બડી દૂર..સે આયે હૈં
બડી દૂર..સે આયે હૈં


એક સન્નાટો હતો. સર સર સર હવાના અવાજ સિવાય કોઈ બીજો અવાજ નહોતો.
આમ તો બે હજારની વસ્તી ભેગી થઈ હતી. પૃથ્વી સહિત દરેક ગ્રહ, ઉપગ્રહ પર ઉત્પાત મચાવતા, માનવજાત સહિત દરેકને ડરાવતા, બિહામણી હરકતો અને ભયાનક દેખાવથી દરેકનો શ્વાસ થંભાવી દેતા ભૂત-પ્રેત-ચુડેલ- પિશાચ-ડાકિની-શાકિની જેવી આખી નાત એકદમ આઘાતમાં હતી.
એકલા માથાવાળા પિશાચે કહ્યું,
“મહાનાયક, આવી પરિસ્થિતિ તો ક્યારેય નથી જોઈ.”
ખી ખી ખી ખી બિહામણું હસતી રહેતી કાળા મોઢાવાળી ભૂતડી રોતલ અવાજે બોલી,
“આપણે તો જ્યાં પ્રગટ થઈએ ત્યાં ડરનો પ્રચંડ માહોલ બની જાય પણ હમણાં બે મહિનાથી તો કોઈ બીતુંય નથી બોલો!”
પચ્ચીસ ફૂટ ઉંચા પ્રેતે ગળું ખંખેરીને કહ્યું,
“કાલે હું પૃથ્વી પર એક સ્મશાનની બહાર ઉભો હતો. બે સાયકલ સવાર અને ત્રણ બાઈકવાળાને બિવડાવવા ગયો. પહેલાં તો લોકો ધ્રૂજી જતા, બૂમો પાડતા પણ કાલે નવાઈની વાત એ બની કે, એ બધાએ મને ધમકાવી નાખ્યો,
ઓયે, જા અહીંથી, તારા કરતાં વધુ ડર કોરોનાએ ફેલાવ્યો છે.”
અને આમ જ દરેકે પોતાની વાતમાં માત્ર કોરોના વિશે વાત કરી.
લાલચોળ આંખ, લાંબા નખ, વિકરાળ ચહેરાવાળા મહાનાયકને અચરજ થયું. એણે કહ્યું,
“ડરશો નહીં. આપણું કામ ડરાવવાનું છે. આપણે બીજાને હેરાન-પરેશાન અને મારવા જ મૃત્યુ બાદ જન્મ લીધો છે. આમ ન જ ચલાવાય. હું પોતે જઈને તપાસ કરીશ.”
રાત્રે બાર વાગે મહાનાયક સાદા માનવવેશમાં પૃથ્વી પર નીકળ્યો.
એક દવાખાના પાસે એણે વિપામ લીધો ત્યાં તો બે પોલીસવાળાએ એને રોક્યો.
“એય, ક્યાં જાય છે?”
“સ્મશાન જાઉં છું.”
“પોલીસની મજાક કરે છે?”
“ના. તું મને ઓળખતો નથી. હું પ્રેતજગતનો સહુથી મોટો મહાનાયક છું.”
“તું કોરોનાને ઓળખે છે? અત્યારે તને વળગી જશે તો તું ક્યાં જઈશ એય નહીં સમજાય.”
જ્યાં પોલીસે એનો હાથ પકડ્યો ત્યાં..
“તને તાવ છે. ચાલ કોરન્ટાઈનમાં. હમણાં કોરોના બહુ ફેલાયેલો છે.
અને તું કાળજી રાખવાનો બદલે ચેપ ફેલાય એમ બહાર રખડે છે?”
અને મહાનાયકને કંઈ સમજાય એ પહેલાં તો એને એકાંતવોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યો.
એ કોરોનાની રાહ જોતો રહ્યો,
જોઉં તો ખરો કેવો ભયાનક છે!
અમારી દુનિયામાંય આટલો ભય ફેલાવ્યો છે તે!
પણ એક કલાકમાં તો એ એકાંતવાસમાં પાગલ જેવો બની ગયો. હાથમાં ખોસેલી નળી અને માસ્ક હટાવીને ઝનૂનપૂર્વક અદ્રશ્ય થઈને પ્રેતજગત પહોંચી ગયો.
હાંફતા, અકળાયેલા, ચિમળાઈ ગયેલા મહાનાયકને માંડ શાતા વળી.
નવા કિરદારને કોઈએ ન જોયા છતાંય આટલો જબરદસ્ત ભયાવહ માહોલ ખડો કરી દેવા બદલ મહાનાયક સ્તબ્ધ હતો.
સભામાં એણે એલાન કર્યું,
“પૃથ્વી પર કોઈ એવી ભયજનક હસ્તી આવી ગઈ છે કે જેના ડર સામે લોકો આપણને ગણકારતા બંધ થઈ ગયા છે. બહેતર પગલું એ છે કે હમણાં ત્રીસ દિવસ આપણામાંથી કોઈ પિચાશ જગતની બહાર પગ નહીં મૂકે. આપણી બિરાદરીમાં એ નવું કોરોના તત્વ સ્વિકાર્ય નથી. કોઈએ ક્યાંય જવું નહીં, કોઈને ડરાવવા નહીં નક્કામી આપણી બેઈજ્જતી થાય છે. લોકો કોરોનાનું નામ લઈને આપણને બિવડાવે છે.”
ત્યાં...
પ્રેતજગતના મુખ્ય દરવાજા બહાર ટિંગાડેલો ઘંટ વાગ્યો. જ્યારે અવગતે ગયેલો માણસ આ યોનિમાં પ્રવેશતો ત્યારે એની સૂચના આ ઘંટ દ્વારા આપવામાં આવતી. બહાર ઉભેલા માનવને જોઈ ખોપડી વોચમેને પૂછ્યું,
“નામ?
“ડ્યુ આન.”
“કયો દેશ?”
“ચીન.”
“શું બિમારી?”
“કોરોના.”
અને.. ખોપડી ધક્કો મારીને કૂદતી કૂદતી મહાનાયક પાસે પહોંચી ગઈ.
“પેલો.. પેલો..”
“કોણ?”
“કોરો...ના.”
અને પ્રેતજગત ખળભળી ઉઠ્યું.
“હવે?”..