Leena Vachhrajani

Children Stories Others

4  

Leena Vachhrajani

Children Stories Others

ચાડિયો

ચાડિયો

3 mins
266


ચરણસિંહ ખેતરમાં ચાડિયા સામે જોઈ રહ્યો હતો. “આ તારે મજા છે. ચિડિયા આવે તોય શું ને ન આવે તોય શું ? નુકસાન કે ફાયદો તો મારો જ થવાનો ને !”એટલામાં પન્ની જમવાનું લઈને આવી.

ચાડિયા સામે તાકીને ઊભાં રહેલા ચરણસિંહને બૂમ પાડીને પન્નીએ કહ્યું,“ઓયે ત્યાં શું કરે છે ? બોર ચલાવવાનો વખત થઈ ગયો. ”

ચરણસિંહ ઝબકીને બોલ્યો,“અરે હા આવું. ”જમવાનું પતાવીને પન્ની ઘેર રવાના થઈ.

આમ જ દિવસો વિત્યા. ખેતરમાં લહેરાતો મોલ જોઈને ચરણસિંહ અને પન્ની બહુ ખુશ હતાં. “ઓયે ચરણ, આ વખતે તો સારો પાક થયો. પૈસા સારા આવશે. ”

“તારા મોં માં ઘી સાકર પન્ની. બસ આવતા અઠવાડિયે મોટા બજારમાં મોલ લઈને જાઉં એટલી વાર. ”અને બંને સપનાં જોતાં જોતાં ઘર તરફ રવાનાં થયાં. બીજે દિવસે રાબેતા મુજબ ચરણસિંહ ખેતરે પહોંચ્યો.

પગ મુકતાં જ કાંઈ અલગ દેખાવ લાગ્યો. આ કાલે સાંજે જે પ્રમાણે મોલ ભેગો કરીને અહીયાં ઢાંકીને ગોઠવ્યો હતો એમાં કાંઈ ફેરફાર કેમ લાગે છે ? ચરણસિંહે મોલ પર ઢાંકેલું કાળું કપડું હટાવ્યું. એક એક બીજને બાળકની જેમ રોપેલું અને પછી એવી જ કાળજીથી ઉછેરેલું એટલે એને તરત ખબર પડી કે કોઈએ બહુ હોશિયારીથી થોડો મોલ ચોરીને બધું પાછું સરખું ગોઠવી દેવાની કોશિશ કરી છે. ચરણસિંહનો આખો દિવસ મુંઝવણમાં પસાર થયો. પંચાયતમાં ફરિયાદ કરાય એટલી મોટી ચોરી નહોતી સાબિત થવાની એટલે શું કરવું એ અસમંજસમાં જ ચરણસિંહ ઘેર ગયો. બીજે દિવસે ઊંચા જીવે એ ખેતરે પહોંચ્યો. ફરી એ જ કલાકારીથી થોડી ચોરી જણાઈ. ફરી માથે હાથ દઈને ચરણસિંહ ખેતરમાં બોર પાસે આવેલા ઘટાદાર લીમડા નીચે ઢાળેલા ખાટલામાં બેઠો. પન્ની જમવાનું લઈને આવી. આજે પન્નીના હાથના સ્વાદિષ્ટ ખાવામાં પણ ચરણસિંહને મન ન લાગ્યું. પન્નીના ધ્યાન બહાર ન ગયું. “કેમ ઓયે જમવામાં ચિત્ત નથી આજે ?”

ચરણસિંહે ધીમે રહીને પન્નીને બે દિવસથી થતી ચોરીની વાત કરી. પન્ની પણ મુંઝાઈ ગઈ. પતિ-પત્ની બેય અજંપા સાથે ઘેર આવ્યાં.

રાત્રે વાળુ કરતી વખતે પન્નીએ કહ્યું,“એક ઉપાય કરીએ તો!”

“શું ? કહે જલ્દી. નહીંતર આમ તો મોલ બજારમાં જતાં પહેલાં અરધો ચોરાઈ જાશે. ”

પન્નીએ ચરણસિંહને ધીમેથી કાંઈ કહ્યું. બંનેના ચહેરા પર એક ચમક આવી.

બીજે દિવસે ચરણસિંહ ખેતરે ગયો. પન્ની જમવાનું લઈને આવી. સાંજ પડી.

જેમ જેમ રાત ઢળતી ગઈ, વાતાવરણમાં સન્નાટો છવાતો ગયો, ઠંડી લહેર ચાલુ થઈ. ચરણસિંહના ખેતર તરફ એક કાળો આકાર લપકતો દેખાયો.

એણે આજુબાજુ નજર કરી. કોઈ જ નથી એની પૂરી ખાતરી કરીને એણે મોં પર બાંધેલું કપડું હટાવ્યું.

અને ચાડિયાની બંને આંખોમાં એક ચમક આવી. “કરતાર ? એ આવું કરે છે ?”

કરતાર ધીરે ધીરે મોલ પર ઢાંકેલું કપડું હટાવતો હતો ત્યાં જ ચરણસિંહ એના તરફ ધસી આવ્યો. કરતારને બથ ભરીને ભીંસમાં લીધો. “ઓ તું આટલું નીચ કામ કરતો હોઈશ એ મેં સપનેય ધાર્યું નહોતું. ”

કરતાર હક્કાબક્કા થઈ ગયો. એણે ચરણસિંહને જોરથી ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો ત્યાં પન્ની અને બીજા બે-ચાર ગામવાળા મશાલ લઈને આવી ગયા. હવે કરતાર ઢીલો પડ્યો.

એ માથે હાથ દઈને નીચે બેસી ગયો. “માફી. . માફી. . ”

બે હાથ જોડીને એ કરગરવા માંડ્યો. “પણ તું આવું કેમ કરે છે ? તારેય મોટું ખેતર છે. તારેય હરિયાળો મોલ પાક્યો છે. તનેય સારા પૈસા મળશે. તોય ?”

ગળગળા અને પસ્તાવાસહ્ કરતાર બોલ્યો,“મને માફ કરી દે ચરણસિંહ. હું ઈર્ષ્યામાં ભાન ભૂલ્યો. તારા પાક ને જોઈને મને લાગ્યું કે તારો મોલ વધુ ગુણવત્તાવાળો છે એટલે તને વધુ પૈસા મળશે. મને એક ગંદો વિચાર આવ્યો,મારા પાકમાં તારો થોડો મોલ ઉમેરી દઉં તો વેપારીને એ નમૂના તરીકે આપું અને પછી મારા મોલમાં ભેળવીને ઊંચા ભાવે વેચી નાખું. મને સજા આપીશ એ મંજૂર છે. ”

ચરણસિંહે કરતારને ખભો પકડીને ઊભો કર્યો,“ના ભાઈ ના. સજા તો માત્ર ઉપરવાળો આપે. આપણે તો એકબીજાની ભૂલ સુધારીને જીવતાં શીખીએ. ”

ત્યાર પછી કરતારને ચરણસિંહે માફી આપી. એને સારી ગુણવત્તાવાળા પાક ઉગાડવા વિશે તાલીમ આપી.

પન્નીનો આભાર માનતાં ચરણસિંહે કહ્યું,“તેં ચાડિયાના વેશમાં મને ઊભાં રહેવાનો કિમિયો બતાવ્યો તો કરતારને પકડી શકાયો. તું બહુ બુધ્ધિશાળી છો. ”

ચરણસિંહ બજારમાં મોલ વેચીને આવ્યો. ખેતરમાં નવા પાકનાં બીજ વાવતાં વાવતાં ચાડિયા સામે નજર પડી અને અનાયસે હસવું આવી ગયું.


Rate this content
Log in