અનોખી મિત્રતા
અનોખી મિત્રતા
લગભગ 1967નો એ સમય હતો. અગાશીમાં બેઠી બેઠી એક આઠેક વર્ષની દિકરી લેસન કરતી હતી. થોડીવારમાં મોરનો એક પરિવાર છાપરાં ખખડાવતો આવ્યો એટલે એણે થોડીક જુવાર છાપરાં પર ફેંકી. આખો પરિવાર ચણવા લાગ્યો. પેલી દિકરીને મજા આવી. બીજે દિવસે પણ એણે દાણા ખવડાવ્યાં.
ધીમે ધીમે આ ઘટનાક્રમ રોજનો થયો. એ નાનકડી ઢીંગલી અને પરિવારનો મુખિયા જેવો એ મોર બંનેને પરસ્પર ભરોસો બેઠો. એકાદ મહિનામાં તો મોર એના હાથમાંથી ખાવા લાગ્યો. આ દોસ્તી ગાઢ બની. મોરનું નામ એણે પ્રતીક પાડ્યું. હવે એ એને "પ્રતીક આવ, પ્રતીક આવ...." એવો રણકો કરે કે પાંચછ ઘર દૂરથી પ્રતીક દોડતો આવે.
હવે પ્રતીકનો હક વધવા લાગ્યો. એ નીચે નાખેલાં દાણા ન જ ખાય, પણ એના હાથમાંથી જ ખાય. કોઈક દિવસ બીજાં મોર ઢેલ વહેલાં આવે તો એને પણ હાથમાંથી ખવડાવે. પણ. જો પ્રતીક આ જોઈ જાય તો છાપરાં પર પગ પછાડતો જતો રહે. એકાદ કલાક પછી બધાં મોર-ઢેલ જતાં રહે, પછી આવીને ગુસ્સામાં ટહૂકો કરે અને નિરાંતે ચણે.
ધીમે ધીમે રોટલી ખાતો થયો. હવે તો ખાવાનું આપતાં વાર થાય તો એ રુમમાં આવીને ટહૂકો કરી બોલાવે. આમ, ચોથા ધોરણમાં ભણતી એ ઢીંગલી અને પ્રતીકની દોસ્તીમાં સગાંવહાલાં, મિત્રો, પડોશીઓ એમ સૌને રસ પડ્યો. જોકે, એ બીજા કોઈના હાથમાંથી ન ખાય.
એક દિવસ તો પ્રતીક કળા કરીને છાપરે નાચતો હતો. એને કહ્યું, " મણાં ફોટોગ્રાફર આવે ત્યાં સુધી કળા કરી રાખજે. " પછી એનો ભાઈ ચારપાંચ ઘર દૂર આવેલા સ્ટુડિયોમાંથી ફોટોગ્રાફરને બોલાવી આવ્યો. જેવો ફોટો પડ્યો કે એણે કળા સંકેલી લીધી.
ઘણાં વર્ષ પછી એ દિકરીનો પરિવાર બીજાં ઘરે રહેવા ગયો. જતાં જતાં મકાનમાલિકને પ્રતીકને ખવડાવવા કહ્યું. પ્રતીક તો છાપરે બેસીને આખો દિવસ મોટેથી ટહૂકા કરતો બેસી રહે, પણ ખાય નહિ. એક અઠવાડિયા પછી મકાનમાલિક બહેનથી ન રહેવાતાં એ દિકરીને બોલાવી. એ ઉપર દેખાતાં જ પ્રતીક દોડતો આવ્યો. એને વ્હાલથી ખવડાવ્યું. અને કહ્યું, "મારું ઘર તારા રસ્તામાં જ આવે છે. હું ત્યાં તને બૂમ પાડું એટલે જોઈ લેજે." પ્રતીક પણ સમજી ગયો. બીજે દિવસે એ નવાં ઘરે આવ્યો. પછી રોજ ત્યાં જ આવવા લાગ્યો.
એમ લગભગ અગિયાર વર્ષ વીત્યાં. હવે એ ઢીંગલી બહારગામ ભણવા ગઈ. પછી એનાં લગ્ન થયાં. બાળકોને લઈને સાત આઠ વર્ષ પછી એ પિયર આવી. મમ્મીએ કહ્યું, "હમણાં જ પ્રતીક ગયો."
એ બાળકોને લઈને અગાશીમાં ગઈ. અને જરા મોટેથી બોલી. "પ્રતીક આવ....પ્રતીક આવ..."
અને ઘણાં ઘર વટાવી ચૂકેલો પ્રતીક ખૂબ ઝડપથી દોડતો આવ્યો. બાળકોનાં હાથમાંથી પણ ખાધું. આમ બેત્રણ દિવસ બાદ એ લોકો પોતાનાં ઘરે ગયાં.
અને....અને..... થોડાક દિવસ પછી બાજુનાં ઝાડ પર પ્રતીક ખૂબ ટહૂક્યો. બસ...બીજે દિવસે એનો મૃતદેહ ઝાડ નીચે પડેલો. એ આખું અઠવાડિયું સમગ્ર મહોલ્લો શોક અનુભવી રહ્યો. એ દિકરી અને પ્રતીકની દોસ્તી હવે એક શ્વેતશ્યામ તસવીરમાં સંભારણું બની રહી.
