ચકુડી
ચકુડી


ધડામ... જોર થી અવાજ આવ્યો..અને બારીના કાચ તૂટી ગયો. આચાર્યાએ એજ તૂટેલી બારીમાંથી બહાર જોયું. છોકરાઓ અને છોકરીઓ ક્રિકેટ રમતા હતા. બધાને કેબીનમાં બોલાવ્યા. ચુચી આંખ કરીને ગુસ્સામાં બોલ્યા કોણે કાચ તોડ્યો ? સાચું બોલો નહી તો કડક સજા કરીશ. બધા ચુપ...બોલો છો કે નહિ ? કોઈને આજે ઘરે નહિ જવા દઈશ. સાચું બોલો તો ઇનામ આપીશ એમ નરમાશથી કહ્યું. પણ કોઈ બોલ્યું નહી એટલે ઘાંટો પડી બોલ્યા બોલો છો કે પેરન્ટસ ને બોલાવું ? અને એક ખૂણેથી અવાજ આવ્યો ગભરાતા સૂરમાં “મેડમ મેં તોડ્યો છે “ અને બધાની નજર એ અવાજની દિશામાં ગઈ. તો એ અવાજ હતો ચકુડીનો....મેડમ ગુસ્સાભરી નજરથી એને પાસે બોલાવી. બધાની આંખમાં ભય ડોકાયો. ખલાસ હવે ચકુડીનું આવી બન્યું, મેડમે કરડાકીથી બધા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા. ચકુડીને કહ્યું “સામે ફૂટપટ્ટી દેખાય છે ?
“હા “
તેની ઉપર જાડી ચોપડી દેખાય છે ?”
“હા “
“તે લઇ આવ “
“જી”
ચકુડીને થયું કે મર્યા આજે મારું આવી બન્યું. મેડમે પાસે બોલાવી કહ્યું “હાથ આગળ કર“ અને એ માર સહન કરવા માટે આંખ મીંચી અને આશ્ચર્ય થયું હાથમાં માર નહી પણ ભાર પડ્યો. જોયું તો હાથમાં પુસ્તક હતું. મેડમ હસતા હતા. અને કહ્યું “આ તારી પ્રામાણિકતાનું ઇનામ છે. જીંદગીમાં હમેશા સાચું જ બોલજે. અને હા આ પુસ્તકમાં બોધ પ્રેરક વાર્તા છે. તને તો હજુ વાંચતા નહી આવડશે પણ મમ્મી પપ્પાને કહેજે કે રોજ એક વાર્તા આમાંથી વાંચી સંભળાવે.“ ચકુડી તો દોડતી ને ભાગતી ઘરે આવીને બધી વાત મમ્મીને કહી. અને ઇનામ પણ બતાવ્યું.
અને રાત પડવાની રાહ જોવા લાગી. ક્યારે મને કોઈ વાર્તા સંભળાવે. રાતે પપ્પા પાસે ગઈ અને કહ્યું “પપ્પા, આમાંથી એક વાર્તા વાંચી સંભળાવો “ પપ્પા ગુસ્સે થઇ ગયા, ” હું આખા દિવસનો થાકી ગયો છું. મને ઊંઘવા દે. તારી મમ્મી પાસે જ “ મમ્મીએ કહ્યું, “મારી પાસે તો આવતી જ નહિ. આખા દિવસના કામના ઢસરડા કરીને હું ખુબ થાકી ગઈ છું તારા ભાઈ પાસે જા.” ભાઈએ કહ્યું, "એ ચકુડી ભાગ અહીંથી એક ઢોલ મારી દઈશ મારી પાસે આવી છે તો મારે કોલેજનો પ્રોજેક્ટ બનાવવાનો છે.“ અત્યાર સુધી ચકુડી અલક ચલાણું મેદાન પર જ રમતી હતી પહેલી વાર એ ઘરમાં રમી રડમસ ચહેરો લઈને એક ખૂણામાં બેસી ગાઈને રડવા લાગી.
ત્યાં એને માથે હેતથી હાથ ફર્યો..જોયું તો દાદીમા હતા... “કોઈની પાસે સમય નથી ? મારી પાસે છે દીકરા ચલ હું તને વાર્તા કહું“ તારી ચોપડીની બધી વાર્તા મેં વાંચી નથી પણ જીવી છે.પહેલાના સમયમાં લોકો પાસે ઘડિયાળ નહોતી પણ સમય હતો આજે દરેક પાસે ઘડિયાળ છે પણ સમય નથી મારા દીકરા. ચલ હું તને સસલાને કાચબાની વાર્તા કહું. અને વાર્તામાં છેલ્લે કાચબાની જીત થાય છે એમ સાંભળીને દાદીના ખોળામાં જ સુઈ ગઈ. ઘસઘસાટ...
સવાર પડીને મમ્મીની બુમ સંભળાઈ “ચકુડીઈઈ ઉઠ રિક્ષા આવી જશે..” ચકુડીના મનમાં કાચબો ભરાઈ ગયો હતો કે જે ધીરજથી કામ કરે તે જ જીતે. એટલે એણે મમ્મીને કહ્યું “ મમ્મી હું તો કાચબો છું ધીમે ધીમે ધીરજથી કામ કરીશ ને જીતી જઈશ સસલા સામે. મમ્મી ગુસ્સે થઇ ગઈ ચલ હવે એકદમ એને ઊંચકીને બાથરૂમ માં લઇ ગઈને ડોલ પાણી નાખીને નવડાવી દીધી. જેમતેમ સ્કુલ ગઈ તો ત્યાં પણ ધીમે ધીમે ગઈ એટલે ટીચર ખીજવાયા ચકુડી ખબર છે ને આજે સરપ્રાઈઝ ટેસ્ટ છે ? બધાને પ્રશ્ન પત્ર આપ્યું. ચકુડી તો ધીમે ધીમે લખે એના મનમાં એવું જ ઠસી ગયેલું કે કાચબો જ અંતે જીતે. એમાં ને એમાં એનું પેપર રહી ગયું.
ચકુડીના આ વર્તનથી નારાજ ટીચર એને આચાર્યા પાસે લઇ ગયા. અને બધી વાત કહી. ચકુડીને પૂછ્યું તો એણે કાચબા બનવાની વાત કરી. એટલે મેડમે બહુ જ પ્રેમથી એને સમજાવ્યું કે : ’જો દીકરા જીંદગીમાં સફળતા મેળવવી હશે તો એકલા કાચબા જ નહી બનવાનું પણ સસલા જેવી ઝડપ પણ લાવવાની. સંતુલન રાખવાનું દરેક કામમાં તો જ સફળ થઈએ. પરિક્ષામાં સસલાની ઝડપે યાદ રાખવાનું અને કાચબાની રીતે ધીરજથી ઉતાવળ કર્યા વગર લખો તો પહેલો નમ્બર આવે. સસલાની માફક આળસુ થઈને સુઈ નહી રહેવાનું. સંતુલન જાળવશો તો જ સફળ થશો”. ચકુડી ને સમજાઈ ગયું કે વાર્તાની સમજણ તો જીવનમાં ઉતારીએ તોજ આવે. ખાલી ગોખણપટ્ટીથી પાસ થવાય પણ સમજુ નહી થવાય.