Sharad Trivedi

Others

5.0  

Sharad Trivedi

Others

બનારસ, ઓ બનારસ

બનારસ, ઓ બનારસ

6 mins
383


બનારસ હિન્દુ ધર્મની સાત મોક્ષદાયિની નગરીઓ પૈકીની એક નગરી છે. બનારસ સિવાય એ કાશી અને વારાણસી તરીકે ઓળખાય છે. હિન્દુ ધર્મના બાર જ્યોતિર્લિંગ પૈકી એક જયોતિર્લિંગ વિશ્વેશ્વર કાશીમાં આવેલું છે. કાશી, વારાણસી, બનારસ આ ત્રણેય નામ તો એક જ નગરનાં છે પણ ત્રણેય જુદો જુદો બોધ કરાવે છે. કાશી અને વારાણસીની સરખામણીએ બનારસ આધુનિક લાગતું નામ છે. કદાચ અંગ્રેજોના આવ્યા પછી આ નામ પ્રચલિત થયું હોય એવું લાગે છે.

કાશી એટલે હિંદુ ધર્મનું હૃદયકેન્દ્ર. એ નામ લેતાની સાથે જ એની એક જુદી જ ભાવમૂર્તિ જાગે. શિવના ત્રિશૂલ પર વસેલી કાશી. મોક્ષદાયિની કાશી, જયાં મરણ મંગલ છે-એવી કાશી, દરેક હિંદુના હૃદયમાં વસેલી કાશી. વારાણસી એ એનું સરકારી નામ છે. વારાણસી બોલો એટલે એક સમૃદ્ધ ભર્યાભાદર્યા ઐતિહાસિક નગરનો અનુભવ થાય છે. જાતકકથામાં વારાણસીનો વારંવાર ઉલ્લેખ આવે છે. એક સાંસ્કૃતિક, વ્યાવસાયિક નગર. બનારસ બોલીએ એટલે આજનું આ શહેર. મુઘલ અને અંગ્રેજી સંસ્કૃતિથી પ્રભાવિત. બનારસ સાથે ધર્મબોધ કે સાંસ્કૃતિક બોધ નથી જાગતો, પણ એના ફક્કડ મસ્ત અલગારી સ્વભાવનો પરિચય મળે છે. સુબહે બનારસથી, બનારસી સાડી કે બનારસી પાન સુધી વાત જાય છે. વારાણસી, કાશી કે બનારસ જેટલું એ જલદી હોઠે નથી આવતું.

કાશીને ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. હિંદી ભાષામાં એવું કહેવામાં આવે છે કે “काशी के कंकर शिव शंकर है”એવું માનવામાં આવે છે કે ભારતમાં સર્વાધિક શિવાલયોની સંખ્યા કાશીમાં જ છે, કાશીને શિવમય માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન જેવા નામોથી જાણીતું આ નગર ભગવાન શિવના ત્રિશૂળ પર વસેલું છે. કહે છે કે સૃષ્ટિના પ્રલય સમયે પણ આ નગરનો નાશ નહીં થાય. પ્રલયકાળમાં ભગવાન મહાદેવ આ સ્થળેથી જ સૃષ્ટિનો સંહાર કરે છે. તેથી જ તેને મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીમાં મરણના મહિમા પાછળનું ધાર્મિક કારણ ખૂબ મહત્વનું છે. કહેવાય છે કે ભગવાન મહાદેવ સ્વયં મરણોન્મુખ જીવને અહીંયા તારકમંત્ર સંભળાવે છે. આમ, જીવમાં બ્રહ્મ પ્રકાશિત થવાની માન્યતાને લીધે કાશીને પ્રકાશનું શહેર પણ કહેવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે સૌપ્રથમ ભગવાન વિષ્ણુને તપ કરતાં અહીં પ્રકાશ દેખાયેલો. આમ,અધ્યાત્મના માર્ગે પથ પ્રશસ્ત કરતું હોવાથી કાશી. કોઈ એને કોઈ એને કાશના જંગલોથી છવાયેલો વિસ્તાર પણ કહે છે. પ્રકાશના શહેરમાં મોક્ષ અંગેની આ માન્યતાને લીધે જ અહીં મૃત્યુનો વિશેષ મહિમા પણ છે.

કાશી વિશ્વનાથની સ્થાપના સંબંધિત પ્રચલિત કથા એવી છે કે હિમાલયમાં શ્વસુર ગૃહે વસવાટ કરતાં ભગવાન મહાદેવને ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે પાર્વતીજીએ પોતાના પતિ મહાદેવને બીજું સ્થાન શોધવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શિવે રાજા દિવોદાસની કાશી નગરીની પસંદગી કરી અને નિકુંભ નામના શિવગણે ભગવાન શિવના શાંત અને એકાંત નિવાસ માટે મનુષ્ય વગરની બનાવી, ભગવાન મહાદેવ અને જગત જનની જગદંબા મા પાર્વતીજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યાં. કાશીમાં થયેલા સંહારથી દુઃખી થયેલા રાજા દિવોદાસે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યાં અને પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરી, બ્રહ્માજીએ આથી ભગવાન મહાદેવને રીઝવ્યાં અને ભગવાન શિવ મંદરાચલ નામના સ્થળે ચાલ્યાં ગયાં,પરંતું ભગવાન મહાદેવનો કાશી પ્રત્યેનો પ્રેમ અકબંધ હતો. ભગવાન ભોળાનાથ મહાદેવનો કાશી પ્રત્યેનો આ સ્નેહ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતા રાજા દિવોદાસ તપોવનમાં જવા પ્રવૃત્ત થયાં. ત્યારબાદ વારાણસી ભગવાન મહાદેવનું કાયમી નિવાસસ્થાન બની ગયું. વારાણસીમાં ભગવાન શિવ અને માતા શક્તિનો વાસ છે. 51 શક્તિપીઠોમાંની વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પાસે આવેલી છે.

વારાણસીમાં ગોદોલિયા ચોક પાસે વિશ્વનાથ ગલીમાં આવેલું વર્તમાન કાશી વિશ્વનાથ મંદિર સુવર્ણ મંદિર અથવા ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે, કારણકે આ મંદિરનો 15. 5 મીટર ઉંચો કળશ સુવર્ણ જડિત છે. પ્રવર્તમાન કાશી વિશ્વનાથ મંદિર અને ગુજરાતના સોમનાથ મંદિર વચ્ચે સામ્યતા એ છે કે બંને મંદિરો મુસ્લિમ આક્રમણખોરો કે શાસકો દ્વારા ધ્વંસ થયાં છે અને ફરીવાર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સોમનાથનું મંદિર તો સંપૂર્ણ નવનિર્માણ પામ્યું છે, પરંતુ કાશી વિશ્વનાથમાં તેમ નથી થયું.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર અત્યારે જે સ્થળે આવેલું છે તે સ્થળ જ્ઞાનવ્યાપી મસ્જિદની બાજુમાં છે. તે બંનેને અલગ પાડતી એકમાત્ર દીવાલ ત્યાં છે. ઈતિહાસની નોંધ પ્રમાણે આજે જે મંદિર છે તે વિશ્વનાથનું ચોથું મંદિર છે. વિશ્વેશ્વર અથવા કાશી વિશ્વનાથના અન્ય બે મંદિરો પણ વારાણસીમાં આવેલાં છે, જેમાંનું એક મંદિર બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદનમોહન માલવિયાની પ્રેરણાથી બન્યું છે. ન્યુ કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર વારાણસીનું સૌથી ઉંચું મંદિર છે. ગંગા કિનારે માનમંદિર ઘાટ પર સ્વામી કરપાત્રી દ્વારા નિર્માણ થયેલું બીજું વિશ્વનાથનું મંદિર છે

અંદાજે 40 ચોરસફૂટ જેટલાં વિસ્તારમાં આવેલા પ્રવર્તમાન મંદિરમાં બે ગર્ભગૃહ અને ત્યારબાદ બે સભામંડપ છે. બે ગર્ભગૃહ પર ચતુષ્કોણી શિખર છે અને સભા મંડપ પર ઘુમ્મટ આકારનું શિખર છે. આ ઘુમ્મટ અને ડાબા ગર્ભગૃહ શિખર પર રણજિતસિંહે આપેલું સુવર્ણપાત્ર જોઈ શકાય છે. મંદિરના મહાદ્વારમાં પ્રવેશતાં જ ડાબી બાજુના ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. જમણી બાજુના ગર્ભગૃહમાં પણ એક શિવલિંગ છે. તેની શાળુંકાનો ભાગ ચાંદીથી મઢેલો છે. મુખ્ય શિવલિંગ મધ્યમ કદનું છે, તેના પર પુષ્પ, બિલ્વપત્રનો અભિષેક થતો જોઈ શકાય છે.

આમ તો આપણાં ત્યાં જન્મના અનેક મહિમાઓનો ખૂબ મહિમા છે. પરંતુ કાશી એક એવી નગરી છે કે જ્યાં મરણનો મહિમા છે. અહીંયા જે વ્યક્તિ દેવલોક પામે તેને ચોક્કસ મુક્તિ મળે છે. એક ગુજરાતી કહેવત છે કે 'સૂરતનું જમણ અને કાશીનું મરણ' અર્થાત સૂરતનું જમણ શ્રેષ્ઠ છે અને કાશીનું મરણ શ્રેષ્ઠોત્તમ છે. કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જન્મ મરણનું જે ચક્ર છે તેમાંથી મુક્ત થવા માટે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે કાશી સૌથી ઉત્તમ છે. કાશીના મહિમાનું વર્ણન ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે.

વારણા અને અસિ – આ બે નદીઓ વચ્ચે જ વારાણસી છે, તેની બહાર કોઈએ રહેવું જોઈએ નહીં. ’ આજે સૌ કોઈ તરત વારાણસી નામની વ્યુત્પત્તિ એ જ રીતે આપશે – વારણા અને અસિ આ બે નદીઓ વચ્ચે વસેલું હોવાથી વારાણસી. વારણા અથવા વરુણા આજેય ઉત્તરમાં વહે છે જે રાજઘાટથી થોડી આગળ ગંગાને જઈને મળે છે. પણ અસિ? અસ્સીઘાટ છે, પણ ત્યાં નદી નથી, એક મલિન પાણીનું નાળું છે. પણ સૌથી મોટો તો પ્રશ્ન એ છે કે જ્યારે આ નગર વારાણસી નામે પ્રસિદ્ધ હતું ત્યારે તેનો વસવાટ આટલે સુધી થયો નહોતો. આ તો એક લોકપ્રિય વ્યુત્પત્તિ છે. પહેલાં વારાણસી વરુણાને કાંઠે હતું. વરણા નામનાં ઝાડ એ નદીને કાંઠે હતાં એટલે વરણા, કે વરણાસી અને તેના પરથી એ નદીને કાંઠે વસેલું નગર તે વારાણસી અને પછી જેમ આપણા વડોદરાનું બરોડા થઈ ગયું તેમ વારાણસીનું થઈ ગયું બનારસ – અને હવે વારાણસી.

તક્ષ શિલા પછી વિદ્યાધામ તરીકે કાશીનું જ નામ આવતું. વિદ્યાપિપાસુઓ કાશી ભણી નીકળી પડતા. આજેય બ્રાહ્મણ બટુકને જનોઈ અપાય પછી તેમને કાશી તરફ ભણવા માટે દોડવામાં આવે છે,જો કે તેના મામા તેને રોકી લે છે. આ રિવાજ પેલી પુરાણી પ્રથાનો અવશેષ છે. આજે એ અવશેષોને ઉજાગર કરતી ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવીયની માનસપુત્રી બનારસ હિન્દુ યુનિવર્સિટી આવેલી છે. જેણે આજે પણ વિદ્યાધામ તરીકે કાશીના નામને ઉજળું રાખ્યું છે. એક જમાનો હતો કે આખા દેશમાં ગમે ત્યાં ભણો, પણ પછી કાશીના પંડિતોની પરીક્ષામાંથી પસાર થાઓ પછી જ પંડિત તરીકે માન્યતા મળે. ઉપનિષદનો શ્વેતકેતુ વારાણસીનો વિદ્યાર્થી હતો, એમ કહેવાય છે. અહીં નિરંતર વાદવિવાદો થતા રહેતા,અહીંના ચંડાલો પણ વિવાદ કરી શકતા અને કહે છે કે એક ચંડાળે શંકરાચાર્યને આવા એક વાદ વિવાદમાં હરાવ્યા હતા!

બનારસ એટલે એની સાંકડી ગલીઓ,ગંગા ધાટ,ખાસ ઉકાળેલી ચા,ચણા ચાટ પૂરી,બનારસી પાન અને બનારસી સાડી માટે પ્રખ્યાત. બનારસી અખાડાની મુલાકાત લેવા જેવી પણ ખરી.

એક વખતના ત્યાંના પરંપરાગત હુન્નર અને કૌશલ્ય માટે જાણીતું બનારસ હવે મિની મેટ્રો શહેર બની ગયું છે. તેની ભવ્યતાને આધુનિકતા ગળવા લાગી છે. એક પુરાતન નગરમાં આધુનિક નગર આકાર લઈ ચૂક્યું છે. એક જમાનામાં આક્રમણખોરોનું ભોગ બનેલું નગર હવે આધુનિકતાના શણગાર સજી રહ્યું છે. વર્ષોથી પોતાની પુરાતન ઓળખને જાળવી રાખી મા ગંગાના કિનારે આવેલું આ નગર એના નવા રુપ રંગ સાથે હિન્દુ ધર્મની ચિરંજીવી ઓળખ જાળવી રાખે એ જ અભ્યર્થના.

સાર્થ જોડણી કોશમાં કાશી

શબ્દ: કાશી

પ્રકાર: સ્ત્રીo

અર્થ: (સં. ) જાત્રાનું પ્રસિદ્ધ સ્થળ; વારાણસી

શબ્દ: કાશીએ સંઘ પહોંચવો

પ્રકાર: શoપ્રo

અર્થ: ફતેહમંદીથી પાર પડવું; સફળ થવું.

શબ્દ: કાશીનું કરવત

પ્રકાર: શoપ્રo

અર્થ: નવા જન્મમાં ઇચ્છિત ફળ મેળવવા કાશીમાં જઈ કરવતથી શરીર વહેરાવવું તે

શબ્દ: કાશીનું મરણ

પ્રકાર: શoપ્રo

અર્થ: પવિત્ર તીર્થમાં મૃત્યુ થવાથી સદ્ગતિ થવી તે; ઉત્તમ મરણ.

શબ્દ: કાશીબોર

પ્રકાર: નo

અર્થ: બોરની એક જાત

શબ્દ: કાશીનાથ

પ્રકાર: પુંo

અર્થ: (સં. ) શિવ


Rate this content
Log in