The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Mariyam Dhupli

Children Stories

4  

Mariyam Dhupli

Children Stories

ચિત્ર

ચિત્ર

5 mins
171


એક પછી એક ઘરકામ હું ચકાસી રહ્યો હતો. કામ સહેલું ન હતું. એ પણ મારા જેવા એક ચિત્રકામના શિક્ષક માટે. જેને ટેક્નોલોજી અને ખાસ કરીને મોબાઈલ અને એપ્પ જોડે બહુ ખાસ અને ઊંડાણના સંબંધ ન હોય. ના, હું જુનવાણી વિચારધારા ધરાવનારાઓમાં તો ન જ સમાવેશ પામું. નવું શીખવું ગમે. પણ સમયનો વ્યય મને પોષાય નહીં અને ગમે પણ નહીં. સમયની વક્રતા જોઈ લો સાહેબ ! જે વોટ્સએપ્પને આજ સુધી સમય વેડફનાર અને ધ્યાનમાં ખલેલ પહોંચાડનાર સમજતો રહ્યો, આજે એજ વોટ્સએપ્પ નવા સમયની નવી વ્યાખ્યા મને શીખવી રહી હતી. કોરોનાના અણધાર્યા ત્રાસથી ઘરે ગોંધાઈ ચૂકેલા મારા વિદ્યાર્થીઓ અને મારી વચ્ચે એક મહત્વનો સેતુ બની રહી હત . એ એપ્પ ઉપર મારુ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતો હું ગયા અઠવાડિયે શાળા તરફથી શરૂ કરાયેલ ઓનલાઇન અભ્યાસક્રમનું પ્રથમ સોપાન સફળતાથી પાર પાડી રહ્યો હતો. 

પહેલા અઠવાડિયે મારા દ્વારા સોંપવામાં આવેલ ચિત્રકામની થિયરી અંગેનું ઘરકામ દરેક ભુલકાંઓએ પ્રમાણિકતાથી ફોટા સ્વરૂપે અપલોડ કર્યું હતું. રંગ, રેખાઓ અને આકારો અંગેની વ્યાખ્યા અને સમજૂતીઓ દરેક નોટબુકમાં સ્પષ્ટ અને વિસ્તૃત નોંધવામાં આવી હતી. એ નિહાળી એક શિક્ષક તરીકેનું મન આનંદિત જરૂર થયું. પરંતુ એક માનવ તરીકેનું મારુ મન ક્યારનું મને ઢંઢોળી રહ્યું હતું. દરેક નોટબુક જોડે એ દરેક નિર્દોષ ચહેરો મારી દ્રષ્ટિ ઉપર ઉપસી રહ્યો હતો. મારુંજ મન પુસ્તક કે અભ્યાસક્રમમાં પહેલાની માફક ચોંટી રહ્યું ન હતું. તો આ માસુમ મનોજગત કઈ રીતે એમના નિર્દોષ મગજ અભ્યાસક્રમ જોડે પરોવી રહ્યા હતા ? બહારનું વાતાવરણ અંદરના વાતાવરણને ચોક્કસ ઊંડી ખલેલ પહોંચાડી રહ્યું હતું. આવી નાજુક મનોસ્થિતિ વચ્ચે શું કામ સોંપી શકીએ અને શું કામ કરી શકીએ ? મને પણ મનોમન્થન પજવી રહ્યું હતું. પરંતુ શાળાના નિયમો અને ઓનલાઇન કોચિંગ ને સાથસહકાર આપ્યા વિના છૂટકો પણ ન હતો.

આજે શું કામ આપું ? પાછું એજ પુસ્તક, એમાં છપાયેલી માહિતીઓ અને નોટબુકમાં ઉતારવાની વેંઠ ? એ નાજુક નમણી માનસીક્તાઓ ઓછું ઝઝૂમી રહી હતી ? એને હજી વધુ થાક આપું ? અચાનક મારા મનમાં એક વિચાર સ્ફુરિત થયો અને મગજની ગૂંગળામણ થોડી ઓછી થઇ. " આજનો વિષય છે. 'કોરોના વાયરસ '. એ વિષય ઉપર ચિત્ર તૈયાર કરો અને એક કલાકમાં અપલોડ કરો." મારો વોટ્સએપ મેસેજ ગ્રુપમાં પ્હોંચ્યોજ કે દરેક ભૂલકાઓ પોતપોતાના સ્કેચપેડમાં વ્યસ્ત થયા. એ હું ઘરે બેઠા બેઠાજ જાણે કલ્પનાશક્તિ વડે આંખો આગળ નિહાળી રહ્યો. વિહ્વળ મનને શાંત કરવા હું મારી ચાનો કપ થામી ફ્લેટની નાનકડી બાલ્કનીમાં જઈ ઉભો થયો. ચાની ગરમ ચુસ્કી શરીરમાં ઉતરતાંજ થોડી રાહત મળી. પરંતુ વિચારોનો ભાર હજી પણ હળવો થવાનું નામ લઇ રહ્યો ન હતો.

શહેરના રસ્તાઓ ઉપર વ્યાપેલા એકાંતથી હવે હૈયું જાણે કચવાઈ ઉઠતું હતું. કંઈજ ગમી રહ્યું ન હતું, સમજાઈ રહ્યું ન હતું. ટીવીના સમાચારો ત્રાસ આપી રહ્યા હતા. સાલું એક જાતનું મેન્ટલ ટોચર કહો કે માનસિક ત્રાણ. ફોક્સ તદ્દન આઉટ ઓફ ફોક્સ થઇ ગયું હતું. ધ્યાનનું કેન્દ્ર અચાનકથી જાણે બળજબરીએ છીનવાઈ ગયું હતું. કામકાજ, નોકરી, સામાજિક વ્યવહારો, શિક્ષણ, આવક, વિકાસ, પ્રગતિ, સ્પર્ધા, જીતવું, નફો, સમયપાલન બધુજ એક ઝાટકે વેરવિખેર થઇ ગયું હતું. કશુંજ મહત્વનું ન હતું. જો કઈ મહત્વનું હતું તો એ ઘરે રહેવું અને જીવ બચાવવો. આ માટે કોઈ પૂર્વ તૈયારી તો હતી નહીં. પરીક્ષા પહેલા તો પુનરાવર્તન કરવું પડે ને ? પણ અહીં તો માથા ઉપર તલવાર જેવી પરીક્ષા અફાળી દેવામાં આવી હતી. ને જો મારા જેવા પુખ્ત પુરુષની આ દશા હોય તો ફૂલ જેવા કુમળા મારા વિદ્યાર્થીઓની શી મનોદશા હશે ? ઘરની ચાર દીવાલો વચ્ચે શ્વાસો ન રૂંધાતી હશે ? આખો દિવસ મૃત્યુનો ડંકો વજાડતા ન્યુઝ ચેનલો નિહાળી એ નાનકડા હય્યા કેવા ધ્રુજતા હશે ? અને આ પરિસ્થતિ એમની કુમળી માનસિકતાને કેવી ચોટ આપતી હશે ? સૌથી મોટો પ્રશ્ન એજ કે શાળાઓના બારણાં બંધ હોય તો શિક્ષણથી કોરા રહી એમનો વિકાસ રૂંધાઇ તો ન જશે ?

ઓનલાઇન શિક્ષણ આખરે તો મર્યાદીતજ ને. એ પતંગિયાઓનું નાનકડું વિશ્વ જાણે અચાનકથી ઉપરથી નીચે થઇ ગયું હતું. વ્હોટ્સએપના વાઈબ્રેશનથી દોરાઈ હું ફરીથી ફ્લેટની અંદર તરફ પહોંચ્યો. એક કલાક પૂરો થયા પહેલાજ સ્કેચપેડના ચિત્રો અપલોડ થવા લાગ્યા. એક પછી એક ડાઉનલોડ મારી ફોટો ગેલેરી દ્વારા ઉઘડવાનું શરૂ થયું. મારા ચશ્માં નાક ઉપર આવી સર્યા. મારુ મોઢું અચરજ થી પહોળું થઇ ગયું. પહેલા ચિત્રમાં ટેબલ ઉપર વાસી ફળ અને જમવાનો વ્યય ભેગો થયો હતો. નીચે લખાયું હતું. કોરોના એ શીખવ્યું અન્નનો કદી વ્યય ન કરવો. બીજા ચિત્રની અંદર પાંજરામાં પૂરેલું એક પોપટ અને બારી બહાર જોતું એક બાળક દોરાયું હતું. નીચે લખ્યું હતું. પંખીઓને પિંજરામાં રહેવું ગમતું ન હશે. મારી જેમ. ત્રીજા ચિત્રમાં એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં નોટબુક અને પેન થામેલુ બાળક હતું. ચહેરા ઉપર મૂંઝવણના ભાવો હતા. નીચે લખ્યું હતું. એક શિક્ષક સો માતાની ગરજ સારે છે. ચોથા ચિત્રમાં એકબીજાને મદદ કરી રહેલ કુટુંબના સભ્યો રંગાયા હતા. નીચે લખ્યું હતું યુનિટી ઇઝ સ્ટ્રેન્ધ. એકતામાં બળ છે. પાંચમા ચિત્રની અંદર દેશનો નકશો દોરાયો હતો. જુદા જુદા ધર્મના ચહેરાઓ માસ્કથી ઢંકાયાં હતા. બધાજ એકીસાથે પ્રાર્થના કરી રહ્યા હતા. નીચે લખ્યું હતું વિવિધતામાં એકતા. છઠ્ઠા ચિત્રમાં કોરોના વાયરસને રાક્ષસનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ચિત્રમાં પરિવારે બાળકને આલિંગનમાં સુરક્ષિત રાખ્યું હતું. નીચે લખ્યું હતું. ફેમિલી ઇઝ એવરીથીંગ. સાતમા ચિત્રમાં ફિલ્મનો એવોર્ડ થામી એક કલાકાર ઘરની બારીમાંથી ડરીને ઝાંખી રહ્યો હતો. રસ્તા ઉપરથી ડોક્ટર પસાર થઇ રહ્યો હતો. જેને સુપરમેનના કપડાં પહેરાવ્યા હતા. નીચે લખ્યું હતું. ડોક્ટર જ સાચા હીરો છે. આઠમા ચિત્રમાં નારંગી, મોસંબી, લીંબુ દોરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ ડરીને ભાગી રહ્યું હતું. નીચે લખ્યું હતું. પોષ્ટીક જમો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. નવમા ચિત્રમાં એક ત્રાજવું દોરવામાં આવ્યું હતું. એક તરફ ધન, ઘરેણાં, કારનો ઢગલો હતો. પણ એ તરફનું વજન નહિવત હોય એ રીતે બધું ઉપરની દિશામાં હતું. બીજી તરફનો ભાગ વજનથી નીચે તરફ ઢળી પડ્યો હતો. એ તરફ 'સ્વાસ્થ્ય ' લખવામાં આવ્યું હતું. દસમું ચિત્ર બે સરખા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એક તરફ બીફોર અને બીજી તરફ આફ્ટર લખવામાં આવ્યું હતું. બીફોર વાળા વિભાગમાં લોકોથી ખીચોખીચ રસ્તા, કચરાના ઢગલા, વાહનોની કતાર , ધ્વનિ પ્રદુષણ , ફેક્ટરીની ચીમનીઓમાંથી નીકળતા કાળા ધુમાડા, નદીનું ગંદુ પ્રદુષિત પાણી, મૃત માછલીઓ દોરવામાં આવી હતી. જયારે આફ્ટરવાળા વિભાગમાં માસ્ક પહેરી ઘરમાં બેઠા માનવીઓ, સ્વચ્છ ઈકોસીસ્ટમ, વૃક્ષો , નદીનું સ્વચ્છ પાણી, જીવિત માછલીઓ, કાર વિનાના અને લોકો વિનાના સ્વચ્છ રસ્તાઓ દોરાયા હતા. અગિયારમું, બારમું, એક પછી એક ચિત્રો હું નિહાળતો ગયો અને મોઢામાંથી અનાયાસેજ વાહ , વાહ નીકળતું ગયું. મારા બાળકોએ મને મંત્ર મુગ્ધ કરી મુક્યો હતો.

થોડા સમય પહેલાની વિહ્વળતા અને વ્યાકુળતા ટીપે ટીપે પીગળી ગઈ હતી. એમના શિક્ષણ અંગેની મારી ચિંતા અચાનક અદ્રશ્ય થઇ ગઈ હતી. મનમાં થોડી મીઠી ઈર્ષ્યા ભરાઈ બેઠી હતી. જીવનની જે શાળામાં તેઓ શિક્ષણ લઇ રહ્યા હતા, કાશ એ જ શાળામાં મારુ અને મારી પેઢીનું પણ શિક્ષણ થયું હોત તો કદાચ આજે આ પૃથ્વીનું ચિત્રજ તદ્દન જુદું હોત. "એની હોમવર્ક સર ?" મારા વિદ્યાર્થીના મેસેજથી હું ચિત્રોની એ અદભુત શ્રુષ્ટિમાંથી આખરે વાસ્તવિક જગતમાં પરત થયો. "નો હોમવર્ક. નેક્શ્ટ સેશન આવતા અઠવાડિયે." આખરે અંતિમ મેસેજ જોડે એમને જીવનની શાળામાં શિક્ષણ ગ્રહણ કરવા એકલા છોડી હું વોટ્સએપમાંથી બહાર નીકળ્યો.


Rate this content
Log in