝડપ જોઈને પહેલાં તો ખુશ થતા, પરંતુ ટપુડાને વળગેલું ફોનનું વ્યસન જોઈ હવે તેઓ ક્યારેક અફસોસ પણ કરી રહ્યાં હતા.

સુશિલા બેન અને પટેલ, અત્યારે ખુશ હતા, કારણ કે હોટલના રૂમમાં હજુ વાય-ફાય એક્ટિવેટ નહતું થયું, અને ઇન્ટરનેટની સુવિધાના અભાવે,અહી હોટલે આવ્યા પછી જેમ તેઓને “નિર્જળા એકાદસીના” ઉપવાસ હોય છે તેમ આજે તેમના ટાપુડાને “નિર્ફોન એકાદશીનો” છેલ્લા ત્રણ કલાકથી અખંડ ઉપવાસ ચાલતો હતો. તારક- ટપુડાની મોબાઈલ ઉપરની ગેઇમ–સાધનામાં ભંગાણ પડેલું હતું. આખરે વાય-ફાય એક્ટિવેટ થતાં ટપુડાને મોબાઈલ ગેઇમના પારણાં થતાં, તેના આનંદનો પાર નહતો. ટપુડો હવે નવી ગેઇમની ગૂગલ યાત્રાએ હતો, અને તેને એક વોર ગેમનો પડાવ મળી જતાં, આખરે ત્યાં રોકાયેલો હતો......

સાંજના પાંચ વાગી ચૂક્યા હતા, ટપુડો હોટલના સોફા ઉપર મોબાઈલ પકડી ઊંઘી રહ્યો હતો, ત્યારે સુશિલાબેને પટેલને ટપુડાને જગાડી તૈયાર કરવા કહ્યું, બકોર પટેલ હંમેશાં કહેતા, આ એક ટપુડાને ઊંધમાંથી ઉઠાડવા કરતાં, સૂતેલા દસ સાપને જગાડવા સારા. પણ અહી પરદેશમાં તે ડાયલોગ સ્વગત રટી, ટપુડાના ચરણ ચાંપી મૂંછ મરડી, આખરે બકોર પટેલે,તેમના તારકને જગાડયો, અહીંની હવા ગણો, કે બકોર પટેલના ભાગ્ય, ટપુડાએ હસી અને ગૂડ ઈવનીગ ડેડ, કહ્યું ત્યારે બકોર પટેલ કાનમાં આંગળી નાખી જોતાં હતા કે કાનમાં કોઈ ઈયર ફોન નથીને ?, ત્યાં ટપુડો બોલ્યો, પપ્પા મજા આવી ગઈ, ઇન્ટરનેટ ઉપરથી એક નવી મોબાઈલની “વોર ગેમ મળી ગઈ છે”. હું તમને પછી વાત કરીશ, સારું થયું તમે મને ઉઠાડ્યો, ચાલો હું તૈયાર જ છું આપણે ગ્રેટ એલેક્ઝેંડર હોલમાં બાહુબલી ફિલ્મનો પ્રીમીયર જોવા નિકળીએ. ટપુડાએ પાવર બઁક અને મોબાઈલ લીધો અને સૌથી આગળ હોટલની કેબમાં બેસી ગયો. થોડા સમયમાં તેઓ બધા ગ્રેટ એલેક્ઝેંડર હોલમાં પહોચી ગયાં.

ગ્રેટ એલેક્ઝેંડર હોલમાં પેસતા જાણે કોઈ અત્યંત જૂની સંસ્કૃતિમાં પહોચી ગયાં હોય તેમ જૂના ચિત્રો અને વસ્તુથી આખય હોલને સજાવેલો હતો, અહીં, વેલકમ સરવિંગમાં ગ્રેટ એલેક્ઝેંડર હોલને લગતી ગુજરાતી ભાષાની બુકલેટ સાથે પોપ કોર્નની બકેટ અને કોલા ટીન મેળવી ટપુડાનો ઉમંગ સાતમે આસમાને હતો. તે બધે ફરી વળ્યો,એલેક્ઝેંડરની તલવાર સાથે ફોટો પડાવી પોતે એલેક્ઝેંડરથી કમ નથી તેવી મુદ્રામાં,તેની નજર પ્રભાસ અને અનુષ્કાને શોધતી હતી, અને મોકો જોઈ બાહુબલી ફિલ્મના નાયક પ્રભાસ સાથે સેલફી પણ અંકે કરી દીધી. લાંબી મુસાફરી, કહો, કે બાળ સહજ, પરંતુ જ્યારે ગ્રેટ એલેક્ઝેંડર હોલમાં બાહુબલી ફિલ્મનું પ્રીમીયર સ્ક્રિનિંગ ચાલુ થયું ત્યારે ટપુડો ખુરશીમાં થ્રી-ડી ચશ્મા પહેરી માંડ શરૂનો ભાગ જોયો ત્યાં ઊંઘમાં સરી ગયો, અને તેના બાળ માનસ ઉપર હવે ૭૦ એમએમથી કેટલાય ગણા મોટા તેના સ્વપ્નના પરદે વર્ચુયલ વોરનો મોરચો મંડાયેલો હતો અને.....

ટપૂડાએ જોયું તો મોટા મેદાનમાં બધા દેશોના સૈનિકો ઊભા હતાઃ આખી દુનિયામાં કોરોના મહામારી ફેલાવનાર ચીન સાથે ઉત્તર કોરિયા જેવા બેચાર દેશો સિવાય વિશ્વના ૨૦૦થી વધુ દેશો ચીનથી નારાજ થયેલા હતા. રઘવાયું થયેલું ચીન ભારતની લડાખ અને અરુણાચલની સરહદે કાંઈક ને કાંઈક હરકતો કરી રહ્યું હતું, હોંગકોંગની પ્રજા ચીન પર રોષે ભરાયેલી હતી. તાઈવાન જેવા નાના દેશે તો ચીનનું વિમાન તોડી પાડવાની હિંમત કરી હતી. સમુદ્રોમાં યુદ્ધ સબમરીનો તહેનાત થઈ રહી હતી. ચીન વધુ કાંઈ અડપલું કરવા પ્રયત્ન કરે તો ભારતનું સશસ્ત્ર સૈન્ય હવે ચીનના દાંત ખાટા કરી નાખવા સજ્જ ઊભું હતું. ભારત સરકારે ચીનની ૨૦૦થી વધુ એપ પરપ્રતિબંધ લાદી દીધા બાદ ચીન પરેશાનથઈ ગયું હતું. આખા વિશ્વની તનાવપૂર્ણ પરિસ્થિતિ જોતાં ચીને તેની છૂપી ચાલ ચાલી, ગ્રીસના કાબેલ સેનાપતિ ગ્રેટ એલેક્ઝેંડરને પોતના પક્ષે કરી દીધો હોવાથી દુનિયાના સૈનિકો હવે ગભરાયેલા હતા, અને તે વખતે ભારતના પ્રાઈમ મિનિસ્ટરે તેમના પ્રવચનમાં કીધું “ તાકાતવાન હોવું તે શાંતિની પહેલી જરૂરીયાત છે."

બધા નેતાઓને મુજાયેલા જોઈ ટપુડો, મેદાનમાં આવે છે અને કહે છે ચિંતા ન કરો, આપણી પાસે બાહુબલી છે. તે બળવાન છે તેની પાસે સ્માર્ટ યુનિફોર્મનો મોટો સ્ટોક છે તે પહેરતી વખતે સામાન્ય શર્ટ જેવું જ લાગશે, પરંતુ એક વાર પહેર્યા બાદ બુલેટપ્રૂફ વજ્ર જેવું બની જશે.અને ગ્રેટ એલેક્ઝેંડર સાથે ચીનના ભૂકા કાઢી નાખશે, હજુ તેની પાસે નેટિક સોલ્જર સેન્ટરસિસ્ટમ પણ છે,જેના અઢી સેન્ટિમીટરના કલર વીડિયો ડિસ્પ્લેમાં દુશ્મનને નિહાળી ગોળી છોડી, અમારો બાહુબલી ચીનના સૈનિકોને મારી ગ્રેટ એલેક્ઝેંડરના હાથ નબળા કરી નાખશે,આ ઉપરાંત તેની પાસે એક અજીબ  ઉપકરણછે જે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર કામ કરી પૃથ્વીના કોઈ પણ ખૂણે મિનિટોમાં જ પ્રહાર કરી શકશે. આમ એકલો અમારો બાહુબલી સૌને ભારે પડશે ટપુડાએ બધાને વધુમાં કહ્યું કે અમારો બાહુબલી આજનો સુપરમેન-સોલ્જર છે. તે વન મેન આર્મીથી કમ નથી. તે માત્ર તેના શરીરની એક ટકા ઊર્જાનો જ ઉપયોગ કરીને યુદ્ધ મેદાનમાં એક હજાર પાઉન્ડ વજનવાળા ગોરિલ્લા સામે પણ લડી શકશે, અને ભલે ચીન ગ્રેટ એલેક્ઝેંડરને પોતાની સાથે ભેળવી ફૂલાતું હોય, પણ આપણે ડરવાનું કોઈ કારણ નથી.ચીને ફેલાવેલી ગ્રેટ એલેક્ઝેંડરના ડરની હવા’ની દવા બાહુબલી છે.

આખરે મંત્રણાઓ ભાંગી પડી અને ત્રીજા વિશ્વ યુદ્ધના પડઘન હવે વાસ્તવિક બોમ્બના અવાજમાં ફરતા જતાં હતા, યુધ્ધના મેદાનમાં શરૂઆતના દોરમાં,દેશના સીમાડા વગરની એક અજબ ગૃહ સેના હતી, અને સામે ચીન અને તેના મળતીયા દેશો ગ્રેટ એલેક્ઝેંડરના સહારે મુછે તાવ દઈ રહ્યા હતા. ચીન ચારેય બાજુએથી ગોરીલા હુમલા કરી ગૃહ સેનાની ભારે ખુવારી કરી રહયું હતું. એકાએક હુમલામાં થયેલી મોટી તારાજીથી સૌ દેશ નિરાશ થઈ રહ્યા હતા. બાહુબલીએ તારાજી રોકવા બધાને પોતાની પાસે રહેલા સ્માર્ટ યુનિફોર્મ આપ્યા અને સૈનિકોનું નૈતિક બળ વધાર્યું અને અમેરિકાની બધીજ એન્ટિ મિસાઈલ તોપોને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ગૃહ સેનાના સમુદ્રી યુદ્ધ જહાજ પર લગાવી,થોડાક જ સમયમાં આ તોપોનું ક્લોઝડ સંચાલન વેપન્સ સિસ્ટમ દ્વારા રડાર દ્વારા મળેલા સિગ્નલ મુજબ ગ્રેટ એલેક્ઝેંડરે છોડેલી ચીનની મિસાઈલને. એન્ટિ મિસાઈલે રસ્તામાં જ રોકી તેને ખતમ કરવી ચાલુ કરતાં, ચીન પાસે કાબેલ સેનાપતિ ગ્રેટ એલેક્ઝેંડર અને લેટેસ્ટ આયુધો હોવા છતાં,મોટી ખુવારી થવી ચાલુ થઈ. તેના પતનના દિવસો નજીક હતા.પરંતુ અમેરિકના ખુફિયા વિભાગની માહિતી અનુસાર ચીન પોતાની ભીષણ તારાજીથી ઉશ્કેરાઈ, અણુબોંબ ફાયર કરવાની તજવીજમાં છે તેવા સમાચાર હતા અને સૌ ચિંતામાં હતા. બધા સૈનિકો પોતાની અંતિમ પળ નજીક આવી રહી છે તેમ સમજી ‘છેલ્લા દિવસ’ની પ્રાર્થના કરી રહ્યા હતા,, ત્યાં બાહુબલીએ મહાદેવની પૂજા કરી જય માહિષ્મતિ બોલી હિમાલયની ગિરિમાળાનો એક પર્વત ઉઠાવ્યો અને ચીનની યાંગત્ઝિ નદી ઉપર ચીને બાંધેલા જોર્જિસ બંઘ (વોટર ડેમ) ઉપર તેની પાશવી તાકાતથી જિંક્યો, અને પળ ભરની શાંતિ પછી મોટા ગડગડાટ સાથે તે બંધ તૂટતાં પહેલા તો વીજળીનું ઉત્પાદન ખોરવાતા આખાય ચીનમાં અંધાર પટ ફેલાઈ ગયો અને હજુ કઈ સમજે તે પહેલા આખુય ચીન તૂટેલા જોર્જિસ બંધના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયું.

એક ક્ષણમાં હારની બાજી, જીતમાં બદલાઈ ગઈ હતી, અત્યાર સુધી ગૃહ સેના પોતાનો અંતિમ દિવસ (લાસ્ટ-ડે) માની દુ:ખી થઈ રહી હતી, ત્યારે વાસ્તવમાં આજે મહાન સેનાપતિ ગ્રેટ એલેક્ઝેંડરની કાબેલ વ્યુહ રચના કામ કરતી હોવા છતાં, ચીનનો આજે અંતિમ દિવસ હતો.

એથેન્સના ગ્રેટ એલેક્ઝેંડર સિનેમા હૉલની ખુરશી ઉપર ટપુડો થોડો સળવળ્યો, અને હાથ ઊચો કરી મોટે થી બોલી ઉઠ્યો જય માહિષ્મતિ પણ ફિલમનો શો પતી ગયો હોવાથી, તેનો અવાજ હોલમાં બાહુબલી જોઈ રહેલા પ્રેક્ષકોએ પણ પોકારેલા નારા’ના અવાજમાં દબાઈ ગયો. મોબાઈલ ગેમની યાત્રાથી ચાલુ થયેલી બકોર પટેલના ‘તારક, અને આપણાં ટપૂડાની સમાધિ તૂટી ત્યારે બહુબલીનો હીરો ટપુડાને કેન્ડી સ્ટિક આપી રહ્યો હતો. ત્યારે ટપુડો હજુ તેની આંખ ચોળી ગ્રેટ એલેક્ઝેંડરને શોધતો હતો ત્યાં સામે તેનું વેક્ષ-સ્ટેચ્યું જોયું. ટપૂડાએ બાહુબલી ફિલ્મના નાયક પ્રભાસને પોતાની સાથે ખેંચી ગ્રેટ એલેક્ઝેંડરના વેક્ષ – સ્ટેચ્યું પાસે લઈ, “સર સ્માઇલ પ્લીજ, ફોર વન સ્લેફી વિથ મી”. અને શો પછીના ડિનરમાં બધા જોડાઈ ગયાં. ત્યારે ટપુડાને મન આ ડિનર થર્ડ વલ્ડ વોરની જીતની ખુશાલીનું હતું.


Rate this content
Log in