બ્રેડ્ની ચોરી
બ્રેડ્ની ચોરી
સ્વિટ્ઝર્લેન્ડમાં એક પંદર વર્ષનો છોકરો એક જનરલ સ્ટોરમાં ચોરી કરતા પકડાઈ ગયો. સ્ટોરના વકીલે કોર્ટ સમક્ષ મોટી સજાની માંગ કરી જેથી તે છોકરો ભવિષ્યમાં પણ ચોરી કરતા ડરે. જજે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યું, ‘તેં ખરેખર કંઈ ચોર્યું હતું ?’ છોકરાએ નીચી નજરે જવાબ આપ્યો, ‘હા, બ્રેડ અને પનીરનું પેકેટ. મને બહુ ભૂખ લાગી હતી અને મારી પાસે પૈસા પણ નહોતા.’
‘તું કોઈ કામ કેમ નથી કરતો ?’
‘કાર વોશ કરતો હતો. માતાની દેખરેખ માટે એક દિવસ અચાનક ઘરે રોકાવું પડ્યું તો મને નોકરીમાંથી કાઢી મૂક્યો.'
‘ઘરના લોકો પાસેથી પૈસા લઈ લેવા હતા.’
‘ઘરે માત્ર એક બીમાર માતા છે. માતાને ખબર પડત કે મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે તો તે ભાંગી પડત.’
જજ : તો બીજા કોઈ પાસેથી મદદ માંગવી હતી !’
છોકરો : સવારે ઘરેથી નીકળ્યો તો આશરે પચાસ લોકો પાસે ગયો, પણ બધાએ મદદ કરવાની ના પાડી અને પછી મજબૂરીમાં મારે ચોરી કરવી પડી.’
દલીલો પૂરી થઈ અને જજે નિર્ણય સંભળાવવાનું શરૂ કર્યું. ‘બ્રેડની ચોરી એ બહુ શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે બધા જવાબદાર છીએ. છોકરાએ જેટલા લાકો પાસે મદદ માંગી, તેમાંથી દરેકને પચાસ ડોલરનો દંડ કરવામાં આવે છે, કારણ કે તેમણે આ નાના બાળકને બ્રેડની મદદ કરવા માટેની ના પાડીને માનવતાને નેવે મૂકી દીધી. સ્ટોરના વકીલને 100 અને સ્ટોરને 1 હજાર ડોલરનો દંડ કરવામાં આવે છે, કારણ કે આ ભૂખ્યા બાળકને ખવડાવવાને બદલે તેઓ તેનો કેસ અહીં લઈને આવ્યા.’
જજે આગળ કહ્યું, ‘અહીં હાજર દરેક વ્યક્તિને 10 ડોલરનો દંડ કરવામાં આવે છે, કારણ કે આપણે બધાએ આવો સમાજ બનાવ્યો છે.’ આટલું કહીને જજે 10 ડોલર પોતાના ખિસ્સામાંથી કાઢીને મૂક્યા. દંડની બધી રકમ તે છોકરાને આપવાનો પણ હુકમ કર્યો. જો તમે આસપાસના લોકોને બહુ તકલીફમાં જીવતા જોઈ રહ્યા હો તો તમારી સંપન્નતાનો કોઈ અર્થ નથી.
