બેની લડાઈમાં ત્રીજો ફાવે!
બેની લડાઈમાં ત્રીજો ફાવે!


એકવાર સિંહ અને રીછે મળીને એક હરણનો શિકાર કર્યો. હવે બન્ને વચ્ચે શિકારના ભાગને લઈને વિવાદ થયો. વિખવાદ વધતા બંને ઝઘડવા લાગ્યા અને આખરે હાથાપાઈ પર ઉતરી આવ્યા. તે બંને વચ્ચેની લડાઈ લાંબા સમય સુધી ચાલી પરિણામે તેઓ થાકીને લોથપોથ થઇ ગયાં.
આ ધાંધલધમાલ ચાલતી જ હતી ત્યાં એક શિયાળ આવી ચઢ્યું. સામે હરણનો મજાનો શિકાર પડેલો જોઈ શિયાળભાઈના મોઢામાં પાણી આવ્યું પરંતુ હરણના દેહ પાસે સિંહ અને રીંછને જોઈ શિયાળના ટાંટિયા ધ્રુજી ઉઠ્યા. શિયાળ ત્યાંથી જવાની તૈયારીમાં જ હતો ત્યાં તેના ધ્યાનમાં આવ્યું કે સિંહ કે રીછમાં પોતાની જગ્યાએ ઉભા થવાની પણ તાકાત બચી નથી. આ જોઈ શિયાળે હરખથી હરણના દેહને મોઢામાં પકડી ત્યાંથી ખેંચીને દુર લઇ ગયું. શિયાળ જયારે હરણને ખેંચીને લઇ જઈ રહ્યું હતું ત્યારે સિંહ અને રીંછ એકબીજા તરફ જોઇને લાચારીથી બોલ્યા, “આપણે પણ કેવા મૂરખ છીએ કે જે આપસમાં લડીને આ શિયાળિયા માટે શિકાર તૈયાર રાખ્યો !”