ચકલી બાઈ ની બહાદુરી
ચકલી બાઈ ની બહાદુરી
એક હતું રૂપાળું ગામ. અને આ ગામમાં હતી એક સુંદર મજાની શાળા. આ શાળાની દીવાલને અડકીને એક ચબૂતરો બનાવેલો હતો. શાળામાં તો ઘણા બધા લીમડાના ઝાડ હતા. આ ઝાડ પર ઘણાં બધાં પક્ષીઓ વસવાટ કરતા.
"પોપટ રહે ચકલાં રહે ,રહે કાગડાભાઈ,
હોલા રહે કબુતર રહે, રહે ખિસકોલી બાઈ;
ભૂખ લાગે તો સરરર ઉતરી ખાતાં દાણા વીણી લઈ,
ખાતાં જાય અને રમતાં જાય, ગીત મધુરાં ગાતા જાય."
આમ આ બધાંજ પક્ષીઓ હળીમળીને રહેતાં. ચબુતરા પરથી દાણા ચણતા ને સરસ મજાનો ગીતો ગાતાં. આમને આમ આ બધા જ પક્ષીઓ સુખથી દિવસો વિતાવતાં. પરંતુ, એક દિવસ એવું બન્યું કે આ ચબૂતરા પર ક્યાંયથી એ આવેલા વાંદરાઓના એક મોટા ટોળાએ પોતાનો અધિકાર જમાવી લીધો. ને આ વાંદરાઓ ઘણા દિવસો થવા છતાં અહીંથી જવાનું નામ જ ન લેતા !
"વાંદરાઓ તો આમ કૂદે, તેમ કૂદે,
પક્ષીઓને હેરાન કરે
હૂપ હૂપ કરીને બખાડો કરે;
ઝાડ પર કૂદા કૂદ કરી ડાળખાં તોડે;
પંખીઓના માળા વેરવિખેર કરે,
પંખીઓને ઘર બહાર કરે..!"
વાંદરાઓએ તો બધા જ પક્ષીઓને હેરાન કરી મૂક્યા. તેમના માળા વેરવિખેર કરી નાખ્યા. તેઓ પક્ષીઓને ચણ ચણવા જ ન દે તા. બધાજ પક્ષીઓ ભૂખ્યા પેટે નજીકના બાવળના ઝાડ પર બેસી રહેતા ને ગરમી પણ સહન કરવી પડતી. અંતે બધાં જ પક્ષીઓ ભેગા થયા. ને પોપટભાઈ એ પોતાની વાત રજૂ કરી, "આ વાંદરાઓએ તો આપણને ઘણા બધા હેરાન પરેશાન કરી નાખ્યા છે!,
નથી દાણા ખાતા ,કે નથી ખાવા દેતા,
નથી ઝાડ પર હખેથી રહેતા કે નથી રહેવા દેતા;
આપણા સૌના ઘર વેરવિખેર કર્યા,
ને આપણને ઘર બહાર કર્યા.."
હવેથી આપણાથી ચૂપ બેસી ન રહેવાય. ભલે આપણે તેમનાથી નાના રહ્યા પણ આપણે તેમને સીધા તો કરવા જ પડશે. પણ આ તો તોફાની મસ્તીખોર વાંદરાઓ ! તેમની પાસે જાય કોણ ? તેમને સીધા કરે કોણ ?.ત્યારે બધા જ પક્ષીઓ મોઢું નીચું કરીને બેસી રહ્યા. પણ, પેલી ચકલી બોલી કે હું જઈશ ને તરત જ દોડીને તે પેલા ચબૂતરા પર કૂદાકૂદ કરતાં વાંદરાઓ પાસે જઈને એક વાંદરાને ચાંચ મારી. બીજા વાંદરાને ચાંચ મારી ને ત્રીજા વાંદરાને પણ ચાંચ મારી. આખરે એક વાંદરાની ઝાપટથી તેનાં પીંછાં વેરવિખેર થઈ ગયા. ને પડી ધબ દઈને નીચે.!
વાંદરો તે ચકલીને મારવા ગયો કે તરત જ કાગડાએ ઉડતા આવીને ચકલીને બચાવી લીધી. ચકલીની આ બહાદુરી એ બીજા તમામ પંખીઓના રગે રગમાં જાણે સાહસ ભર્યું. પછી તો બધા જ પક્ષીઓ એક સાથે ઉડીને ચાંચો મારીને પેલા તોફાની વાંદરાઓને હેરાન કરવા લાગ્યા. કોઈકવાર ચકલી પડે તો કોઈક વાર કોયલ છતાં તેમણે પ્રયત્ન ચાલુ જ રાખ્યો. કાગડાઓએ તો વાંદરાઓને એવા હેરાન કર્યા કે વાંદરાઓ તો ઉભી પૂંછડીએ ભાગ્યા. અને ફરી પાછા આવ્યા જ નહીં. અને બધા જ પંખીઓ સુખચેનથી રહેવા લાગ્યા, આનંદ કિલ્લોલ કરવા લાગ્યા.ચકલીબાઈની બહાદુરીને વખાણતા વખાણતા પોપટભાઈ એ ગીત ગાવા માંડ્યું,
"સાથે જ રહીશું, સાથે જ જમશું
નિત ગીત મધુરા ગાશુ,
રોજ રાત્રે ભેગા મળીને
અલક મલક ની વાતો કરીશું."
