Shobha Mistry

Children Stories Inspirational

4.8  

Shobha Mistry

Children Stories Inspirational

દેશદાઝ

દેશદાઝ

2 mins
360


"એઈ છોકરા, અહીં આવ." પંચાણું વર્ષના રાઘવજીભાઈએ બૂમ પાડી એક છોકરાને બોલાવ્યો.

"હા, બોલો કાકા, મને કેમ બોલાવ્યો ?" પ્રતિક બોલ્યો. 

"કેમ ભાઈ, આ તિરંગો અહીં ફેંકી દીધો ?"

"અરે કાકા, આ તો કાલે ૧૫ મી ઑગસ્ટ ગઈ તે ગાડી પર લગાવેલો હતો. હવે ફાટી ગયો તો ફેંકી દીધો. હવે એક કાગળના ઝંડાની શું કિંમત ?"

રાઘવજીભાઈએ એક કચકચાવીને તમાચો પ્રતિકને લગાવી દીધો. "તમને આ તૈયારની થાળીમાં આઝાદી મળી ગઈ છે. એટલે તમને એની કદર નથી."

"એ ઈ, ડોસા, હું માનથી વાત કરું છું તો તું તો ચડી વાગ્યો. તને ખબર છે હું કોણ છું ?"

"અરે ! વડીલ સાથે આવી રીતે વાત કરાય ? નાના મોટાનું કોઈ ભાનબાન છે કે નહીં ?" હમણાં જ રજા પર આવેલા અને ત્યાંથી પસાર થઈ રહેલા સૈનિક જોરાવરસિંહે કહ્યું. 

"એ, તું પચીસ ત્રીસ હજારની આવકવાળા, તને શું ખબર પડે. તને ખબર છે મારા પપ્પા આ ગામના સરપંચ છે ? હું હમણાં એમને બોલાવું છું. તમે લોકો ભાગતા નહીં."

"હું દેશનો બહાદુર જવાન છું. પીઠ બતાવીને ભાગવાનું હું નથી શીખ્યો."

"મેં દેશની આઝાદીની લડતમાં ભાગ લીધો છે, કેટલીય વાર લાઠી ખાધી છે. અમે અહીં જ ઊભા છીએ. તું બોલાવ તારા પપ્પાને." 

થોડીવારમાં જ એક ચકચકિત ગાડી ત્યાં આવીને ઊભી રહી. પ્રતિકે દોડતાં જઈ બારણું ખોલ્યું. એમાંથી સરપંચ શ્રી. નવિનભાઈ ઉતર્યા. બહાર નીકળી તેઓ ત્યાં ઊભેલાં રાઘવજીભાઈને વાંકા વળીને પગે લાગ્યાં અને સૈનિક જોરાવરસિંહને જયહિંદ કહી સલામ કરી. 

"પપ્પા, આ દાદાએ મને લાફો માર્યો અને તમે એમને પગે લાગો છો ?"

"બેટા, એમણે તને કેટલાં લાફા માર્યા ?"

"પપ્પા, જોરમાં એક લાફો માર્યો છે. જુઓ હજી મારો ગાલ ચમચમે છે."

નવિનભાઈએ પ્રતિકને બે બીજા લાફા માર્યા. "બેટા, દાદાએ તને અમસ્તો નહીં માર્યો હોય. તેં શું કર્યું હતું ?"

"મેં આ તિરંગો રસ્તા પર ફેંકી દીધો એટલે દાદાએ મને માર્યું."

"બેટા, દેશની આઝાદી માટે એમની જુવાનીમાં એમણે ઘણો ભોગ આપ્યો છે. ઉપરાંત આ સૈનિકો રાતદિવસ, ટાઢતડકો વેઠીને દેશની રક્ષા કરે છે. તો આપણે આપણાં ઘરોમાં શાંતિથી રહી શકીએ છીએ. તું એમનું અપમાન કરે, દેશના ઝંડાને ગમે ત્યાં નાંખે તો એમને ગુસ્સો આવે એ વ્યાજબી છે. એમનામાં દેશદાઝ છે, તું સરહદ પર લડવા તો ન જઈ શકે પણ રાષ્ટ્રધ્વજનું સન્માન તો રાખી શકે ને ?"

"પપ્પા, મને તમારી, દાદાની અને આ વીર સૈનિકની વાત બરાબર સમજાઈ ગઈ છે. હવેથી ફરી કદી આવી ભૂલ હું કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં. મને માફ કરો." પ્રતિકે રાઘવજીભાઈને વાંકા વળી પ્રણામ કર્યા અને સૈનિક જોરાવરસિંહને જયહિંદ કહી જોરદાર સલામી આપી. સૌ એકસાથે જયહિંદ બોલી છૂટા પડ્યાં.


Rate this content
Log in