Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published
Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published

Rahul Makwana

Children Stories Drama Fantasy


4.5  

Rahul Makwana

Children Stories Drama Fantasy


બિનમજૂરી ખેતી

બિનમજૂરી ખેતી

6 mins 250 6 mins 250

 વિજયનગર ગામ તેની કુદરતી સૌંદર્યતા, મોહકતાં અને આકર્ષકતાને લીધે ખુબ જ પ્રખ્યાત હતું, જેની ચારેબાજુએ મનમોહક કુદરતી સૌંદયો જેવા કે ડુંગરો, જંગલો, ખળ ખળ કરીને વહેતી નદીઓ અને મુક્તમને વહેતાં ઝરણાંઓ આવેલાં હતાં. કૃષ્ણદેવ રાય વિજયનગરનાં રાજા હતાં, તેઓ પોતાની પ્રજાનો ખાસ ખ્યાલ રાખતાં હતાં. પોતાની નીતિમત્તા, ન્યાય અને સુચારુ નગર સંચાલનને લીધે દૂર દૂર સુધી તેઓની પ્રસિદ્ધ અને કીર્તિ ફેલાયેલ હતી. કૃષ્ણદેવ રાયની આવી પ્રસિદ્ધ પાછળ તેનાલી રામનની બુદ્ધિ પણ જવાબદાર હતી.

  તેનાલી રામન એ કૃષ્ણદેવ રાયનાં દરવારનું એક અનમોલ રતન સમાન હતાં,એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ ના કહેવાય. રામન એ એકદમ સામાન્ય દેખાવ ધરાવતો વિદ્વાન હતો, તેને જોઈને એકવાર તો હાસ્યનું બાણ છૂટી જાય તેવું સુંદર અને ઘાટીલું મદહોશ કરનાર શરીર ધરાવતા હતાં. હાથપગની સરખામણીમાં જાણે પેટ કોઈ સ્પર્ધા જીતવા માટે વિજય રેખાને સ્પર્શવા માટે આગળ વધી રહ્યું હોય, તેમ રામનનું પેટ આગળ વધેલું હતું. માથા પર મુંડન કરાવેલ હતું, એમાં પણ તેનાં માથા પર રહેલ શિખા જાણે રામનનાં શરીરનું ટ્રેડમાર્ક હોય તેમ શોભી રહી હતી, બગલા જેવી સફેદી ધરાવતું ધોતિયું રામનનાં વ્યક્તિત્વને વધુ નિખારી રહ્યું હતું. તલવારની માફક ખભે કાયમિક માટે ખેસ ધારણ કરેલ હોય, પરંતુ બુદ્ધિમતાની બાબતમાં તેનાલી રામનને કોઈ જ પહોંચી વળે એ વાત અશક્ય સમાન હતી. કૃષ્ણદેવ રાય અવારનવાર આ બાબતની ખાતરી કરવાં માટે તેનાલી રામનની કસોટીઓ પણ લેતાં હતાં.

  એકવાર કૃષ્ણદેવ રાય અને તેનાલી રામન નગરચર્યા કરવાં માટે વિજયનગરમાં જાય છે. કલોક સુધી વિજયનગરમાં ફર્યા બાદ રાજા કૃષ્ણદેવ રાય ગામની બહાર આવેલા એક ખેતર પાસે પોતાનાં મગજમાં એકાએક કોઈ વિચાર આવવાને લીધે ઊભાં રહે છે. હાલ તેઓ મનોમન તેનાલી રામનની બુદ્ધિ કસોટી કરવાં માંગતા હતાં.

"રામન...શું પેટ ભરવાં માટે મહેનત કરવી જરૂરી છે.?" - ખેતરમાં મજૂરી કામ કરતાં મજૂરો તરફ ઈશારો કરતાં રાજા કૃષ્ણદેવ રાય તેનાલી રામનને પહોંચે છે.

"હા ! મહારાજ..જો સ્વમાન સાથે જીવવું હોય, તો પેટ ભરવાં માટે મહેનત કરવી ખુબ જ જરૂરી છે.!" - તેનાલી રામન ખૂબ જ વિનમ્રતા સાથે રાજાનાં વિચારો પામી ગયાં હોય તેમ, પોતાની શીખમાં હાથ ફેરવતાં બોલે છે.

"શું.. મહેનત વગર પેટ નાં ભરી શકાય..?" રાજા પૂછે છે.

"જી ! મહારાજ બિલકુલ ભરી શકાય..તેનાં માટે કાં તો ધિરાણ પર રૂપિયા લેવા પડે અથવા ભીખ માંગવી પડે, એ પછી પેટ ભરવાં માટે મહેનતની જરૂર નથી..!" રામન પોતાની બુદ્ધિ દોડાવતાં ઉત્તર આપે છે.

"શું ! તું કોઈ વ્યક્તિ પાસે તેને મજૂરી વગર ખેતી કરાવી શકે..એ પણ એને જાણ કર્યા વગર કે ડરાવ્યાં કે ધાક ધમકી વગર…!" - મહારાજ પોતાનાં મનમાં ચાલતી કસોટી રામનને જણાવતાં બોલે છે.

"જી...બિલકુલ..મહારાજ..પણ એનાં માટે થોડા સમયની જરૂર પડશે..!" તેનાલી રામને જાણે મગજમાં કોઈ યુક્તિ સૂઝી હોય તેવી રીતે મહારાજને જણાવ્યું.

"જો ! રામન, તું આ બાબત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો તો હું તને સખતમાં સખત સજા આપીશ...એકવાર વિચારી લે જે..!" - રાજા ચેતવણી આપતાં જણાવે છે.

"જી ! મહારાજ..! બિલકુલ..!" એમ હાર માને તો તેનાલી રામન શાં નાં..? રામન રાજાની સામે જોઇને પૂછે છે.

   ત્યારબાદ રાજા અને રામન પોતાનાં રાજમહેલમાં પાછા ફરે છે, અને સાંજે તેનાલી રામન પોતાનાં ઘરે જાય છે..તે મનોમન વિચારી રહ્યાં હતાં કે," મેં મહારાજાને તાનમાં આવીને હા તો કહી દીધી..પરંતુ હું એ સાબિત કેવી રીતે કરીશ..!" આવા વિચારોને લીધે રામન પુરી રાત શાંતિથી ઊંઘી પણ નાં શક્યા.

બીજે દિવસે…

   કૃષ્ણદેવ રાયનો દરબાર મહેમાનો, સભાસદો, વિદ્વાનો અને અધિકારીઓ અને આમંત્રિત મહેમાનોથી ભરચક ભરેલ હતો. બરાબર એ જ સમયે તેનાલી રામન દરવારમાં પ્રવેશે છે અને રાજાનાં સિંહાસનની નજીક જઈને સૌ કોઈ સાંભળે તેવી રીતે જોર જોરથી ગુસ્સા સાથે

"મહારાજા ! તમે એકદમ બુદ્ધિ વગરનાં છો, તમે મંદ બુદ્ધિ છો...તમારામાં તો અકલનો છાંટો પણ નથી..!" - એવું બોલવા માંડ્યાં.

"રામન ! તું શું બોલે છે...તને એ બાબતનું ભાન પણ છે ખરું..? શું તું આજે મદ્યપાન કરીને તો નથી આવ્યોને ? તારું મગજ તો ઠેકાણે છે ને..?" ભર્યા દરબારમાં પોતાની સાથે રાજન દ્વારા થયેલ આવા બેહૂદા વર્તનથી ગુસ્સામાં લાલઘૂમ થતાં - થતાં મહારાજ બોલ્યા.

"મહારાજ ! સાચું કહેવામાં વળી મને કોની બીક લાગવાની...વધુમાં વધુ તમે મને કારાવાસમાં કેદ કરી દેશો એમ ને…?" રામન મહારાજાને જાણી જોઈને ઉશ્કેરતાં ઉશ્કેરતાં બોલે છે.

"સૈનિકો ! આ હલકટ..રામનને અત્યારે જ કારાવાસમાં લઈ જાવ..!" રાજા ગુસ્સામાં લાલચોળ થઈને સૈનિકોને આદેશ આપતાં જણાવે છે.

   ત્યારબાદ સૈનિકો તેનાલી રામનને કારાવાસમાં લઈ જાય છે, અને એક અંધારી કોટડીમાં પુરી દે છે…

એક મહિના બાદ 

  કૃષ્ણદેવ રાય પોતાનાં દિવાનખડમાં બેસેલાં હતાં, એવામાં બરાબર તેનાં મનમાં તેનાલી રામનનો વિચાર આવ્યો, આમપણ તેઓ તેનાલી રામન વગર ખાલીપણું કે એકલાપણુ મહેસુસ કરી રહ્યાં હતાં, પણ તે દિવસે રામને પોતાની સાથે કરેલ વર્તનને લીધે તેઓ હજુપણ નારાજ અને ગુસ્સે ભરાયેલા હતાં, આથી રામનનાં વધુ પડતાં વિચારો આવવાથી તેઓ પોતાનાં સૈનિકો સાથે લઈને તેનાલી રામનને મળવા માટે કારાવાસમાં જાય છે.

"રામન ! તારી અક્કલ ઠેકાણે આવી કે હજુપણ ઘાસ ચરવા ગઈ છે..?" રાજા થોડી નારાજગી સાથે કારાવાસમાં રહેલ રામનની સામે જોઇને બોલ્યા.

"મહારાજા ! ક્ષમા કરજો પણ અક્કલ તો તમારી ઘાસ ચરવાં માટે ગઈ છે..!" - રામન મનમાં કઈ વિચાર્યા બાદ બોલે છે.

"રામન !" રાજા એકદમ ગુસ્સા સાથે બોલે છે.

"મહારાજા ! ગુસ્સો નાં કરશો...તમને યાદ છે કે એક મહિના પહેલાં તમે મને એક કસોટી સોંપેલ હતી..?" રામન રાજાને કંઈક યાદ અપાવી રહ્યો હોય તેવી રીતે પૂછે છે.

"કઈ..કસોટી..?" અચરજભર્યા અવાજે રાજા પૂછે છે.

"બીન મજૂરી ખેતી...હું મજૂરો પાસે ખેતી પણ કરાવી લઉં…એ પણ તેને એ બાબતની જાણ કર્યા વગર અને ડરાવ્યાં કે ધમકાવ્યા વગર..?" - તેનાલી રામન યાદ અપાવતા અપાવતા બોલે છે.

"હા...પણ એ કેવી રીતે શક્ય છે…? તું તો છેલ્લા એક મહિનાથી અહીં જેલમાં છો…!" - હેરાનીભર્યા અવાજે રાજા રામનની સામે જોઇને પૂછે છે.

"હા ! મહારાજ એ જ આ રામનની ખૂબી છે..મેં મારી બુદ્ધિથી મજૂરી આપ્યા વગર મજૂરો પાસે ખેતી પણ કરાવી લીધી.. જો તમને વિશ્વાસ ના હોય તો ચાલો મારી સાથે…!" - રામન રાજાને સમજાવતાં બોલે છે.

   ત્યારબાદ મહારાજા તેનાલી રામનને કારાવાસમાંથી બહાર કાઢવા માટે પોતાનાં સૈનિકોને આદેશ આપે છે, અને સૈનિકો રાજાનાં આદેશ મુજબ તેનાલી રામનને મુક્ત કરી દે છે..પછી તેનાલી રામન મહારાજાને પોતાનાં ઘરે લઈ જાય છે, ત્યાં જઈને રાજા જે દ્રશ્ય જોવે છે, એ જોઈને અવાક બની જાય છે. કારણ કે રામનનાં ઘરની બાજુમાં આવેલ જમીનમાં પાંચ એકરમાં ઘઉં અને પાંચ એકરમાં કપાસ અને પાંચ એકરમાં મગફળી ઉગેલ હતી..આ જોઈ રાજા આશ્ચર્ય સાથે રામનની સામે જોઈને પૂછે છે.

"મને..માફ કરજે રામન...મારી ભૂલ થઈ ગઈ.. માની ગયાં રામન તને અને તારી બુદ્ધિમતાને પણ આ બધું તે કર્યું કેવી રીતે…?" હેરાની સાથે રાજા તેનાલી રામનને પૂછે છે.

"જી મહારાજા..હું અહી કારાવાસમાં આવ્યો તેનાં બે દિવસ બાદ મે મારી પત્નીને એક પત્ર લખ્યો, જેમાં મેં લખેલ હતું કે આપણાં ઘરની બાજુમાં જે પંદર વિધા જમીન આવેલ છે, તેમાં મેં હીરા, મોતી, ઝવેરાત અને રાણીસિક્કા દાટેલ છે. આ કાગળ મે એવાં સૈનિકને આપ્યો કે જે લાલચુ હતો..આથી આ બાબતની જાણ તેણે તેનાં મિત્રોને કરી, આથી તેના લાલચુ મિત્રો રાતે આવીને મારા ઘરની બાજુમાં આવેલ પંદર વિધા જમીન ખેડી ગયાં, પરંતુ તેઓનાં હાથે કાંઈ લાગ્યું નહીં, આ બનાવનાં બે દિવસ બાદ મારી પત્નીનો મને પત્ર મળ્યો કે જમીન કોઈ આવીને ખેડી ગયું છે, હવે હું શું કરું ? આથી મેં મારી પત્નીને એ પંદર વિઘા જમીનમાં ઘઉં, કપાસ અને મગફળીનું વાવેતર કરવાં માટે જણાવાયું. એ જ દિવસે મેં ફરી મારી પત્નીને પત્ર લખ્યો જેમાં મેં તેને જણાવેલ હતું કે,"તને પત્ર લખ્યા બાદ મને યાદ આવ્યું કે સોના, ચાંદી, હીરા, મોતી, ઝવેરાત વગેરે મેં એક સંદૂકમાં ભરીને આપણાં ઘરની બહાર જે કૂવો છે, એમાં છૂપાવેલ છે. આ પત્ર લખીને મેં ફરી પાછો મેં અગાવ જે સૈનિકને પત્ર આપેલ હતો ફરી પાછો એ જ સૈનિકને આપ્યો, આથી બીજીવાર પણ તેણે આ બાબતની જાણ તેમનાં લાલચુ મિત્રોને કરી, આથી તેનાં લાલચુ મિત્રો ફરી મારા ઘરે ગયાં, અને સંદૂક મેળવવા માટે આખેઆખો કૂવો ખાલી કરી નાખ્યો, પરંતુ જાણતાં કે અજાણતાં તે બધાંએ મારા પાકને પિયત પૂરું પાડેલ હતું...પછી શું...એ લાલચુ લોકોનાં હાથમાં કંઈક જ નાં આવ્યું, અને મેં અહીં કારાવાસમાં બેઠા બેઠાં તે લાલચુ લોકો પાસે ખેતી પણ કરાવી લીધી...એ પણ તેની જાણ બહાર..અને કોઈપણ પ્રકારની ધાક ધમકી વગર...જે પ્રમાણે આપણે વાત થઈ હતી…!" તેનાલી રામન રાજા કૃષ્ણદેવ રાયને પૂરેપૂરો પ્લાન જણાવતાં બોલે છે.

"રામન ! તું ખરેખર મહાન છે.! બુદ્ધિ ચાતુર્યતામાં તને કોઈ જ પહોંચી શકે તેમ નથી...આખરે તું શરત જીતી જ ગયો..!" - મહારાજા તેનાલી રામનનાં હાથમાં રાણી સિક્કા ભરેલ પોટલી ભેટ સ્વરૂપે આપતાં બોલે છે.

   ત્યારબાદ તેનાલી રામનનું સ્થાન અને માન રાજાની નજરમાં ખૂબ જ વધી ગયું, તે રાજાનો ખાસ અંગત સલાહકાર બની ગયો.


Rate this content
Log in