બિચારો દીપ
બિચારો દીપ


એ દસમામાં પચાસ ટકા સાથે પાસ થયેલો ત્યારે એણે સાયન્સ રાખવાની ના પાડેલી.તેમ છતાં તમે શિક્ષક પતિ -પત્ની તમારા નોકરીના સ્થળથી સો કિલોમીટર દૂરની એક પ્રખ્યાત શાળામાં સાયન્સમાં એડમીશન મેળવવા માટે એડમિશન ટેસ્ટ આપવા એને લઈ ગયેલાં.એ શાળાના એડમિશન મેરીટમાં આવેલો નહી. છેવટે તમે મોટી ઓળખાણ કાઢી એ પ્રખ્યાત શાળામાં દીપને એડમિશન અપાવેલું.
તમે તમારી નોકરીના સ્થળથી સો કિમી દૂર એ શાળાના નજીકના વિસ્તારમાં મકાન ભાડે રાખી તમારું પોતાનું મકાન છોડી દીપને ભણાવા શહેરમાં આવેલા.
રોજ સવારે સાડા આઠે તમે શિક્ષક પતિ-પત્ની ગાડી લઈ,તમારા જેવા શહેરમાં છોકરાંને ભણાવવા આવેલા બીજા ત્રણ શિક્ષકોને લઈને અગિયાર વાગે શાળાએ પહોંચતાં અને સાંજે પાંચ વાગે શાળાએથી છૂટી સાડા સાત વાગ્યા જેવા ધરે પહોંચી જતાં. ઘરે કામ અને રસોઈ બંધાવી દીધેલી એટલે બીજી કંઈ ચિંતા ન હતી.
તમે બંને થાકીને લોથપોથ થઈ જતાં, પણ બાળકના ભવિષ્ય બાબતમાં ગમે તે કરવાની તમારી તૈયારી હતી. સતત અપડાઊનના કારણે શિક્ષક તરીકેની તમારી કાર્યદક્ષતા પર પણ અસર થતી પણ પોતાના દીકરાના સુંદર ભવિષ્ય માટે બીજાના બાળકોની દરકાર એકાદ બે વર્ષ ન લેવાય તો પણ તમને વાંધો ન હતો.
દીપે અગિયાર સાયન્સના શરુઆતના એક મહિનામાં જ તમને જણાવેલું કે 'પપ્પા,સાયન્સ એ મારા વશની વાત નથી' પણ તમે એને સાયન્સ ભણવાના ફાયદા જણાવેલાં, તમે પણ સાયન્સ ભણી શકો એટલા હોંશિયાર હતા. પણ પિતાજીની ગરીબ પરિસ્થિતિના કારણે આગળ ભણી શક્યાં ન હતાં. પણ દીપને તમે બધા પ્રકારની ફેસિલિટી પૂરી પાડી છે તો એણે ભણવું જોઇએ એવું પણ તમે એને જણાવેલું.
સાયન્સમાં ગૂંગળામણ અનુભવતા દીપની ધરાર ના વચ્ચે તમે એને સાયન્સ ભણવા માટે સતત મોટીવેટ કરતાં રહેતાં હતાં.
તેમ છતાં અઠવાડિક ટેસ્ટમાં પણ એનુ પરિણામ પચાસ ટકાથી વધતું નહી. તમે એને ટયુશન રખાવ્યાં. યુ ટ્યુબમાં એના વિષયના અને પ્રેરણાદાયી વિડીયો બતાવ્યાં પણ પરિણામમાં કોઈ મોટો ફરક ન પડયો. દીપેને સાયન્સના વિષયોમાં જેટલા માર્કસ આવતાં હતાં એની સરખામણીમાં અંગ્રેજી અને સંસ્કૃતમાં સારા માર્કસ્ આવતાં પણ પેલા સાયન્સના વિષયોમાં આવતાં માર્કસ્ આગળ તમને એ માર્કસ્ દેખાતાં ન હતાં. તમારા મગજમાં દીપને ડૉકટર બનવાની ધૂન સવાર થયેલી હતી પણ દીપ એના માટે તૈયાર ન હતો.
આખરે પરિણામ આવી ગયું. નીટમાં દીપને 120 માર્કસ આવેલા 720 માંથી. દીપનીના વચ્ચે આખરે જે થવાનું હતું તે થઈને રહયું. જો કે દીપ એ તમારા માટે ઈજ્જતનો પ્રશ્ન હતો.તમે હિંમત હારો એવા ન હતાં. તમે દીપને એક બીજો ચાન્સ આપવા માંગતા હતાં. તમે દીપને અમદાવાદની જાણીતી કૉચિંગ સંસ્થામાં મૂકી ફરી નીટની પરીક્ષા અપાવી ડૉકટરજ બનાવવા માંગતા હતા. એણે એ વખતે ધરાર ના પાડેલી, પણ પહેલાંની જેમ તમને એની ના સાંભળવામાં રસ ન હતો.
આખરે તમે એને અમદાવાદ મોકલી દીધો. એલ.આઈ.સી.નો તમારો સાઈડ બિઝનેસ અને બે પગારના કારણે તમારે પૈસાની તંગી ન હતી. દીપને તેના જેવાજ બીજી વખત નીટની તૈયારી કરતાં છોકરાંઓ સાથે એક ફલેટ ભાડે લઈ આપ્યો. ઘરના જેવી રસોઈ મળે એટલે એક રસોઈયો પણ રાખી આપ્યો, પણ દીપ જેનું નામ, એને સાયન્સમાં રસ ન પડયો તે ન પડ્યો. રાત -દિવસ ચોપડીઓ વાંચવા છતાં એક પણ ચોપડી એના મગજમાં બેસવા ન હોતી માંગતી તે ન જ બેઠી. પરિણામ એનું એ જ, શૂન્યનું શૂન્ય. આટઆટલો ખર્ચ કરવા છતાં, બીજા બાળકોના અભ્યાસના ભોગે એની પાછળ ભોગ આપવા છતાં દીપનો દીપ ના પ્રગ્ટયો તે ના જ પ્રગ્ટયો. પી.ટી.સી.માં તમે બંને પતિ-પત્નિ બાળ મનોવિજ્ઞાન ભણ્યાં હોવા છતાં દીપના મનોવિજ્ઞાનને સમજી ન શક્યા તે ન સમજી શક્યાં. એની ના તમે હરેક વખતે નજર અંદાજ કરેલી. તમારા અરમાનો પૂરા કરવા તમે છેલ્લાં ત્રણ વર્ષમાં એના અરમાનો દફનાવી દીધાં.
હાથીના બચ્ચાને તમે ગમે તેટલું શીખવાડો તે હરણના બચ્ચા જેવું ન જ દોડી શકે.આવો સામાન્ય સિદ્ધાંત તમે ભૂલી ગયાં.કોઈ પણ બાળક એનું સર્વશ્રેષ્ઠ એના ગમતાં ક્ષેત્રમાં આપી શકે છે,બીજાના ગમતાં ક્ષેત્રમાં નહી. પોપટને કોયલની ભાષા શીખવાડી શકાતી નથી કે કોયલ મોર જેમ નાચી શકતી નથી એ સત્ય તમે ભૂલી ગયાં. દીપની તો પહેલેથી જ ના હતી સાયન્સ ભણવાની, પણ તમે એની ના ને મારી નાંખીને તમારી હા માં ભેળવી નાંખી હતી. આને અત્યાચાર ન ગણાય તો શું ગણાય ?
અને હવે તમારો સ્ટેટસ સિમ્બોલ બનાવાની લ્હાયમાં દીપને તમે સામાન્ય દીપ પણ રહેવા નથી દીધો, એ અસામાન્ય થઈ ગયો છે. આજે એ એક મનોરોગી બની ગયો છે. મનો ચિકિત્સક પાસે એની સારવાર ચાલી રહી છે.આશા રાખીએ કે એ જલ્દી સાજો થઈ જાય.