Leena Vachhrajani

Others

3  

Leena Vachhrajani

Others

બેડીતોડ ભેટ

બેડીતોડ ભેટ

2 mins
11.6K


પ્રતિ અને પલક આમ તો બહેનો પણ બંનેમાં બેનપણાં વધુ. બંનેના સ્વભાવમાં પણ આભ-જમીનનો ફર્ક. પ્રતિ સ્વભાવે સ્પષ્ટવક્તા. અન્યાય સહન ન કરે. પલક નરમમિજાજ. જતું કરવાની ભાવનાવાળી પલકને ઘણી વાર સમાધાન કરવાનો વખત આવે ત્યારે પ્રતિ એના પક્ષે લડી લે.

મા-બાપનાં લાડકા રજવાડામાં બંને મોટાં થયાં. ઈશ્વરે પ્રતિને આંગળીઓમાં પીંછી અને પલકને ગળામાં સૂરની વિરાસત આપી હતી. સમયાંતરે બંને લગ્નની ઉંમરે પહોંચતાં યોગ્ય પાત્રની શોધખોળ આરંભાઈ. પલકને પહેલાં જીવનસાથી મળ્યો. 

રંગેચંગે લગ્નનો પ્રસંગ પાર પડ્યો. પ્રતિ બેનીને વળાવતાં બહુ રડી. પણ કાનમાં એ પણ કીધું કે,

“જો પલક, ત્યાં હું નહીં હોઉં તો તારે દરેકનું બધું જ માનીને તારું અસ્તિત્વ ગુમાવી દેવાનું નથી હોં! સમજાવટથી સાચી વાત ગળે ઉતારવાની ને ન ઉતરે તો મને બોલાવી લેજે.”

પલકને વધુ રડવું આવી ગયું. 

પલકને સાસરે છ મહિના થયા ત્યાં એને સમજાઈ ગયું કે પોતાના પિયર કરતાં જુદા લોકો છે. કેટલીક રુઢિચુસ્તતા, ખોટા અન્યાયી નિયમ, પતિ માટે પોતે ઘરની વહુ જ હતી એ મહેસૂસ થતું ગયું. 

પિયર એક-બે વાર જવાનું થયું ત્યારે પ્રતિની ધારદાર નજરમાં કરમાઈ રહેલી પલક અને એની માનસિકતા પરખાઈ ગઈ. 

એક વર્ષ આમ જ પૂરું થયું. પલક અને જમાઈ બંને ઘેર આવ્યાં હતાં. 

મમ્મી-પપ્પાએ આશિર્વાદ અને વ્યવહાર કર્યો. 

જતી વખતે પ્રતિએ પલકને પોતે બનાવેલું એક ચિત્ર સરસ પેક કરીને આપ્યું.

આતુરતા સહ્ પલકે ઘેર જઈને નિરાંતે એ પેકેટ ખોલ્યું.

અને..

એમાં દેખાતા બે નાજૂક હાથ જાણે પોતાના..

એક હાથમાં પડેલી બેડી જાણે પોતાની..

બીજા હાથમાં તૂટેલી બેડી જાણે પોતાને સંકેત આપી રહી હતી.

મનોમન નાનકી બેનીનો જાણે એ આભાર વ્યક્ત કરી રહી.

બીજી સવારે રુમમાંથી ખોવાઈ ગયેલા વ્યક્તિત્વને પરત મેળવેલી આત્મવિશ્વાસથી છલોછલ પલકે રસોડામાં પગ મૂક્યો.


Rate this content
Log in