શૈલેષ પ્રજાપતિ ' સસ્મિત ', ' શૈલ '

Others

4.7  

શૈલેષ પ્રજાપતિ ' સસ્મિત ', ' શૈલ '

Others

' ડગલું ' કુદરતનું

' ડગલું ' કુદરતનું

4 mins
684


વિષાણુનાં પ્રકોપથી યે વિશેષ તેના ભયના ઓથાર તળે હિબકે ચડેલ માનવ સભ્યતા જ્યારે વિશ્વતંત્રો દ્વારા ફરજિયાત સજાવેલ સૂનકાર ને આર્થિક ત્રાજવે તોળી રહેલ હોય ત્યારે આ સમય શૃંખલાની હકારાત્મક બાજુ પણ એટલી જ નિરાળી છે. આ સમયમાં કુદરતના કેટલાક વિસ્મય કારી આવેગો માણવા જેવા છે.

                                *********

શૂન્યતા પણ શૂન્ય થઈ ગઈ છે તેવા સમયે સરકારી લોકડાઉન ના નાદ, પોલીસ તંત્રના પ્રતિબંધો કેરા સાદ અને યાંત્રિક ભૌતિકતા ના શમી રહેલા સંતાપ વચ્ચે મારા ઘરની બાલ્કની મને આજે કેટલી રૂડી લાગે છે.!

પથ્થરોના જંગલ અને આસ્ફલ્ટની સડકો વચ્ચેના ભૂભાગ પર માણસની ગતિવિધિઓ થંભી ગઈ છે. આવામાં, સામે દેખાતા ' ફાઈનલ પ્લોટ ' ની આર્થીકતા પણ વિસારે પડી છે. હજુ હમણાં તો આ પ્લોટમાં અચાનક કલશોર જામ્યો હતો !ધસી આવેલ મશીનરી એ જોત જોતામાં આ જમીન પર કબજો કરી પ્રકૃતિના ઠેકેદાર નો ભાવ દર્શાવી રહેલા વિલાયતી બાવળો નો ખુડદો બોલાવી દીધો !!!

 મારા બે વર્ષના અહી રહેવાસ દરમ્યાન જે દર્શન સુલભ ન હતું તે જોયું આજે. 

શું જોયું...? 

અરે આ ' ફાઈનલ પ્લોટ ' નું પેટ જ સ્તો! 

મારે માટે તો આ નવું દર્શન સુલભ થયું, એમ થયું કે, ચાલો હવે કેટલાક દિવસ નવીન પ્રવૃત્તિ જોઈ સતત નો કંટાળો કુતૂહલ માં પરિણમશે ખરો..

                               *********

 ડુંગરાળ વિસ્તારોમાંથી પેટિયું રળવા આવેલ પતિ પત્નીનો નવ પરિવાર આ પ્લોટ પર ઝૂંપડું તાણી પોતાનો આગવો ચોકી પહેરો હવે સંભાળે છે.

વળી, જમીન માલિક આ ઝુંપડીમાં પીળી ચટ્ટક લાઈટ પણ ક્યાંથી જોડી ગયો? 

પણ સારું તો થયું !!!,

 અંધકારના ઓળા પછી પણ આ પરિવારની રોટલાની ટપટપ, ફિલ્મી ગીતોની ધૂન પર ટીપ ટીપ મે પણ માણી. 

પણ, બે જ દિવસ....

હવે આવ્યું લોક ડાઉન...,

પ્લોટમાં થી ઝૂંપડું અચાનક થયું અદૃશ્ય !

જમીનની છાતીને ચીરીને પાણી પરાણે ખેચી લાવવાના ઉધામા માટે આણેલ મશીન સાથેના ટ્રેકટર સિવાય બધું ખાલીખમ્મ! 

પ્લોટમાં હવે શું વધ્યું? 

અરે ભાઈ!  મારા કુતૂહલને પોષવા હજુ ઘણું બધું છે. ... ઉખાડી નાખેલ મોટા ઝાડનું થડ, જેસીબી મશીન ના ટાયરના તાજા પાટા અને બોરવેલ કરવાં માટે નું પેલું યંત્ર તો ખરું જ...

                              *********

પછીના દિવસની સવાર પણ એટલી રોમાંચકારી નીવડી.

 શહેરી કૃત્રિમતા ને પોતાના કોમળ કિરણોથી ' કૂણી' કરવાનુ ભગીરથ કાર્ય કરવામાં નવા જોમ સાથે સૂરજદેવ જોતરાયા છે. પણ, તેમના અસ્ખલિત કિરણોને પણ કંટાળો આવે તેવો સૂનકાર આ પ્લોટ પર સવાર સવારમાં જ વ્યાપ્યો હતો તેવામાં અચાનક, બાજુના બાવળિયા જંગલમાંથી પ્રગટ થયેલી છટા એ પ્લોટને સોળે શણગાર થી સજાવી દીધો. પ્રિયતમા ને 'પ્રિયતમા ' કરવા મથી રહેલા મોરલા એ પોતાની શી છટા પાથરી છે...આહા! 

થનગની રહેલા મોરપીંછ જાણે મોતીડાં વેરી રહ્યા છે. 

મોર, મોરલાઓ, ઢેલ, ઢેલડીઓ....વણથંભી કૂચ આ નવી ખુલ્લી જમીન પર ' કોલંબસ ' ની જેમ વાવટો ફરકાવતી આવી ગઈ છે. વરરાજા થવા મથતો મોર જાણે 'શહેરી ' કળા એ ખીલ્યો છે. 

પ્રિયતમા ઢેલ તેને ભાવ આપતી નથી કે શું? 

ભલે એ અતડી અને ઈતરાતી ફરે....., મોર રાજા પોતાના પ્રયત્નો પર મુશ્તાક છે જાણે! 

કબીલાના અન્ય બિરાદરો જોઈ રહ્યા છે આ બધું...વિસ્મય, અફસોસ અને કદાચ ઈર્ષાથી સ્તો!

                           **********

રણમાં ભૂલા પડેલા મુસાફર જેવું કાળિયું કૂતરું ક્યાંકથી આવી ચડ્યું...આ ઘટનાનુ પાત્ર થઈ પડવા. જો કે પ્રેમ લીલામાં વિલન બનવાની અનિચ્છા જાહેર કરતું હોય તેમ નવી જમીન સૂંઘતું બાવળોની ઓથે સરક્યું. આ બાજુ બીજો મોર પણ આવી ચડ્યો...

પણ., 

પીંછાની માયાથી કમને મેળવેલ છુટકારા ની ભાવના અને વેદના યુક્ત એવો તે ધીર ગંભીર બની પેલા સુંદરતા અને પ્રણય ઊર્મિનું સપ્તધનુષ સર્જી બેઠેલા યુવા મોર ને જાણે સ્વપ્નવત પડકાર આપવાની વ્યર્થ કોશિશમાં તો નથી...?!!! 

હવે, પ્રિયતમની પ્રિયતમા તો સહેલી ઓ સાથે આગળ નીકળી ગઈ....! તો આ પ્રેમ ના ઉભરા અનુભવતો યુવા કેમ હજુ પાંખોની અને હૃદયની કળા વિખેરી રહ્યો છે? 

સહસા, વાદળો જાણે વિખરાયા....

ઢેલ રાણી નવોઢાની જેમ ઠુમ્મક ચાલે આવી રહ્યા છે. આ બાજુ વર રાજા જાણે વધુ ઉત્સાહ અને ઉન્માદ ના ઝરણા માં ભીંજાઈ રહ્યા છે. સુંદર મયુરપંખો અનેરા આવેગ થી થનગની રહી...ખુલ્લા પ્લોટ નું પેટ જાણે સકળ બ્રહ્માંડ છે અને મોરલા ની વિકસિત કળામાંથી તારલાં બૃહદ આકાશમાં જાણે વિહરી રહ્યા. પેલું ટ્રેકટર કૃત્રિમ ઉપગ્રહ સમુ અહી ભાસી રહ્યું...

થનગનતા પ્રેમને અવગણ્યો કે પછી ઇજન આપ્યું? 

ઢેલ રાણી થરકતા કદમે ધીમે ધીમે ઉન્મત મયુર ની સમીપે પધાર્યા..., પરિસ્થિતિ એ અણધાર્યો વળાંક લીધો.., પ્રિયતમા હવે પ્રિયતમને પસાર કરી બૃહદ બાવળ પ્રદેશમાં જઈ રહી છે.

 પણ આ શું? 

પેલો મોર તો હજુ મસ્ત છે પોતાની કલા બાજી માં...કે પછી પોતાનો થયેલ તિરસ્કાર તેને વધારે ઝનૂન તરફ પ્રેરિત કરી રહ્યો છે?

                                ********

અહી આપણી ધારણા નો અંતિમ આવી ગયો, શરૂ થાય છે વાસ્તવિકતા. 

વિકસિત કળાને થરકાવતો મોર મક્કમ પગલાં ભરતા...ઢેલ ના પગલાને દબાવતો આ ચાલ્યો.... બન્ને સાનિધ્ય જાણે એકત્વ ભણી ચાલ્યા ! કૃત્રિમ વૈભવ ઉપર કુદરતી પ્રેમના કામણ પથરાયા હોય તેમ બાવળનું વન પ્રેમાંકુરોથી પલ્લવિત થવાની જાણે રાહ જોઈ ને જ બેઠું હતું....!

જેસીબી ના ટાયર ના હજુ તાજા લાગતા પાટાઓની ભાત પર મોર તથા ઢેલના ડગલાં એક જ દિશામાં કંડાર્યા હતા. જાણે નવો પ્રણય પથ !

લોક ડાઉનની ભયાનક નીરવતા વચ્ચે ભૌતિકતાના આલિંગનથી ખુલ્લી થયેલી જમીન પર યંત્રના પૈડાં એ કરેલ ભાત ઉપર "ડગલાં " કુદરતના...મંડાઈ ગયા હતાં......*


Rate this content
Log in