અનોખી ભાઈબીજ
અનોખી ભાઈબીજ
અનોખી ભાઈબીજ
ઉછળતી, કૂદતી ઝરણાં જેવી પ્રાચી રૂપાળી તો હતી પણ સાથે ગુણવાન પણ એવી જ હતી. પ્રાચી અને તેનો ભાઈ પ્રિતેશ ખૂબ જ મસ્તી કરતાં ભાઈ બહેનની જોડી જોઈ કોઈને પણ ઈર્ષા આવી જાય. અચાનક બધું જ બદલાઈ ગયું. પ્રાચી તેની સાથે કોલેજમાં ભણતા પ્રણવ સાથે પ્રેમ કરવાં લાગી. પ્રણવ કંઈ ખાસ કમાતો ન હતો પણ ખબર નહીં પ્રાચી તેનાં પ્રેમમાં પાગલ બની હતી. ઘરનાં બધાં અને ખાસ કરીને પ્રિતેશ પ્રણવની ખિલાફ હતો. અંતે કોઈ રસ્તો ન દેખાતાં પ્રાચી અને પ્રણવે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધાં.
તે દિવસથી પ્રાચીનો તેનાં ઘર અને પ્રિતેશ સાથે હંમેશ માટે સંબંધ તૂટી ગયો. એ વાતને આજે બે વરસ થયાં. ન રક્ષાબંધન કે ન કોઈ બીજા તહેવાર. પ્રાચી સાથે પિયરવાળા કોઈ સંબંધ રાખતાં ન હતાં.
આજે સવારથી પ્રાચીના દિલમાં દર્દ થતું હતું. કોણ જાણે કેમ પણ આજે ઘર અને તેનાં વ્હાલાં ભાઈની યાદ આવતી હતી. આજે ભાઈબીજ હતી. કાશ ! બધાં ભાઈની જેમ પ્રિતેશ પણ તેનાં ઘરે આવે ! બસ આમ વિચારતી જ હતીને સામેથી પ્રિતેશ આવતો દેખાયો. હાથમાં ગિફ્ટ માટેનાં બોક્ષ હતાં. આંખોમાં આંસું હતાં. પ્રિતેશને જોઈ પ્રાચી એકપળ પણ પોતાની જાતને રોકી શકી નહીં. દોડતી ગઈ અને પોતાનાં વ્હાલાં ભાઈને ભેટી પડી. પ્રિતેશ પણ પોતાની જીદ છોડી લાડલી બહેનને આજ ભાઈબીજની સરપ્રાઈઝ આપવા દોડી આવ્યો. આજે ભાઈ બહેનનાં પવિત્ર એવા ભાઈબીજના તહેવારે બંને ભાઈ બહેનને આમ ખુશ જોઈ દૂર ઉભેલો પ્રણવ પણ ખુશ થયો. ( હકીકતમાં પ્રણવ જ પ્રિતેશને લાવ્યો હતો.)
