બંગલાની ટીકીટ
બંગલાની ટીકીટ
પાલનપુરનું સવારનું હવામાન ખુશનુમા હતું, પણ એરોમા સર્કલની નજીકના બસ સ્ટેન્ડ પર ઊભેલાં વિરલ અમરશેઠિયા છેક માવસરી જવાની ચિંતામાં હતા એટલે એમને આ ખુશનુમા હવામાન ખુશી આપતું ન હતું. જયારે તમે ઉદ્વેગમાં હો ત્યારે તમારી પાસે ચિંતા સિવાય કઈ જ હોતું નથી. ચિંતા ક્યારેય ખુશી કે આનંદને નજીક આવવા દેતી નથી. આવી જ હાલત અત્યારે વિરલની હતી.
વિરલ અમરશેઠિયા આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર હતા. એમની પાંત્રીસેક વર્ષની ગોરી અને મજબુત કાયા પર ખાખી વર્દી શોભતી હતી. ઊનના મોજાં પર પહેરેલાં બ્રાઉન કલરનાં બુટ, જેને માવસરી જવા માટે ખાસ ચકચકિત કરવામાં આવ્યાં હતાં. કરડો ચહેરો અને વાંકડી મૂછો ગુનેગારોને ભયભીત કરવા માટે પૂરતાં હતાં. બ્લેક કલરની ગુજરાત પોલીસના સિમ્બોલવાળી ટોપી સહેજ નમાવીને પહેરેલી હતી. એમના રૂઆબ ઉપર આ સમયે ચિંતાનાં વાદળ છવાયેલા હતાં.
આવા વિરલ અત્યારે એક માત્ર એ જ ચિંતામાં હતા કે સમયસર માવસરી પહોચાશે કે નહી ? એમની ચિંતા અને મનમાં ઉઠતા પ્રશ્નો જાયજ એટલા માટે હતા કે પાલનપુરથી માવસરી અંદાજીત દોઢસો કિમી દુર થાય. હજી તો સૂરજ નારાયણ આવે એના પહેલાં તો વિરલ એરોમા સર્કલ પર આવી ગયા હતા. આજ સુધીની નોકરીમાં બીજા જીલ્લામાં અને આંતર રાજ્યની મુસાફરી કરી હતી પણ માવસરી ક્યારેય જોયું ન હતું. આજેય કદાચ જોવા કે જાવા ન મળ્યું હોત પણ અચાનક બદલી થઇ ગઈ એટલે માવસરી જવાનું હતું.
વિરલનો પગ બિલકુલ સ્થિર થાતો ન હતો , આસપાસ નજર કરી તો એના સિવાય બસ- સ્ટેન્ડ ઉપર કોઈ જ નહી. બીજીવાર ઉપર નજર કરી કે ખરેખર એ ગુજરાત સરકારની બસ ઊભી રહે એ જગ્યા છે કે પછી માવસરીના વિચારોમાં ને વિચારોમાં કોઈ બીજી જ જગ્યા એ આવી ગયો છે. પછી એને ખ્યાલ આવ્યો કે વહેલી સવારની જે પણ બસ આવતી હતી એ આ બસ સ્ટેન્ડ પર આવતી ન હતી પણ એતો મુખ્ય રોડ ઉપર ઊભી રહીને સીધી જ નીકળી જાતી હતી.
વિરલને આ બ્રહ્મજ્ઞાન થયું એના પહેલાં તો બે –ત્રણ બસ નીકળી ગઈ હતી. પછી એણે પણ પગલાં ઉપાડયા, જ્યાં બધી બસ ઊભી રહેતી હતી. હીરાનગરી પાલનપુરની ઓળખ માટે એરોમા સર્કલથી પાલનપુર સીટી તરફ એક મોટો ડાયમંડ સ્ટેચ્યુ સ્વરૂપે મુકવામાં આવ્યો હતો. એના પરથી જે પ્રકાશનું પરાવર્તન થઈ રહ્યું હતું,એ આસપાસના વાતાવરણને મનમોહક બનાવી રહ્યું હતું.
રોડની સામેની સાઈડે વિશાલ કદનાં હોર્ડિંગ લગાવીને એના પર યાત્રીઓનાં મન ને એમનામાં વસ કરવા માટે મોટી જાહેરાતો આપવામાં આવી હતી, જેમાં “ અપના ભી હો એક બંગલા” એ વાક્ય અને ચિત્ર પરથી તો વિરલની નજર હટતી જ ન હતી.
વિરલના બધા જ વિચાર બંગલાવાળા વાક્ય સુધી પહોચ્યા એટલા માં જ થરાદ જતી બસ આવી ગઈ. એના મિત્રો પાસેથી વાત જાણી લીધી હતી કે માવસરી જાવા માટે થરાદ જાવું જરૂરી છે. બસની આગળની તરફ આવેલા દરવાજેથી એ બસમાં પ્રવેશ્યો. એને એ વાત પણ યાદ આવી ગઈ કે જો એ અમદાવાદની સીટી બસમાં બેસવાનો હોય તો આવી રીતે ન ચડી શકે.
વિરલ બસની સીટ પર ગોઠવાયો અને આસપાસના અજાણ્યા ચહેરાઓ પર નજર ફેરવે એના પહેલાં તો એનો ફોન રણકી ઉઠયો. ફોનની સ્ક્રીન પર એક ગુલાબી સાડીમાં હસતો ચહેરો દેખાયો, ફોન એની પત્નીનો હતો. ફોન જોતા તો ખ્યાલ લગભગ આવી ગયો કે ક્યા મુખ્ય વિષય પર વાત થશે.
ફોન પર વિરલની ધારણા પ્રમાણે ‘બંગલા’ ની જ વાતો થઈ. બંગલો એટલે કે જોરાવર પેલેસની પાછળના ભાગમાં આવેલી સોસાયટીમાં બે મોટા પ્લોટ ખરીદીને એમાં વિરલ અને એની પત્ની રાજવી એનાં સપનાં ને સાકાર સ્વરૂપ આપી રહ્યાં હતાં. એમના બંગલાને આવતા પંદરેક દિવસમાં રંગકામ પણ પૂરું થઇ જવાનું હતું અને આ અચાનક બદલી થઇ ગઈ. અત્યાર સુધીની નોકરી પાલનપુરમાં કરેલી એટલે ઘર પરિવાર માટે તો સમય ફાળવી શકતો હતો સાથે-સાથે નવા બની રહેલા “બંગલા” ને પણ રોજે રોજ પોતાની નજર સામે સપનાંમાંથી હકીકત બનતો જોઈ શકતો હતો. હવે આ માવસરી એટલી બધી દુર હતી કે સંજય દ્રષ્ટિ મળે તો કઈક કામ થાય બાકી મોબાઈલની સ્ક્રીન તો એના બંગલા માટે ઘણી નાની પડે. . !!
વિરલ પોતે એવું માનતો કે જીવનનો સૌથી વધારે સમય જે જગ્યાએ ગાળવાનો છે એ જગ્યા દુનિયાની સૌથી બેસ્ટ જગ્યા હોવી જોઈએ. એટલા માટે એ એના નવા બનતા બંગલામાં જીવ રેડીને કામ કરી રહ્યો હતો. હવે તો તન માવસરી માં અને મન બંગલામાં. . !
વિરલની આંખો બંધ હતી પણ આત્મા છેક બંગલે ફરતો હતો. નાના વૃક્ષો, રજવાડી ગેટ, બેઠક ખંડની ડીઝાઈન, બીજાં માળનો ઝરુખો. . . . આંચકા સાથે બસ ઊભી રહી એટલે ખ્યાલ આવ્યો કે એ થરાદના બસ સ્ટેન્ડમાં આવી ગયો હતો.
વિરલે થરાદની ધરતી પર પગ મૂક્યો એ સમયે માવસરી નું બોર્ડ મારેલી બસ તૈયાર જ પડી હતી. સવાર હોવાથી બસમાં બહુ વધારે માણસો બેઠા ન હતા. છતાં પણ મહતમ બારી વાળી બેઠકો ભરાયેલી હતી. કંડકટરની આગળ સીટમાં એણે બેઠક લીધી. આ નવા વિસ્તારમાં પહેલી વખત આવતો હોવાથી એને માટે અહીના લોકો નો પહેરવેશ ખુબ જ વિવિધતા ભર્યો લાગ્યો. ખાસ કરીને અઢીવટો પહેરીને ફરતાં પુરુષો જોયા તો એને એમ થયું કે આ લોકો આને કઈ રીતે બાંધતા હશે,એના લગભગ બધા જ છેડા બહાર દેખાય છે તો ?
વિરલ પહેરવેશના વિચાર કરતો હતો એટલામાં એની સામેની બાજુની સીટ પર એક સ્થાનિક વાવ-થરાદના પહેરવેશમાં સજ્જ સ્ત્રીએ બેઠક લીધી. ગરમ હવા ના આવરણના લીધે શરીરનો ગોરો વાન થોડોક ત્રાંબા જેવો થઈ ગયો હોય એવો રંગ. ઓઢણી છેડાને એ વારે વારે સરખો કરતી હતી એ દરેક વખતે એણે પહેરેલી બંગડીઓમાંથી મધુર રણકાર આવતો હતો. એના ખોળામાં રહેલું ગોરા ગાલ વાળું બાળક એના માતૃત્વના રંગમાં રંગીન ફુવારા જેવું લાગતું હતું. એણે જે સોનાચાંદી નાં ઘરેણાં પહેરેલાં હતાં એટલાં તો ફક્ત એને ગુજરાતી ફિલ્મોમાં જ જોય હતાં.
વિરલની વિચાર તંદ્રા એમ જ રહી ગઈ હોત પણ કંડકટર અને ડ્રાઈવર લગભગ સમાન સમયે બસમાં આરૂઢ થયા. બોઈન્ગ જેવી બસ ગોળ મોટો વળાંક લઈને થરાદની બજાર તરફ ચાલી. થરાદનું બસ સ્ટેન્ડ સિટીની અંદર છે એટલે ત્રીસ ટકા થરાદ તો તમે બસની આવન અને જાવનમાં જ જોઈ લો. વિરલે પણ એને અનુરૂપ બસની બારીમાંથી થરાદનો નજારા જોવાનો પ્રયાસ કર્યો.
ડો. બાબાસાહેબ આંબેડકરના પૂતળાવાળા ત્રણ રસ્તાથી જેવી બસ નેશનલ હાઈવે પર આવી એટલે બસનો કંડકટર મુસાફરોને ટીકીટ આપવા માટે ઉભો થયો. ડ્રાઈવરની સીટ નજીકથી એણે લોકોને ટીકીટો આપવાનું અને પૈસા લેવાનું કાર્ય શરુ કરું. એ જ સમયે વિરલનો ફોન રણક્યો, ફરીથી રાજવી હતી, એની અર્ધાંગીની. એ પૂછી રહી હતી કે બંગલાના ટેરેસ પર ચડવાની સીડીની બાજુમાં કેવા કલરનાં કાચ ફીટ કરવા છે ? વિરલની નજર સામે ગ્રામ્ય સ્ત્રીની ઓઢણી દેખાતી હતી જેનો કલર આછો ગુલાબી હતો. વિરલે રાજવીને તરત જ જવાબ આપી દીધો “ આછો ગુલાબી” રાજવીએ હળવા હાસ્ય સાથે ફોન મૂક્યો.
લોકો કંડકટર પાસે ટીકીટો માંગી રહ્યા હતા પણ જે સ્થળ માટે માંગી રહ્યાં હતા એ બધાં જ સ્થળનાં નામ એના માટે નવાં હતાં. ગ્રામીણ અને જાજરમાન સ્ત્રી જયારે ટીકીટ માગી તો એના કાન એકદમ સચેત થઇ ગયા એ સ્ત્રી એના મધુર અવાજમાં બોલી કે “બંગલાની ટીકીટ આપો”. !!. વિરલને એમ થયું કે વાવ થરાદમાં વળી બંગલો કેવો હશે !! ત્યાં પણ બસ ઊભી રહેતી હશે. . ! ફરીથી વિરલે એ ભવ્ય દેખાવ વાળી સ્ત્રી તરફ નજર કરી અને એ એવી ધારણા પર આવ્યો કે કદાચ એનું અંગત રહેઠાણ હશે. કારણકે એ સ્ત્રી જે સોનાનાં આભૂષણો પહેરેલાં હતાં એના પરથી લાગતું હતું એ બહુ જ રીચ હશે. હજી વિરલ ની નજર એના પગમાં ગઈ ન હતી નહિતર એની આંખો ફાટેલી જ રહી ગઈ હોત કેમકે એમાં સવા કિલો ચાંદીના કડલાં પહેરેલાં હતાં.
હવે વિરલને તાલાવેલી થઈ કે બીજાં બધા મુસાફરો ભલે ગમે ત્યાં ઉતરે પણ આ બાઈ માણસ કયા બંગલે ઉતરે એતો મારે જોવું જ છે. એ બંગલો કેવો હશે. . ? એના આગળ બગીચો હશે ? મોટી દીવાલ ને સિક્યુરીટી ગાર્ડ હશે? આવા અનેક વિચાર અને પ્રશ્નો વિરલને ઉદભવ્યા.
વિરલના પ્રશ્નોનું નિરાકરણ એક કલાક પછી આવ્યું. કંડકટરે બુમ પાડી “એ ભાઈ બંગલાવાળા હોય એ બધા આવી જજો” કંડકટર નો અવાજ સાંભળી ને ત્રણચાર લોકોમાં હલચલ થઈ, જેમાં પેલી જાજરમાન ગ્રામીણ સ્ત્રી પણ એની ભરત ભરાવેલી થેલી અને ખુશીયાની ગુલછડી જેવું બાળક લઈને ઊભી થઈ.
બસ ઊભી રહી એટલે વિરલે ત્રણસો સાઈઠ ડીગ્રી એ એની ડોક ફેરવી પણ એની આંખોને કોઈ બંગલો દેખાયો નહી. ચાર મુસાફરો ઉતરતાં કેટલી વાર ? બસ તો ચાલી નીકળી માવસરી તરફ ,પણ વિરલ ના મનમાંથી બંગલો જતો ન હતો. એ ઉભો થઈને કંડકટર પાસે ગયો અને વાત પૂછી કે બંગલો ક્યાં ? બંગલાના સ્ટેશને તમે લોકોને ઉતાર્યા પણ મને તો વેરાન જગ્યા સિવાય કઈ જ દેખાયું નહી?
કંડકટરે પણ વર્દીના લીધે વિરલને સાહેબનું સંબોધન કરીને સમજ આપી કે હાલ કોઈ બંગલો નથી. હાલ તો ત્યાં તળાવના કિનારે ગાંડા બાવળીયાના ઝૂંડમાં લાલ ઇંટોનું ખંડેર છે. અંગ્રેજોના જમાનામાં એ એક ભવ્ય બંગલો હતો. એમાં એંગ્રેજ અધિકારીઓ રહેતા.
માવસરી આવી ગયું પણ વિરલના મન –મગજમાંથી બંગલો જતો ન હતો, એના બંગલા કરતાં આ બંગલામાં ખુબ સર પડયો હતો.