STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Children Stories Fantasy Children

4  

Rupal Sanghavi "ઋજુ"

Children Stories Fantasy Children

બોલતી ચાલતી ઢીંગલી

બોલતી ચાલતી ઢીંગલી

8 mins
275

 એક ગામમાં એક કઠિયારો રહે. કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા જાય, લાકડાનો ભારો બાંધી લાવે અને એ લાકડા વેંચી પોતાનું ગુજરાન ચલાવે. કઠિયારાને એક બાર વર્ષની રૂપાળી, ડાહી, મજાની દીકરી હતી. દીકરીના જન્મતાંજ મા મરી ગઈ, અને કઠિયારાએ દીકરીને એકલે હાથે ખુબજ લાડકોડથી ઉછેરી હતી. દીકરીનું નામ વસુમતી હતું પણ બાપુ એને વસુ કહીને બોલાવતા.

દીકરીને તો માં ને બાપ બધું એના બાપુ જ હતા. છુટા લાકડા વેચવામાં એટલું વળતર ના મળતું એટલે વસુએ બાપુને કહ્યું "બાપુ તમે મારા માટે લાકડાની જે યાંત્રિક બોલતી ચાલતી ઢીંગલી બનાવી હતી ને એવીજ ઢીંગલીઓ બનાવીને વેંચો તો ઘણું વળતર મળે" પણ બાપુએ કહ્યુ "એ તો મારી વહાલી ઢીંગલી માટે જ બનાવી હતી કારણ કે હું ઘરમાં ન હોઉં ત્યારે એ તારી સાથે વાતો કરી શકે અને તારી વાતમાં હોંકારો દે એટલે.! હવે આપણે બે જણાને જોઈએ એટલું આ લાકડા વેંચીને મળી રહે છે વધુ લાલચ શા માટે રાખવી ?"

વળી એક દિવસ વસુને નવો વિચાર આવ્યો એણે કહ્યું "બાપુ આજે મને સાથે લઈ જાવ આપણે બેઉ સાથે જશું તો લાકડાના બે ભારા લઈ આવશું અને એ રીતે વધુ વળતર મળશે." કઠિયારાએ ઘણી ના પાડી છતાં દીકરીની હઠ સામે ઝૂકવું પડ્યું. અને બાપ દીકરી જંગલમાં ચાલ્યા.. ચાલતા ચાલતા ઘણે દૂર ગીચ જંગલની અંદરના ભાગે ક્યારે પહોંચી ગયા એ વાતોમાં ખબરજ ન પડી.

લાકડા કાપ્યા બે ભારા બાંધ્યા અને માથે મૂકી બન્ને ચાલતાં રહે છે પણ જંગલમાં એવા અટવાયા, કે બહાર નીકળવાનો માર્ગ ભૂલી ગયા. એકબાજુ ખરા બપોરનો તાપ અને બીજું વસુ પહેલીવાર આટલું ચાલી એ પણ માથે લાકડાના ભારાનો બોજ. એ થાકીને લોથપોથ થઈ ગઈ હતી, અને રસ્તો ક્યાંય દેખાતો ન હતો. બાપુએ વસુની હાલત જોઈ અને ત્યાં જ વિસામો ખાવા કહ્યું પણ વસુને તો ભૂખ ને તરસને લીધે બૂરો હાલ હતો બોલી પણ નહોતી શકતી. ત્યાંજ લાકડાના ભારા ઉતારી એના પર બેઠા અને ચારે તરફ નજર કરી પણ દૂર દૂર સુધી કોઈ ન દેખાયું. બાપુને ભૂખ તરસથી વધુ ચિંતા હતી રાત થવાની, જો રસ્તો ન મળે તો જંગલમાં જ રાતવાસો થાય, અને એમ થાય તો જંગલી જાનવર મારી વસુને..ના ના ! કઠિયારાને તો વિચારીને પણ કંપારી છૂટી ગઈ.

એ ઉભો થઈ પાણીની શોધમાં નીકળ્યો વસુને ત્યાંજ બેસવા કહ્યું. ચાલતા ચાલતા એક ઝૂંપડી દેખાઈ અને ત્યાં એક ઘરડાં માજી બેઠાં હતાં ત્યાં જઈ કઠિયારાએ પાણી માંગ્યું એટલે માજીએ કહ્યું "અંદર જઈને પી લે! એક ગ્લાસ પીજે, બીજો પીજે પણ ત્રીજો ગ્લાસ પાણી ન પીજે" કઠિયારાએ કારણ પૂછ્યું તો માજી કહે અહીં સુધી પાણી લાવવું મુશ્કેલ છે ! અને હું માર્ગ ભૂલ્યાને પાણી પાવા માટે વધુ પાણી લાવી નથી શકતી એટલે જ બધાને કહું છું થોડામાં સંતોષ રાખવો" 

કઠિયારાએ ઝુંપડીમાં જઈને પાણી પીધું અને માજીને કહ્યું "મારી દીકરી નજીકમાં જ છે. એને પણ પાણી પીવા માટે લઈ આવું છું" કઠિયારો વસુને લઈ ત્યાં પહોંચ્યો અને વસુને ખાસ કહ્યું કે બે ગ્લાસથી વધુ પાણી ના પીવું વસુએ માજીને પૂછ્યું "હું પાણી પીવા અંદર જાઉં ?" માજીએ કહ્યું બેટા એક ગ્લાસ પીજે, બીજો પીજે, ત્રીજો ગ્લાસ પાણી ના પીજે." વસુને પહેલેથીજ બાપુએ કહ્યું હતું કે બે ગ્લાસ પાણી જ પીવું એટલે એ બોલી "ભલે માજી મને ખબર છે હું વધુ નહિ પીઉં"

વસુ પાણી પીવા અંદર ગઈ, અને બે ગ્લાસ પાણી પીધાં પછી પણ એને તરસ લાગી હતી. એણે વિચાર્યું કે અહીં કોણ જોવા બેઠું છે ! માજી તો બહાર છે, એક ગ્લાસ વધુ પાણી પી લઈશ તો કોને ખબર પડવાની..અને વસુએ ત્રીજો ગ્લાસ પાણી પીધું.. ત્યાં જ ! આ શું ? એ ઝુંપડીનો દરવાજો બંધ થઈ ગયો અને ખૂબ કોશિશ કર્યા પછી પણ ન ખુલ્યો. બહાર કઠિયારો જુએ !! તો ન મળે ઝુંપડી કે ન મળે માજી.

હવે શું કરવું અંદર વસુ અને બહાર બાપુ બેઉ ખૂબ રડે છે. અને અંતે કોઈ ઉપાય ન મળતાં કઠિયારો જંગલમાં ચાલવા લાગ્યો અને એને તરતજ રસ્તો મળી જતાં અચરજ થયું ! અહીં જ રસ્તો હતો ને એ ત્યારે ન મળ્યો જ્યારે વસુ સાથે હતી. એ ઘેર તો આવ્યો, પણ વળી પાછો વસુની ચિંતામાં જ દિનરાત જંગલમાં ભટકવા લાગ્યો. રોજ એકજ આશામાં ફરી લાકડા કાપવા જંગલમાં જવા લાગ્યો કે એક દિવસ વસુ મળી જશે. આ તરફ વસુ ઝૂંપડીમાં શોધે છે કદાચ કોઈ બીજો દરવાજો મળી જાય. અને એ રીતે અંદર એક પછી એક દરવાજા ખોલે છે તો શું જુએ છે ! એ ઝુંપડી તો અંદરથી મોટો મહેલ હતી! ખુબજ ધન દોલત ઝવેરાત નો ખજાનો એક ઓરડામાં ભર્યો હતો, બીજામાં કિંમતી પોશાક આભૂષણ વગેરેના ભંડાર ભર્યા હતા, એકમાં ભાત ભાતની ભોજન સામગ્રી મિષ્ઠાન્ન, પકવાન, અને બારમાસી ફળો પણ હતા. કોઈ વસ્તુ ખૂટે નહીં એટલી હતી. એમ કરતાં છેલ્લો ઓરડો ખોલ્યો અને વસુ બે ડગલાં પાછળ ખસી ગઈ.. એ ઘડીક તો અપલક જોઈ જ રહી, ત્યાં એક વિશાળ પલંગ પર એક રૂપાળો રાજકુમાર સૂતો હતો એના આખા શરીરે કાંટા ખૂંપેલાં હતા. વસુ ત્યાં ગઈ એ કુમારને પૂછવા લાગી કે આ બધું કેવી રીતે બન્યું..પણ કુમાર બેભાન અવસ્થામાં હતો, કંઈ વળતો જવાબ ન આપ્યો. વસુ તો ત્યાં બેસી ગઈ અને કુમારના શરીર પરથી ધીમે રહીને એક પછી એક કાંટા કાઢવા લાગી. વસુ ક્યારેક ભૂખ લાગે તો ફળો ખાઈ લેતી, અને જ્યારે પાણી પીએ ત્યારે બાપુને યાદ કરતી જો સંતોષ રાખીને પાણી પીધું હોત તો આજે બાપુની સાથે હોત. અહીં ભલે ધન ધાન્યના ભંડાર ભર્યા, પણ હવે ક્યારેય લાલચમાં આવીને પારકી વસ્તુને હાથ પણ નહીં લગાડું. 

વસુ દિનરાત કુમારની સેવામાં એકજ સ્થાને બેસીને એના શરીર પરથી કાંટા કાઢે છે. એમ કરતાં સાત વર્ષ વીત્યા. કઠિયારો હજુ પણ જંગલમાં રોજે "વસુ ! વસુ ! ના સાદ પાડી ફરતો રહે છે. આ તરફ વસુ દિનરાત કુમારની સેવામાં ભૂખ, તરસ, નિંદર બધું છોડીને બેઠી છે. હવે બસ થોડા ભાગમાં જ કાંટા બાકી છે. જેમ જેમ કુમારના શરીર પરથી કાંટા નીકળ્યા એમ વસુને એ ઓરડામાં એક છૂપો દરવાજો દેખાયો એ જ્યાં બારી ખુલી હતી ત્યાં જ બારી થી નીચેના ભાગની દીવાલ અચાનક લુપ્ત થઈને એ બારી આખા દરવાજાના રૂપમાં ફેરવાઈ ગઈ..! ઘડીક તો વસુને થયું આ બધું એમનેમ છોડીને એ દરવાજો ખોલીને તરતજ બાપુ પાસે દોડી જાય.. પણ પછી કુમારનો ખ્યાલ આવ્યો, આટલા વરસથી કુમારની સેવા કરતાં હવે એના પ્રત્યે લાગણી થઈ ગઈ હતી. કંઈ પણ થાય હવે તો કુમારને સારૂ થઈ જાય પછીજ અહીંથી જઈશ. એવું વિચારી વસુ ફરી કુમારની સેવામાં લાગી ગઈ. એક દિવસ બહાર દરવાજા પાસેથી વણઝારાની પૉઠ નીકળી એ લોકો દાસ દાસીઓ વેંચવા વાળા હતા. મોટેથી બોલતાં હતાં "કોઈ વણઝારા લ્યો, કોઈ વણઝારી લ્યો, દામ દયો ને દાસ દાસી ખરીદો." વસુ આમ પણ થાકી હતી ને એકલી પણ હતી એને થયું મારે કોઈ બે વાત કરવા થશે અને કામમાં મદદ પણ કરશે એણે દામ દઈને એક વણઝારી ખરીદી. અને એને કહ્યું "જો આ કુમારના શરીરે કાંટા કાઢતાં મને વરસો લાગ્યાં. અત્યાર સુધી હું બધું એકલા હાથે કરતી હતી. હવે તું આવી છે તે આ થોડું કામ કરી દે તો હું નદીએ જઈને નાહી આવું ! સમય ન મળવાથી હું કેટલાંય દિવસથી નાહી નથી તે તું આટલું કર, ત્યાં હમણાંજ આવું" એમ કહીને વસુ ન્હાવા ગઈ ને પાછળથી પેલી વણઝારીએ થોડા બાકીના કાંટા કાઢ્યા.. ત્યાં તો કુમાર આળસ મરડીને બેઠો થયો, જાણે ઘેરી ઊંઘમાંથી ઉઠ્યો.! કુમારને જોતાજ મોહિત થયેલી વણઝારી તો કહે "હવે તમને કેવું લાગે છે ? આ તમારા આખા શરીરે કાંટા કાઢતાં મને વરસો લાગ્યાં.. જુઓને આટલા વર્ષોથી હું ભૂખ, તરસ, નિંદર બધું છોડીને બસ તમારી જ સેવા કરું છું." કુમાર એની વાત માની લે છે. અને પોતાની રાણી બનાવવાનું વચન આપે છે. હવે વસુ આવે છે અને બધી હકીકત જાણીને ફરી દુઃખી થાય છે. વળી મનમાં વિચારે છે કે ક્યારેય છેક લક્ષ્યને આરે પહોંચીને બીજાના ભરોસે કાર્ય અધૂરું ન મૂકવું. હવે શું થાય પરિણામ એની સામે જ હતું.

વસુના આવતાંજ એ વણઝારી વસુની ઓળખ દાસી તરીકે કરાવે છે. અને કુમાર એ વાત માની લે છે. કુમાર હવે પોતાના રાજ્યમાં જઈને માતા પિતાના આશીર્વાદ સાથે જ વિવાહ કરવાની વાત કહે છે. પણ એ બધું ભૂલી ગયો કે એમનું રાજ્ય એક જાદુગર સાથે મળીને મંત્રીએ દગાથી પચાવી પાડ્યું હતું અને માતાપિતાને કેદ કર્યા હતા. અને કુમારને જાદુગરે પોતાની વિદ્યાથી આખા શરીરે કાંટા ઘોંપીને અહીં જંગલમાં મરવા માટે એકલો છોડી દીધો હતો. પણ કુમારે કુળદેવીનું સ્મરણ કરતાં એમની સહાયથી આ ઝૂંપડીમાં એ કુળદેવી જ ઘરડાં માજી બનીને ત્યાં સુધી કુમારની રક્ષા કરી, અને વસુને માર્ગ ભુલાવી અહીં કુમારની સેવા માટે લાવ્યા હતા. આ બધુ કુમાર પેલી વણઝારીના વશીકરણમાં ભૂલી જ ગયો. અને એ પોતાને દેશ જવા નીકળ્યો. રાણીને પૂછ્યું "તારા માટે શું લાવું ?" એણે મેના, પોપટ, મોર વાળા પટોળાં, હથીદાંતના ચુડલાં, સોના ચાંદીના હીરા ઝવેરાતના હાર માંગ્યા. અને દાસીને પૂછ્યું "તારે પણ કંઈ જોઈતું હોય તો કહે શું લાવું" વસુ બોલી "બસ તમે હેમખેમ વહેલા પાછા આવો એ સિવાય મારે કોઈ વસ્તુ ન જોઈએ." 

કુમારે કહ્યું "છતાંય મારા સંતોષ માટે કંઈક તો માંગ" તો વસુએ કહ્યું "જો તમને કોઈ જગ્યાએ બોલતી ચાલતી લાકડાની યાંત્રિક ઢીંગલી મળે તો મારા માટે લાવજો હું અહીં એકલી હોઉં તો મારી વાતો સાંભળે મને હોંકારો દે એવી" કુમારે કહ્યું "ભલે હું લાવી દઈશ." કુમાર રાજ્યમાં જઈને મંત્રી સાથેના યુદ્ધમાં જીતીને માતાપિતાની આજ્ઞા લઈ રાણીની મગાવેલી બધી વસ્તુઓ લઈને પાછો ફર્યો. પણ વસુની મગાવેલી ઢીંગલી મળી નહીં જેથી આવ્યા પછી એ નગરમાં ઢંઢેરો પીટાવે છે, કે જે કોઈ એવી ઢીંગલી બનાવી દે એને મોં માંગ્યું ઇનામ મળશે.

કઠિયારો આ વાત સાંભળીને ત્યાં જાય છે. એ જાણી ગયો કે આ મારી વસુ જ હોય જે આવી ઢીંગલી માંગે બીજા કોઈને આ વિશે ખબરજ નથી. અને વસુ બાપુને જોઈ ખુશ થઈ ગઈ પણ છુપી રીતે બાપુને ઓળખ ન આપવા કહ્યું અને સમય મળતાં જ બધી વાત બાપુને કહી. બાપુએ કહ્યું કે તું પહેલા કુમારને વણઝારીના વશીકરણમાંથી છોડાવ પછી જ આપણી ઓળખ આપવી. બાપુએ ઢીંગલી બનાવી આપી અને ઘેર ગયા વસુ ત્યાં જ રહી. કુમારને એક રાતે વસુના બોલવાથી ઊંઘ ઊડી ગઈ વસુ રાતે કહે "ઢીંગલી ઓ ઢીંગલી સાંભળે છે ?" ઢીંગલી બોલી "હા" વસુ કહે સંભળ "એક ઝૂંપડીમાં કુમાર સુતા, અંગે અંગે કાંટા ફૂટ્યા, કઠિયારાની દીકરી, માર્ગ ભૂલતા સંચરી. ભૂખી તરસી ભૂલી પડી, પાણી પીતાં ભરાઈ પડી. એ ઢીંગલી હવે મને ઊંઘ આવે છે બાકી વાર્તા કાલે કહીશ." ઢીંગલી કહે "હા"

બીજા દિવસે કુમારને વાતમાં રસ જાગ્યો એટલે જાગતો રહ્યો ત્યાં જ વસુ કહે "ઢીંગલી ઓ ઢીંગલી સંભળ કાલની અધૂરી વાત" ઢીંગલી કહે "હા" વસુએ વાત શરૂ કરી "છોકરીએ કુમારને જોયા, સેવામાં દિનરાત ન જોયા. ભૂખ, તરસને, નીંદ તજી, સેવામાં એ રત રહેતી. કાર્યને અંતે થાકી ગઈ, થોડા માટે ચૂકી ગઈ. એક વણઝારી દાસી ખરીદી, પોતે નદીએ ન્હાવા ગઈ. વણઝારીએ કામણ કર્યા, કુમારને વશ કર્યા. ભોળા કુમારે વચન દીધા, દાસીને તો રાણી કીધા.

કુમારે બધું સાંભળ્યું અને, એને એક એક વાત યાદ આવી. એણે રાણીને પૂછ્યું "તું અહીં કઈ રીતે આવી ?" ત્યારે વણઝારી થોથવાઈ ગઈ અને ગલ્લાંતલ્લાં કરવા લાગી. જ્યારે કુમારે વસુને પૂછ્યું કે "તું અહીં કઈ રીતે આવી ?" ત્યારે એણે પહેલેથી બધી વાત કરી અને કુમારે કઠિયારાને તેડાવ્યો. પછી પોતાના રાજ્યમાં જઈને વસુ સાથે લગ્ન કર્યા,વસુ રાજાની રાણી બની. ખાધું પીધુને રાજ કીધું.


Rate this content
Log in