STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

ભગવાન

ભગવાન

1 min
127

કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણ્યકશ્યપ થયો ત્યારે ભગવાન નીચે ઊતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણ્યકશ્યપનો નાશ કરીને પાછા ગયા.

પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ રાજા આવ્યો એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રણ પગલામાં ત્રિભુવન માપી, બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.

તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે, પણ જેવો હાથ લઈ લીધો કે હતું તેમનું તેમ. એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા.

છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ પાંડવ લડ્યા. છેવટે કોઈ ન બચ્યું. યાદવો પણ અંદર અંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણ માની એક પારધીએ તીર માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથી પાસે હતો, તેણે પૂછ્યું , “ ભગવાન , કાંઈ સંદેશો કહેવાનો છે ?”

ભગવાને જવાબ આપ્યો , “ હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ‘ ગીતા ‘ માં જ આપી દીધો છે : માણસે પોતાનો ઉધ્ધાર પોતાની જાતે જ કરી લેવો, કોઈ કોઈનો ઉધ્ધાર કરી શકતું નથી.”


Rate this content
Log in