Rahul Makwana

Children Stories Tragedy

4  

Rahul Makwana

Children Stories Tragedy

ભેદભાવ વગરની મિત્રતા

ભેદભાવ વગરની મિત્રતા

5 mins
272


સમય : સવારનાં 11 કલાક

સ્થળ : માલગુડી રેલવેસ્ટેશન

  સવાર પૂરેપૂરી રીતે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું, અમુક પક્ષીઓ કલરવ કરી રહ્યાં તો અમુક પક્ષીઓ ઉચ્ચ ગગનમાં મુક્તપણે ઊડી રહ્યાં હતાં. ગામમાં લોકો ઘોડાગાડીમાં ફરી રહ્યાં હતાં, માલગુડી ગામનું રેલવેસ્ટેશન ગામથી ઘણું દૂર આવેલ હતું, આ રેલવેસ્ટેશનની આજુબાજુનો રસ્તો એકદમ સુમસામ હતો અને ધુળિયો હતો, રેલવેસ્ટેશનમાં વર્ષો જૂનું બાંધકામ ધરાવતી એક ઓફીસ આવેલ હતી. આ ઓફિસની બહાર પ્લેટફોર્મ આવેલ હતું, ત્યાંથી થોડેક આગળ એક પાણીનું પરબ આવેલ હતું. પરબ પર વર્ષોથી એક વૃદ્ધ માજી આવતાં જતાં બધાં જ મુસાફરોને ખુબ જ હેત સાથે પીવા માટે ગ્લાસમાં પાણી ભરીને આપી રહ્યાં હતાં, અને બધાં મુસાફરો પણ પ્રેમપૂર્વક તે પાણી પી રહ્યાં હતાં.

  બરાબર એ જ સમયે દૂર દૂરથી કાળા ડિબાંગ ધુમાડાઓના ગોટે ગોટા નજર પડે છે, આ જોઈ પ્લેટફોર્મ પર ઊભાં રહેલાં તમામ મુસાફરોની આંખમાં ખુશીઓ છવાઈ ગઈ. આ જોઈ તે લોકોનાં હૈયે ભારે ઠંડક વળી. બરાબર એ જ સમયે તે લોકોનાં કાને રેલગાડીનાં એન્જીનની વિસલ સંભળાય છે. જોત જોતામાં એ કોલસાથી ચાલતી ટ્રેન આવે છે. આથી એક પછી એક એક પછી એક એમ તમામ મુસાફરો ટ્રેનમાં ચડે છે, અને પોત પોતાની સીટ પર બેસી જાય છે. લગભગ દસેક મિનિટ બાદ તે ટ્રેન વિસલ વગાડીને ધીમે ધીમે રેલનાં પાટા પર ચાલવા માંડે છે. બરાબર આ જ સમયે ફર્સ્ટ ક્લાસ ડબાની બારી પાસે 12 વર્ષની ઉમરનો એક છોકરો બેસેલ હતો. તેનાં ચહેરા પર ઉદાસી, માયુસી સંપૂર્ણપણે છવાઈ ગઈ હતી. તે બારી પાસેની સીટ પર બેસીને એકી ટશે જોઈ રહ્યો હતો, જે જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ જ આતુરતાપૂર્વક કોઇની રાહ જોઈ રહ્યો હોય, પરંતુ જેવી ટ્રેનની વિસલ સાંભળાય એ સાથે તેણે ઈચ્છા છોડી દીધી હોય તેવું લાગી રહ્યું હતું.

  બરાબર આ જ સમયે 12 વર્ષની આસપાસની ઉમર ધરાવતાં બે બાળકો દોડતા દોડતા રેલવેસ્ટેશનમાં પ્રવેશે છે. જેમાં એક બાળક ઊંચાઈમાં લાંબો હતો, જ્યારે બીજો બાળક ઊંચાઈમાં થોડો નાનો હતો. તેઓનાં ચહેરા પર દુઃખ છવાયેલ હતું. તેઓની નજર જાણે કોઈને શોધી રહી હોય તેમ ચારેબાજુએ ચકરવકર ફરી રહી હતી. તેમાંથી એક બાળકનાં હાથમાં કોઈને આપવા માટે ગિફ્ટ લઈને આવેલ હતો. તેઓ પહેરેલાં શર્ટ અને ચડા પરથી એવું માલૂમ પડી રહ્યું હતું કે હાલ તેઓ શાળાએથી સીધાં રેલ્વેસ્ટેશને આવેલાં હોય.

   ટ્રેનને ચાલતી જોઈને પેલાં બંને છોકરાઓ એકદમ ઝડપથી દોડીને ટ્રેન પાસે પહોંચી ગયાં. ત્યારબાદ ટ્રેનની બહારથી તેઓ એક પછી એક ડબાઓ ખંખોળવા લાગ્યાં. એવામાં ફર્સ્ટ ક્લાસનાં ડબ્બા પાસે પહોંચતાની સાથે જ એકાએક તે બંનેનાં ચહેરા આનંદ અને ખુશી છવાઈ ગઈ. 

“રાજન.. રાજન !” ફર્સ્ટ ક્લાસનાં ડબ્બા પાસે પહોંચતની સાથે ઊંચો છોકરો હતો તેણે જોરથી બૂમ પાડી. 

   આ જોઈ રાજન ખૂબ જ ખુશખુશાલ થઈ ગયો, થોડીવાર પહેલાં જે ચહેરા પર ઉદાસી અને માયુસી છવાઈેલ હતી. તે ચહેરો એકાએક ખીલી ઉઠયો. 

“ઓહ ! મણી ! તું !” રાજન ખુશ થતાં થતાં બોલે છે. 

“તું અંતે તું અમને આવી રીતે છોડીને જતો રહીશ ?” મણી રાજનને દુઃખભર્યા અવાજે પૂછે છે. 

“હા ! મણી ! એમાં હું શું કરી શકવાનો.. મારા પિતાની કોચીન શહેરમાં ટ્રાન્સફર થઈ છે, માટે મારે ત્યાં જવું જરૂરી છે. 

“સારું ! બીજું તો શું ? પણ તું કોચીન જઈને અમને ભૂલી તો નહીં જઈશ ને ?” મણી ઉદાસીભર્યા અવાજે રાજનની સામે જોઈને પૂછે છે.

“હું માલગુડી ગામ, મારા મિત્રો, મારા શિક્ષકોને ક્યારેય નહીં ભૂલીશ.!” રાજન મણીને વચન આપતાં આપતાં જણાવે છે. 

“સારું ! આ લે તારી ગિફ્ટ..!” મણી રાજનનાં હાથમાં એક મોટું કવર આપતાં આપતાં બોલે છે. 

“પણ..!” રાજન થોડા દુઃખ સાથે બોલે છે. 

“પણ ! પણ શું રાજન ?” મણી રાજનની સામે જોઈને પૂછે છે. 

“યાર ! પણ ! મને એ વાતનું હાલ દુઃખ લાગી રહ્યું છે કે “સ્વામી” મને અત્યારે અમુક મનદુઃખ કે મનભેદને મગજમાં રાખી મળવા માટે ના આવ્યો. 

“રાજન ! પાકો મિત્ર હમેંશા પાક્કો મિત્ર જ રહે છે, તું કાયમિક માટે માલગુડી ગામ છોડીને જતો હોય, ત્યારે તને તારો પાકો મિત્ર સ્વામી મળવા નાં આવે એવું બને ખરું ?” મણી જાણે કોઈ સસ્પેન્સ ખોલી રહ્યો હોય તેમ રાજનની સામે જોતાં જોતાં બોલે છે. 

“શું ?” રાજન અચરજભર્યા અવાજે મણીની સામે જોઈને પૂછે છે. 

    બરાબર આ જ સમયે પોતાની સાથે દોડી રહેલાં સ્વામીને તેડીને મણી રાજન જે જગ્યાએ બેસેલ હતો. તે બારીની નજીક લાવે છે. 

“સ્વામી !” રાજન આંખોમાં આંસુ સાથે બોલે છે.

“રાજન” સ્વામી બારીનાં સળીયા પકડીને રાજનને જોયાં બાદ બોલે છે. 

“અંતે તું આવ્યો ખરા હે ને મને મળવા..!” સ્વામીને જોયાં બાદ રાજન પોતાનાં ચહેરા પર હળવાં સ્મિત સાથે ખુશ થતાં થતાં બોલે છે. 

“હા ! હું તને મળવા માટે આવ્યો પણ મારી ઊંચાઈ ટૂંકી હોવાથી હું તને બારીની બહાર દેખાયો નહીં..!” સ્વામી હસતાં હસતાં રાજનની સામે જોઈને બોલે છે. 

   આ સાંભળી રાજન, મણી અને સ્વામીનાં માયુસ અને ઉદાસ ચહેરા પર આનંદ છવાઈ જાય છે, અને તે બધાં ખડખડાટ હસવા માંડે છે. 

“રાજન ! મે તને હમણાં જે ગિફ્ટ આપી તે ગિફ્ટ હકીકતમાં સ્વામી જ તારા લઈને આવેલ છે, અને મને માઠું નાં લાગે માટે તેણે મને કહ્યું કે આ ગિફ્ટ આપણે બંને રાજનને આપી છીએ એવું સમજ જે..!” મણી રાજનને વાસ્તવિકતા જણાવતાં બોલે છે. 

“સ્વામી તો સ્વામી જ છે.. ! ભગવાને તેને ઊંચાઈ ભલે ટૂંકી આપી હોય પરંતુ હૃદય ખૂબ જ વિશાળ આપેલ છે.” રાજન મણીની વાતમાં સહમત થતાં બોલે છે. 

“રાજન ! કોચીન ગયાં બાદ તું મને અને મણીને ભૂલી તો નહી જઈશ ને?” સ્વામી નિખાલસતા ભર્યા અવાજે પૂછે છે. 

“જ્યાં સુધી રાજનનાં શરીરમાં શ્વાસ હશે.. ત્યાં સુધી આ રાજન મણી અને સ્વામીને ક્યારેય ભૂલશે નહીં.” રાજન મણી અને સ્વામીને વચન આપતાં આપતાં જણાવે છે. 

   બરાબર એ જ સમયે ટ્રેનમાં બીજી વિસલ વાગે છે, અને ટ્રેન પણ હવે આ બધાં મિત્રોનો વિરહ જોઈ ના શકતી તેમ ધીમે ધીમે ગતિ પકડી રહી હતી. આ જોઈ બધાં મિત્રો એકબીજા સાથે હાથ મેળવીને આંખોમાં આંસુ સાથે એકબીજાથી છૂટા પડે છે. 

  ત્યારબાદ મણી અને સ્વામી રેલ્વેસ્ટેશનનાં પ્લેટફોર્મ પર થઈને મુખ્ય દરવાજા તરફ ચાલવા માંડ છે. જ્યારે આ બાજુ રાજન તે બંનેને નિહાળી રહ્યો હતો. એવામાં તેની આંખોએ જે દ્રશ્ય જોયું તે જોઈને રાજનને એક જોરદાર ઝટકો લાગે છે. કારણ કે સ્વામીનાં પગમાંથી લોહી વહી રહ્યું હતું, અને પ્લેટફોર્મ પર સ્વામીનાં રક્તરંજિત પગલાઓ પડેલાં હતાં. જેનો હાલ સ્વામીને જાણ સુદ્ધાં પણ ન હતી. પોતાનાં પ્રિય મિત્રને મળવાની આટલી બધી ઘેલછા જોઈને રાજનની આંખોમાં આંસુ આવી ગયાં. આ સાથે જ રાજનને વિચાર આવ્યો કે જ્યારે ટ્રેન ઉપડી ત્યારથી સ્વામી ખુલ્લા પગે ટ્રેનનાં પાટા પર પથરાયેલા પથ્થર પર ખુલ્લે પગે દોડી રહ્યો હશે, ત્યારે જ તેનાં તળિયાનાં ભાગે કોઈ અણીદાર કે ધારદાર પથ્થર ખૂંચી ગયો હશે. 

  આ જોઈ રાજનની આંખોમાંથી દડ દડ કરીને આંસુઓ વહેવાં લાગ્યાં, જે આંસુઓ સીધાં સ્વામીએ આપેલ ગિફ્ટ પર પડયા. આથી રાજનને એ ગિફ્ટનું કવર ખોલે છે. આ જોઈ તેની આંખોમાં આંસુ આવી ગયાં, કારણ કે તે કવરમાં એક બુક હતી તેનું શીર્ષક હતું, “ ધ ટ્રુ ફ્રેન્ડશીપ નેવર ડાય” જે રાજનનાં મનપસંદ પુસ્તકોમાંથી એક પુસ્તક હતું. આ સાથે જ તેઓની શાળામાં એક વર્ષ પહેલાં યોજાયેલ “વેશભૂષા” કાર્યક્રમનો એક બ્લેક અને વ્હાઇટ ફોટો હતો, જેમાં જાત-પાત, ઊંચ-નીચ, અમીરી - ગરીબી કે ધર્મનાં ભેદભાવો ભૂલીને મણીએ શંકર ભગવાન, સ્વામીએ ભોળાનાથ અને રાજનને વિષ્ણુ ભગવાનનું રૂપ ધારણ કરેલ હતું.. ત્યારબાદ ટ્રેન પૂરઝડપે કોચીન તરફ આગળ વધવા માંડે છે. 


Rate this content
Log in