Kavish Rawal

Others

3  

Kavish Rawal

Others

છેલ્લું ટિફિન

છેલ્લું ટિફિન

5 mins
14.4K


આશા - ઊંચી પાતળી, શ્યામ વર્ણ અને લાંબા ઘટાદાર વાળ. હા, થોડી સફેદી આવી હતી પણ હજુ પણ એવીજ ટટ્ટાર ઊભી રહીને કામ કરતી. કોટનના આછા વાદળીમાં ગુલાબી ઝાંયવાળા સાડ્લામાં તે સુંદર લાગતી હતી.

સામાન્ય રીતે રસોડામાં કામ કરતી વખતે સ્ત્રીઓ સાડીના છેડાને કમરે બાંધી દેવાનું પસંદ કરતા હોય છે. પણ આશાને છેડો નડતો નહતો. તેણે દાળના તપેલામાં કડછો ફેરવીને બૂમ મારી, "બસ પાંચ મિનિટ. હમણાંજ ટિફિન ભરાઈ જશે. અને હા, ખબર છેને, કાલથી હું નહિ મળું. બસ આજે આ છેલ્લું ટિફિન." તેના અવાજમાં રણકાર કંઈક જુદોજ હતો.

સામાન્ય પરિવારની આશા લગન કરીને આવી ત્યારે તેના હાથની રસોઈના વખાણ ખુદ તેના સસરા આખા ગામમાં કરતા. વળી, આશાને કામની આળસ પણ નહિ. મોટું ઘર, બધીજ છૂટ, પણ સાસુમાને તેનો દિયર વધારે વહાલો હતો એટલે આશાનો વર પોતે દુઃખી છે તે દેખાડવા દારૂ પીતો. આશા ઘણી વાર સમજાવતી કે "ઘૈડિયાના મનમાં શું છે તે આપણને ના ખબર પડે. આપણે ખોટું મન પાછું કરીને જીવન શું કામ બગાડવું?" પણ તેનો ધણી માને તો ને? બે વરસમાં તો ઘેર દીકરો પણ આવી ગયો.

આશાના સસરા શાંતારામે તેનું નામ ચિન્ટુ પાડી દીધું અને બોલ્યા પણ ખરા કે આતો રિશી કપૂરનું નામ છે. આપનો ચીન્ટુડીઓ પણ એના જેવો રૂપાળો થશે!

આશાને હતું કે ચિન્ટુના જન્મ પછી કદાચ ટેવ છૂટી જશે પણ એવું કઈ થયું નહિ અને ચિન્ટુ ત્રણ વરસનો થયો ત્યાં આશા વિધવા થઈ ગઈ.

સાસુએ તો કહી દીધું, "હવે એની અહીં ક્યાં જરૂર છે? બાપના ઘરે રહેશે તો એને પણ સારું લાગશે." પણ શાંતારામ આ નિર્ણયની વિરુદ્ધ હતા. સમયને જતા ક્યાં વાર લાગે છે? ચિન્ટુને નિશાળમાં મૂકવાનો થયો.

આશા પોતે તો ભણેલી જ નહોતી. શાંતારામ પણ ચાર ચોપડી ભણેલા હતા. અંતે નક્કી થયું કે ચિન્ટુ બોર્ડિંગ સ્કૂલમાં ભણશે. હૃદય પર પથ્થર રાખીને આશાએ દીકરાને બહાર ભણવા મૂકી દીધો.

આશા સમય પસાર કરવા ઘરનું કામ કર્યા કરતી. ક્યારેક તેણે લાગતું તેના જીવનનું ધ્યેય જ તેનો દીકરો છે. તે ચિન્ટુના ભવિષ્યના સપના જોતી. ચિન્ટુ ઘરે આવતો તો મોટા ભાગે તેના કાકા ભેગો રહેતો કારણ કે ચિન્ટુની ભાષા આશાને ક્યાં આવડતી હતી? ચિન્ટુ દસમાં ધોરણમાં આવ્યો અને શાંતારામ પણ ધામમાં ગયા. ચારેક મહિનામાં સાસુએ ગામમાં એક નાનો ફ્લેટ અપાવીને કહી દીધું, "હવે તમે તમારું કરી લેજો." આશાનાં માથે જાણે આભ તૂટી પડ્યું.

ધોધમાર વરસાદમાં તે બંગલામાંથી ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ. પિયર પાસેથી અપેક્ષા રખાય તેમ ન હતું. આખી રાત વિચારીને તેણે બીજા દિવસે ફ્લેટની બહાર પાટિયું લગાડી દીધું, "ચિન્ટુ ટિફિન સર્વિસ." તેને માત્ર એકજ અપેક્ષા હતી કે ચિન્ટુનું ભણવાનું સારી રીતે પતી જાય. અને ધીમે ધીમે આશા પાસે ચુમ્માલીસ ટિફિનનું કામ આવી ગયું. હવે તે ના પડી દેતી પણ તેની રસોઈનો સ્વાદ અને ટિફિનમાં વધારે વસ્તુ આપવાની ટેવ ના લીધે લોકો પરાણે ટિફિન લેવા આવી જતાં. ફી ભરાતી ગઈ અને ચિન્ટુ કોલેજનાં છેલ્લા વરસમાં આવી ગયો.

"બેટા, બસ તારી નોકરી લાગી જાયને એટલે હું તારા ભરોસે." આશાએ ચિન્ટુના માથે હાથ ફેરવતા કહ્યું. ચિન્ટુ ખરેખર ખૂબજ દેખાવડો હતો. છ ફૂટની કાઠી અને ગોરો ચિટ્ટો વાન. વાંકડિયા ઘેરા કથ્થાઈ રંગના વાળ અને મોટું કપાળ. લંબ ગોળ ચહેરા પર બદામ જેવી આંખો. લાબું અણીદાર નાક અને ગુલાબી મોટા હોઠ. એની ઊભા રહેવાની અદા પણ આશા જેવીજ ઠસ્સાદાર હતી.

આશાને વિશ્વાસ હતો કે આને પરણાવવામાં બહુ મહેનત નહિ પડે. વળી એના ધ્યાનમાં એક બે સારી છોકરીઓ પણ હતી પણ તે વાત કરતા ખચકાતી હતી. "એકવાર ચિન્ટુ થોડું કમાવા લાગે તો પછી વાંધો ન આવે." જ્યારે ચિન્ટુનો ફોન આવ્યો કે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં તેને મહિને સાવા લાખની નોકરી મળી ગઈ છે ત્યારે તેણે પૂછીજ લીધું કે, "હવે કેટલા સમયમાં તારો પહેલો પગાર આવી જશે?" "બે મહિના." સાંભળ્યા પછી તેણે દિવસો ગણવાના શરૂ કરી દીધા. બસ ત્યાર પછી ચિન્ટુનો એકવાર ફોન આવ્યો. આજે સવારથી તે ફોનની રાહમાં હતી. એક અઠવાડિયાથી તે સામાન પણ પેક કરતી હતી. તે આમ પણ હવે શાંતિથી જીવવા માંગતી હતી.

"આંટી તમે જુલમ કરો છો. મારેમાં નથી. ઘરે કોઈ સારી રસોઈ પણ બનાવતું નથી. અને તમે આમ અચાનક ટિફિન બંધ કરીદો એવું થોડું ચાલે? હું તો વિચારતો હતો કે તમે મને દીકરાની જેમ રાખ્યો છે તો મારા એકલા માટે તો ટિફિન બનાવશો જ." "ના બેટા, મારો દીકરો હવે અમદાવાદ રહેશે. હું અહીં નાસિક એકલી રહીને શું કરીશ? મારો દીકરો હવે મોટો સાહેબ બની ગયો છે. એની મા ટિફિન ભરતી હોય એ એને પણ ન જ ગમેને? વળી તમારે પૈસાની ક્યાં ખોટ છે? કોઈ ફુલટાઇમ બેન જ રાખી લેજો. સારો પગાર આપશો તો મળી જશે."

સમર્થ ખૂબજ સારા ઘરનો દીકરો હતો. એકવાર કોઈ મિત્રના ઘરે તે આશાના હાથની રસોઈ ચાખ્યા પછી દરોજ અહીં આવી જતો. ક્યારેક ટિફિન લઈ જતો તો ક્યારેક જમી પણ લેતો. ક્યારેક સાડી તો ક્યારેક ફળ પણ લઈ આવતો પણ આશા ખૂબજ સિફતથી એ વસ્તુઓ પાછી આપી દેતી.

સમર્થનું ટિફિન આજનું છેલ્લું ટિફિન હતું. આશા તે ભરતી હતી અને ફોનેની રિંગ વાગી. સમર્થે ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો. "મા, આઈ એમ સોરી. મેં લગન કરી લીધા છે. લાસ્ટ ટાઈમ તને કહેવાજ આવ્યો હતો પણ બોલી ના શક્યો. પણ તારાથી અહીં નહિ અવાય. મારી વાઈફને તારી સાથે નથી રહેવું."

સમર્થના ગળામાં ડૂમો ભરાયો. "પણ મા, મેં જોયું છે તારે ટિફિનની સારી આવક છે. હવે તો એ પૈસાથી તું ધારે તે કરી શકશે. લાઈફને એન્જોય કરવા માટે તારી પાસે પૂરતા પૈસા હશે." સમર્થે ફોન મૂકી દીધો. તેના મનમાં એક તોફાની વિચાર આવ્યો. તેણે બૂમ પાડી. "આંટી, ચિન્ટુનો ફોન હતો. તેને પાંચ વરસ માટે અચાનક બહાર જવાનું થયું છે. પણ તેણે અહીં નાસિકમાં તમારા માટે એક રેસ્ટોરન્ટ ખરીદી લીધું છે. તમારે ખાલી માણસોને મેનેજ કરવાના. વાહ, તમારી તો લાઈફ બની ગઈ."

પાંચ વરસ પછી આશાનાં રેસ્ટોરન્ટની સાત તો ફ્રેન્ચાઈઝ હતી. અઢળક પૈસા હતા. આશાનું સમાજમાં નામ હતું. સમર્થ તેને મા કરતા પણ વધારે સન્માન આપતો. પણ ચિતા હતી કે ચિન્ટુને પાછો કેવી રીતે લાવવો? આશા એ સમર્થને ખાસ મળવા બોલાવ્યો હતો. ગભરાતા  પગલે તે ઘરમાં ગયો. આશા પાસે કોઈ અજાણ્યા ભાઈ બેઠા હતા. સમર્થ તેમની બાજુમાં જઈને બેઠો. આશાએ કહ્યું, "આ વકીલ છે. મેં મારું વીલ કર્યું છે. મારા પછી બધુંજ તારું છે. એમાં બીજા કોઈનો ભાગ નહિ." સમર્થ બોલવા ગયો કે પણ ચિન્ટુ... પણ આશાએ તેને અર્ધેથી જ અટકાવી દીધો. "સમર્થ, મારા ઘરના રસોડામાં પણ ફોનની લાઈન હતી. તે મારા છેલ્લા ટિફિનનું માન રાખ્યું. એટલે તું જ મારો દીકરો ગણાય." આશાનાં અવાજમાં હજુ પણ પહેલાં જેવીજ ખુમારી હતી.


Rate this content
Log in