અલ્પવિરામ....
અલ્પવિરામ....
'બસ એક વિરામ.... ખૂબ જ ભાગ દોડવાળી જિંદગીથી વિરામની પીનકા તને જરૂર છે.' ( પીનકા અચેત, નિષ્ઠુર આંખે એકીટશે સફેદ લાઈટના ગોળા સામે જોતી બેઠી છે)
'તું સાંભળે છે ને પીનકા... હું શું કહી રહ્યો છું ! તારી આ ખામોશી.. ઉફ.. શું ચાલે છે તારા મનમાં ? આમને આમ...'
'શું પારસ ? આમને આમ શું ?'
પીનકાનો હાથ પોતાના હાથમાં લેતાં પારસ જરા નજીક ખસે છે. તેનો ચહેરો હાથમાં લેતા, 'પીનકા તું પણ જાણે છે અને હું પણ કે આજે આ પરિસ્થિતિનું નિમાર્ણ આપણાં હાથમાં નહોતું. આપણે આ બાબતે કેટલી વાર ચર્ચા કરી છે. પછી...'
'પછી શું... કેમ ચૂપ થઈ ગયો.. કહી દે ને આ તારો પ્રશ્ન છે.. '( પીનકા હાથ છોડાવી સોફા પરથી ઉભી થઇ)
'પીનું ( પારસ પ્રેમથી પીનકા ને પીનું કહેતો) તું આમ ક્યાં ચાલી. તું જાણે છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. તારું આ રૂપ મને દિવ્ય આનંદ આપે છે. તું મારી છો અને...'
'અને... તું..' (પીનકાની આંખોમાં ક્રોધાંઅગ્નિ સ્પષ્ટ જોઈ શકતો હતો)
'શું મારી વ્હાલી, મારા માટે તો તું જ સર્વસ્વ છે. મારી દુનિયા તારાથી જ છે અને મારા અંતિમ શ્વાસ સુધી એમ જ રહેશે. આ મારો વાયદો છે મારી દિલની ધડકન.'
(પીનકા ને ઘડીકભર રૂમમાંથી નીકળી જવાનું મન થઇ આવ્યું.) 'તું જાણે જ છે ને આપણે જે પરિસ્થિતિ માં લગ્ન કર્યા હતા એ. આપણે એકબીજાનો સાથ નહિ આપીએ તો...'
'ક્યાં સાથની વાત કરે છે તું પારસ ? મને મૂકીને' ( ગળે ડૂમો ભરાઈ આવે છે)(પારસ પીનકાને પોતાની તરફ ખેંચે છે અને તેનો કોમળ ચેહરો બને હાથમાં પકડી પ્રેમનું આલિંગન આપવા જાય છે) પીનકાને કોણ જાણે કેમ હવે પારસથી અણગમો હોય એમ તેને હાથનો ટેકો લઈ પાછળ હડસેલી દે છે. શું થઈ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરતો પારસ, 'મારી પારસમણી તું શા માટે આ રીતે વાત કરી રહી છે. હું છેલ્લાં ત્રણ દિવસમાં અસંખ્ય વખત વગર મારી ભૂલ માટે માફી માંગી ચુક્યો છું પછી...'
''પીનકા, પછી... બસ તે કીધુને છૂટો થઈ ગયો નહિ.. પણ મારા કાળજે કંડારાયેલા ઘાવોનું શું કરવું એ સમજાવી દે. તો પછી...'
'લગ્ન વખતે આપણે ખૂબ જ વિસ્તારથી દરેક મુદ્દે વાત થઈ હતી. તો પછી હવે શા માટે....'
'ક્યાં મુદ્દે ? તું એમ કહેવા માંગે છે કે તે જે કર્યું છે અથવા કરતો આવ્યો છે આટલાં વર્ષથી એ બધું યોગ્ય છે ? તારા માટે બધું સામાન્ય હોઈ શકે છે પણ મારા માટે...ના....હું ક્યારેય સાંખી નહિ લઉં.'
'તું કહેતી હોય તો જીવ આપી દઉં... પણ આ રીતે...'.
'પારસ જીવ આપવો તો કદાચ સરળ બાબત છે અને તું કરી પણ શકે. સંબધો પરસ્પર સુમેળ અને સજાગતાના હિમાયતી હોય છે. આ રીતે જવાબદારીમાંથી પલાયન થવાથી
સંબધો નથી આગળ વધતા. હા મને યાદ છે એ શું કહ્યું હતું લગ્ન વખતે...'
'તું કઈક અલગ જ છે મારા એ પારસ કરતા. કદાચ મેં જ અંધકાર ભરેલી ઊંડી ખાઈમાં ઝપલાવ્યું હતું. લાગતું હતું કે એક સર્વગુણસંપન્ન જીવનસાથીની પરિભાષામાં તું બરોબર ફિટ બેસે છે. કોને ખબર હતી કે મારુ મન થાપ ખાઈ જશે.'
'પીનકા શા માટે હજી પકડીને બેઠી છે. હું આવ્યો તો ખરોને પાછો...'
(થોડીવાર માટે તે ચૂપ થઈ ગઈ. પોતાના મુખમાંથી અપશબ્દ નીકળી ન જાય એ માટે આમ કરવું હિતાવહ લાગ્યું)
'હા... હા... પાછો આવ્યો ને... એકદમ સાચું કહ્યું હો તે તો... ક્યારે આવ્યો એ તું જાણે છે.. દેખાડો કરવા એ હું પણ જાણું છું. મારા દીકરાની...' ( ધ્રૂસકે ધ્રુસકે રડી પડે છે)
'પીનકા.....'
'શું મારુ નામ લેવાથી કે મારી માફી માંગી લેવાથી તું મને મારો દીકરો...'
'ના.. હું જાણું છું એ શક્ય નથી.. પણ તું એને મારો ના કહે છે ને તો જાણે કે મારા દિલ પર નશતર ચાલી જાય છે. એ આપણો...'
'પારસ ના.. તું એને આપણો તો કહીશ જ નહીં. જો તું ખરેખર આ લાગણીઓના સેતુને સીંચી મજબૂત બનાવવા માંગતો હોતને તો દસ વર્ષ પહેલાં... આમ...'
'તને ખબર પણ છે એ કેવી રીતે મોટો થયો. જ્યાં બાપનો હુંફાળો સ્પર્શ કામ કરી શકે એમ હતો ત્યાં માની મમતાએ સિંચન કરવું પડ્યું. એની કોરીધાક આંખો મેં જોઈ છે. અચેતન, શૂન્યમનસ્ક, કઈક સતત શોધ્યા કરતી એ આંખો ભૂલવી અશક્ય છે.'
'પીનકા ભૂલી જા બધું...'
'પારસ કેવી રીતે... મેં તો ક્યારનું પૂર્ણવિરામ મૂકી દીધું છે આ વિષય પર...'
'પીનકા ના આમ કઈ પૂર્ણવિરામ ન મૂકી શકાય. હું તને ક્યારેય... અલબત્ત તમને બંને ને ક્યારેય ભૂલી જ નથી શક્યો. ચાલને કડવા ઇતિહાસને દફનાવી આપણે ત્રણેય નવી ખુશનુમાં સપ્તરંગી જીવનની શરૂઆત કરીએ.'
'ચાલને ફરીથી અલ્પવિરામ થકી નવા આયામ તરફ પગલાં માંડીએ... ખરેખર મને જે થયું એનો અફસોસ છે. હું આમ નહિ જીવી શકું. મને માફ..'.
'પારસ... માફી માટે હવે ઘણું મોડું...'
'ના કઈ જ મોડું નથી થયું... બોલાવ આપણાં દિશાન્તને... મારે મળવું છે... એકવાર મળીને વાત કરવા દે.. પછી એ જે નિર્ણય લે આ મારે માટે બ્રહ્માક્ષર.' પીનકા હાથ પકડીને પારસને દિશાન્ત ના રૂમમાં લઇ જાય છે. દિશાન્તની બધી જ વસ્તુઓ એની જગ્યા પર પડી હતી.
'પીનકા રૂમ તો ખાલી છે ક્યાં છે આપણો વાલીડો...'
પીનકા (દીવાલ તરફ) આંગળી કરતા જમીન પર ફસડાઈ પડે છે.
'નહીં...... પીનકા... આ કેવી રીતે... કર્મનું ફળ પ્રભુ એટલું જલ્દી આપશે એ ખબર નહોતી. ( આટલું બોલતાની સાથે પારસ અવાચક દિશાન્તની તસવીર પર ચડેલો હાર જોતો ઉભો રહ્યો)