બચત
બચત


પીળા કલરની સ્કુલ બેસને જેટલી ઝડપી બ્રેક લાગી એટલો જ ઝડપી રુતુલ દરવાજામાંથી સૌપ્રથમ બહાર આવ્યો. આજે એને ઘેર જવાની ઉતાવળ હતી, મજાના ખુશીના સમાચાર એના પપ્પાને આપવા હતા. દરવાજા પાસે ઉભા રહેતા અનીલ અંકલ જેઓ એની સોસાયટીના સિક્યુરીટી ગાર્ડ હતા એમણે રુતુલને બોલાવ્યો, પણ ભાઈ; સાબ તો દોડયા બીજી વાત જ નહી. દરરોજનો આ નિત્યક્રમ હતો કે અનીલ કાકા સાથે થોડી પણ વાત કરીને જ રુતુલ ઘર તરફ જતો.
રુતુલ આજે કાયમના જેટલો દફતરથી નારાજ ન હતો એટલે છૂટો ઘા ન કર્યો પણ પગથિયાં પાસે મુકીને એને બુટની દોરી છોડવાની શરુ કરી, આજે એને ઘરમાં જવાની ઉતાવળ હતી એટલે એની બૂટની દોરી પણ થોડી નારાજ થઇ ગઈ હતી, એનું કહ્યું માનતી ન હતી અને અટવાઈ જતી હતી. છેવટે ધીરજથી કામ કર્યું એટલે બૂટની દોરી છૂટી. કદાચ એમ કહીએ તો ચાલે કે એ બૂટથી રુતુલ છૂટ્યો..!!
એ ઘરમાં પહોચ્યો તો સાંજના સવા પાંચ થવા છતાં પણ એના પપ્પા બેડ રૂમમાં સુતા હતા, એને દરરોજનો અનુભવ હતો કે પપ્પા બપોરે ઊંઘ લેજ નહી, તો આજે કેમ કુંભકર્ણ થઇ ગયા. એવા એને બાળસહજ વિચારો આવ્યા. રુતુલ પપ્પા સાથે વાત કરવા માંગતો હતો પણ એમણે ફરમાન કાર્ય કે વાત પછી પહેલાં હાથ-પગ ધોઈ આવ. આ વાત –કરતાં-કરતાં એમની આંખો અડધીજ ખુલી હતી મતલબ કે હજી એમની ઊંઘ પૂરી થઇ ન હતી.
રુતુલને એ પણ યાદ હતું કે ચાર દિવસથી મમ્મી મામાના ઘેર ગઈ છે એટલે પપ્પાને કહેવા વાળું કોઈ નથી, એટલે આરામમાં હશે. એમનાં કપડાં અને ડબલ બેડ પણ ચોળાયેલો હતો પણ બાળ માનસ ધરાવતા રુતુલની નજરમાં આવું બધું ન આવી શકે. ધ્રુવ અને ધરતીનો એકમાત્ર પુત્ર રુતુલ અમદાવદ શહેરની નામાંકિત સ્કુલમાં અભ્યાસ કરતો હતો. ધરતી એના પિયર ગઈ હોવાથી ધ્રુવ ઘેર એકલો જ હતો.એની બપોરની ઊંઘ ઉડાડવાનો પુરતો હક્ક આઠ વર્ષીય રુતુલને હતો
થોડીવારમાં ફ્રેશ થઈને રુતુલે પોતાનું પુરાણ ચાલુ કર્યું. ધ્રુવને એમ હતું કે હમણાં એ એમજ કહેશે, મારાં મેડમે આવું શીખવાડ્યું,એમાં આટલું આવડ્યું અને આટલું બાકી રહી ગયું. બસમાં આટલા છોકરા તોફાન કરતા હતા અને ગેમ રમવાની મજા આવ !
આવી કોઈ ધારણાવાળી વાતો ધ્રુવને રુતુલના પાસેથી સાંભળવા મળી નહી. એણે એની બેગમાંથી એક રંગીન પૂંઠાવાળી બુક બહાર કાઢીને ધ્રુવના હાથમાં આપી. ધ્રુવ એનાં પાનાં ફેરવતો ગયો અને રુતુલના મુલાયમ ચહેરા સામે જોઇને બોલ્યો, :"અરે ! આ કયાંથી લાવી ? ધ્રુવને એ વાતનો ખ્યાલ હતો કે આ બૂક એણે બજારમાં બહુ શોધી હતી પણ એને કયાંય મળી ન હતી. “ પપ્પા, આજે એક માણસ અમારી સ્કુલમાં વેચવા માટે આવ્યો હતો મેં એની પાસેથી ખરીદી લીધી."
આ બુક મેળવ્યા પછી રુતુલ ની આંખોમાં એક નવી ચમક આવી ગઈ. એના ચહેરા પરની લાલીમા અને નિર્દોષતા આજે ઉડીને આંખે વળગતી હતી. ગમતી વસ્તુ મળી ગયા પછી માણસને આવીજ ખુશી થતી હોય છે, એના ચહેરા પર જોઈ શકાતી હોય છે એવો અહેસાસ આજે ધ્રુવને પણ થયો હતો.
"ઓ રુતુલ બેટા પણ તે આટલા બધા પૈસા લાવ્યા ક્યાંથી ?" ધ્રુવે પથારીમાં બેઠા થતાં કહ્યું. સોનેરી હાસ્ય અને બે બોખા દાંત સાથે રુતુલ બોલ્યો
“પપ્પા એ તો સૌથી મોટી કહાની છે”
ફરીથી કુમળા ગાલો પર વ્હાલ ભર્યો હાથ ફેરવીને ધ્રુવ બોલ્યો \તો કહો બેટા કહાની..!"
પપ્પા જી વાત એમ છે કે તમે દરરોજ મને દસ રુપયા વાપરવા આપતા હતા એમાંથી મેં બચત કરી હતી, એ મહામુલી બચત આજે કામ આવી ગઈ . જે બૂક તમે આખી અમદાવાદની બજારમાંથી લાવી શક્યા ન હતા એ મારી બચતના લીધે મળી ગઈ.
રંગીન બૂક રુતુલના કોમલ હાથોમાં આપીને ધ્રુવ પણ રંગીન સપનામાં ખોવાઈ ગયો. કેમકે આજે બપોરે એની પણ એક બચત કામ આવી ગઈ હતી. એ બચતની વાત રુતુલ ને કહી શકાય એમ ન હતી પણ એ એકલોજ મનમાં ને મનમાં વાગોળવા લાગ્યો.
ધ્રુવના માત્ર એક જ મેસેજ થી એની વ્હાલી પ્રેમિકા પ્રીયાંસી આજે દોડતી આવી ગઈ હતી. છેલ્લા ચાર મહિનાથી પ્રેમની બચત કરેલી એ આજે ધરતી અને રુતુલની ગેરહાજરીમાં કામ આવી ગઈ હતી. પ્રીયાંસી એની ફક્ત ચાર મહિના જૂની મિત્ર હતી એ મિત્રમાંથી પ્રેમિકા પણ બની ગઈ અને આજનો ગરમ બપોર એની બાહોમાં ઓગળીને રંગીન બનાવી ગઈ હતી.
એના વિચારો રુતુલના અવાજથી તૂટ્યા, પપ્પા તમે ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા, ચાલોને કોફી બનાવો, અરે બેટા કોફી તો શું પણ તું કહે એ બનાવી આપુને.પપ્પા તમે આજે મુડમાં લાગો છો, ક્યા વિચારોમાં હતા એ કહો તો, એવો નિર્દોષ સવાલ રુતુલે કર્યો જેનો સાચો જવાબ ધ્રુવ ક્યારેય આપવાનો ન હતો.
હા બેટા, બસ હું પણ તારી જેમ જ બચતના વિચારોમાં હતો કે ક્યારે અને કેવી રીતે બચત કામ આવી જતી હોય છે.