Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

અનોખી મુસાફરી

અનોખી મુસાફરી

2 mins
211


આજે એક અલગ પ્રકારની મુસાફરીની વાત કરું. મારી સખી ગીતાએ ડાયરીમાં એની મુસાફરીની વાત વંચાવી જે એનાં જ શબ્દોમાં રજુ કરું છું.

"મારાં પિતાનાં યોગદાનથી મારી માતાનાં ઉદરમાં મારું પ્રસ્થાપિત થવું એ જ મારી મુસાફરીનો પ્રારંભ. બિદુમાંથી વૃધ્ધિ પામતાં પામતાં પૂર્ણ સમયે મારું અવતરણ થયું અને મેં માતાનાં ખોળામાં અમૃતમય ધાવણનું પયપાન કર્યું એ મુસાફરીનો પહેલો વિસામો. મુસાફરીની કેટલી રોમાંચક શરૂઆત !

ધીમે ધીમે વૃધ્ધિ પામતાં હું શાળાએ ગઈ એ મારી મુસાફરીનો બીજો પડાવ. શિક્ષણક્ષેત્રમાં એક પછી એક પગથિયાં ચઢતાં ચઢતાં મુસાફરી આગળ વધતી ગઈ. મુસાફરીનાં બાળપણનાં તબક્કાની શરૂઆત આનંદદાયક પરંતુ શાળામાં ભણતરનાં ભાર હેઠળ કચડાઇ જવાતું એ થોડું વિષમ.

મુસાફરીનો ત્રીજો તબક્કો એટલે કારકિર્દીનાં આગળ વધતાં પડાવે મુશ્કેલી આવી, નાસીપાસ પણ થવાયું પરંતુ આવા સમયે માવતર અને ભાંડવડાંનાં સહકાર, પ્રોત્સાહન થકી મુસાફરીનો દુર્ગમ માર્ગ પસાર કરી શકી.

આગળ વધતાં મુસાફરીનો ચોથો પડાવ એટલે લગ્નજીવનની શરૂઆત. માવતર, ભાંડવડાં, સગાં સંબંધીઓ, મિત્રોને છોડી તદ્દન અજાણ્યાને પોતાનાં કરવાનાં, સૌના દિલ જીતવાનાં. આ મુસાફરી તો સુખદાયી નિવડી, બધાં સાથે હળીમળી ગઈ. ઘણું બધું જતું કર્યું. કાન-મોં બંધ રાખ્યાં એટલે પતિ સાથે ખુશખુશાલ જીવનનૈયા દોડવા માંડી.

લગ્નજીવનનાં ફળ સ્વરૂપે સંતાનોની મા બની. એક નવો પડકાર, સંતાનોને સમજણ, લાગણી, પ્રેમ, હૂંફ આપી જીવનની આંટીઘૂંટીની સમજ આપી ઉછેર્યાં સંતાનો સ્થિર થાય એ પહેલાં જ પતિની ઓચિંતી ચિર વિદાય અને મુસાફરીમાં ઓચિંતો વળાંક. મુસાફરીનાં આ તબક્કે ઘણાં જ સંકટો આવ્યાં. પરંતુ સંતાનો અને સાસુમાનો સાથ સહકાર અને પ્રભુની મહેરબાનીથી હેમખેમ પાર ઉતરી.

મુસાફરીનો હાલનો તબક્કો, ઉપરવાળાની મહેરબાનીથી સુખદાયી છે. સંતાનો સરસ રીતે પોતપોતાનાં સંસારમાં ગોઠવાઈ ગયાં. હું મારી મસ્તીમાં, અત્યાર સુધી કરેલી મુસાફરીનાં આનંદદાયક પ્રસંગો યાદ કરી આનંદમાં રહું છું."


Rate this content
Log in