Mariyam Dhupli

Others Tragedy

4  

Mariyam Dhupli

Others Tragedy

અભિપ્રાય

અભિપ્રાય

5 mins
14.6K


મોડી રાતે ઓફિસમાં ગણ્યાગાંઠ્યા જ કાર્યકરો હતા. નિયમિત સમયે ઓફિસમાંથી મોટાભાગનો સ્ટાફ નીકળી ચુક્યો હતો. ઓવર ટાઈમ કરી વધુ કમાણી ઉપજાવવા ઇચ્છતા ઓફિસરો પોતપોતાની કેબીનમાં પોતપોતાની કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર વ્યસ્ત હતા. આખો દિવસ આંકડાઓ અને હિસાબોમાં પસાર કર્યા પછી હજુ વધારાના ચાર પાંચ કલાકો એજ કાર્ય પાછળ ગાળવાના હતા. સહજ પણ દરરોજની જેમ ટેવાયેલા સમયપત્રકને અનુસરતો પોતાની કોમ્પ્યુટર સ્ક્રીનમાં ઊંડો ઉતરી ચુક્યો હતો. પોતાની કેબીન છોડી સહજની કેબીનમાં  લેપટોપ ઉપર ચેટિંગ કરી રહેલ સહકાર્યકર અને મિત્ર દેવેન પર સહજની ઊડતી દ્રષ્ટિ પડી. એની રોજિંદી ટેવથી અકળાતો ને ચીઢાતો હોય એવા હાવભાવ જોડે સહજે પોતાનું માથું ધુણાવ્યું અને ફરીથી પોતાની કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા દેવેનની કુટેવ ઉપર ટીકાત્મક ટાપસી નોંધાવી,

"દેવેન, કામ ઉપર ધ્યાન આપ."

"આટલા મહત્વના કાર્ય ઉપર ધ્યાન આપી રહ્યો છું ને !" કટાક્ષ અને રમૂજમાં હસતા દેવેને પોતાની ચેટિંગ યથાવત રાખી. 

"બોસ જોઈ જશે તો તારી ખેર નથી" પોતાના કોમ્યુટર ઉપરની દ્રષ્ટિને સ્ક્રીન ઉપર પહેલાથી પણ વધુ સૂક્ષ્મતાથી કેન્દ્રિત કરતા સહજે મિત્રને ચેતવણીના સ્વરમાં સલાહ આપી.

"પ્રેમ અને યુદ્ધમાં બધુજ યોગ્ય !" પોતાનો દિલફેંક સ્વભાવ દેવેને શબ્દોમાં ઉતાર્યો .

"પ્રેમ ?" કમ્પ્યુટરની સ્ક્રીનમાં જ પરોવાયેલી આંખોથી એક કટાક્ષયુક્ત હાસ્ય સહજના ચ્હેરા ઉપર છવાઈ ગયું.

"ભોળીભાલી ગૃહિણીઓને પોતાના માયાજાળમાં ફસાવવી એને પ્રેમ નહીં, દગાબાજી કહેવાય !"

સહજના શબ્દોથી છંછેડાયેલા દેવેને લેપટોપ બંધ કરી, સહજની કમ્પ્યુટર સ્ક્રીનની દિશા ફેરવી એને પોતાની આંખોમાં આંખો પરોવવા મજબુર કર્યો. "દગાબાજી ? એ બધી સ્ત્રીઓ પોતાની રાજીખુશીથી મને મળે છે .... સમજ્યો ?"

સહજે હાસ્યના ઉભરા સાથે દેવેનની વાત નકારી, "એમની લાગણીઓ જોડે રમત રમી ? "

દેવેને પોતાની વાત ફિલોસોફર સમા અંદાજમાં આગળ વધારી, "લાગણીઓ જોડે રમત કરવી મારા સ્વભાવમાં નથી . ફક્ત એમની હૃદયની એકલતા ને વહેંચવા પ્રયાસ કરું છું. એમની ભાવનાઓને મહત્વ આપવા પ્રયત્ન કરું છું. એમના પતિઓની માનસિક ગેરહાજરીને પોતાની હાજરીથી પૂરી એમના સફેદ શ્વેત જીવનમાં થોડા રંગો ભરવાનો પ્રયાસ કરું છું."

સહજને દેવેનની નિમ્ન કક્ષાની વિચારધારાથી તદ્દન ઘૃણા અને તિરસ્કાર છૂટ્યા, "જે પતિઓ સ્ત્રીઓની આર્થિક અને શારીરિક જરૂરિયાતો સંતોષપૂર્વક પુરી કરી આપતા હોય એમની પત્નીઓ કદી તારા ભાવાત્મક રમત માં સપડાય જ ન શકે."

"હું તારી જોડે સહમત નથી મિત્ર." સહજની વાત સામે વિરોધ નોંધાવતા એક વકીલ માફક દેવેને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો, "સ્ત્રીઓને જેટલું હું જાણું છું. એમને ભૌતિક કે શારીરિક સુખ નહીં, પુરુષના માનસિક સહવાસની ભૂખ હોય છે ! પતિનો ગુણવત્તાયુક્ત સમય, બે પ્રેમભર્યા શબ્દો, પોતાની સંબંધ નિષ્ઠા માટે પતિ તરફથી આભારપરાયણતા... બસ આટલુંજ એક પત્નીને ખુશ રાખવા પર્યાપ્ત હોય છે. એક સ્ત્રી દરેક કમી હસતા મોઢે સહી શકે પરંતુ ભાવનાઓની કંજુસાઈ એની સહનશક્તિને નબળી જરૂર કરી શકે. બાકી મહેલો અને કિંમતી ઘરેણાઓમાં શોભતી ઘણી સ્ત્રીઓ મને મળી ચૂકી છે."

સહજે પતિ તરીકેના પોતાના અભિપ્રાયો દલીલમાં ઉતાર્યા, "જ્યાં સુધી મારુ જ્ઞાન છે, સ્ત્રીઓને ખુશ રાખવું આ જગતનું સૌથી સરળ  કાર્ય ! અઠવાડિયાના છ દિવસ પોતાની મરજી માફક કોઈ પણ સ્થળે, કોઈની પણ જોડે પસાર કરોને અઠવાડિયાને અંતે એક કેન્ડલ લાઈટ ડિનરની લાંચ બધીજ ગેરહાજરીને ભુલાવી આપવા પર્યાપ્ત ! મિત્રો જોડે ગમે તેટલું રખડો, વર્ષમાં એક વાર ડાયમન્ડની રિંગ થમાવી દો, ને આખા વર્ષનો ખાલીપો પ્રેમથી સંપૂર્ણ ! બાળકોને ઘર ની જવાબદારી પ્રત્યે ભાવાત્મક નબળા થી જોડાયેલા એ અતિસંવેદનશીલ જીવ ને નિયઁત્રણમાં રાખવું એટલું મુશ્કેલ ક્યાં ? થોડા ટીવીના ચેનલો, એક રિમોટ કન્ટ્રોલને સુંદર મજાનું રસોડું વસાવીને આપી દો તો એજ નાનકડા વિસ્તારમાં પોતાનું આખું જીવન ખુશીખુશી ખર્ચી નાખે ! મહિનામાં એકાદવાર શોપિંગ મોલમાંથી મનપસંદ ખરીદી કરાવી આપોને બાકીના દિવસો શાંતિથી પસાર કરો. બિઝનેસ ટ્રીપને નામે લાંબીલચક રજાઓ ગાળોને એટલા દિવસો એના માતાપિતાને ત્યાં રહેવાની મજા માળવાનો અધિકાર આપવાની કૃપા વરસાવો !"

દેવેન પહોળી આંખે અને ખુલ્લા મોઢે સહજ ને  નિહાળી રહ્યો, "સ્ત્રીઓ પર પી.એચ.ડી . કરી છે કે શું ?"

ઓવરટાઈમ વચ્ચે મળતી તીસ મિનિટની બ્રેક માટેની એલાર્મ ગુંજી . દેવેન અને સહજની ચર્ચાને પણ બ્રેક લાગી. કેન્ટીનની દિશામાં ઉપડેલા કાર્યકરોની સાથે સહજના પગલાં પણ કેન્ટીન ભણી ઉપડ્યા .

"એક સેટિંગ છે. આવીશ મારી જોડે ?" પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં જોડાવા દેવેન લાલચભરી દ્રષ્ટિ એ સહજ ને આમંત્રણ આપી રહ્યો.

"તું નહીં સુધરીશ ને ?" સહજે દેવેનને મશ્કરીમાં એક લપડાક મારી.

"મીડ નાઈટ કોફી શોપ. પંદર મિનિટમાં આવી જઈશુ." પોતાની આંખોના ભવાં ઉપર ઉઠાવતા દેવેને સહજને મનાવવા પ્રયાસ કર્યો . 

"તું મારો જીવ છોડવાનો ખરો ?" દેવેનની જીદથી હાર માનતા સહજ કોફીશોપમાં આવવા રાજી થઇ ગયો.

મર્યાદિત સમયમાં પ્રેમની નવી મુલાકાતને નિપટાવી આવવા દેવેનની ગાડી સડસડાટ મીડ નાઈટ કોફી શોપ ઉપર પહોંચી. સહજે  મેન્યુમાંથી પોતાની ગમતી કોફી ઓર્ડર કરી. દેવેન કોફીશોપના પ્રવેશ વિસ્તારમાં રાહ તાકતો ઉભો રહ્યો. સહજની કોફી વેઈટરે ટેબલ પર ગોઠવી. ગરમાગરમ કોફીની સુગંધ માણતા સહજે પહેલી ચુસ્કી લેવા પ્રયાસ 

જ કર્યો કે, લેડીઝ ફ્રેશ રૂમ તરફથી એક સુંદર  સ્ત્રી બહાર નીકળી. કોફી ટેબલ ઉપર છોડી સહજ એ સ્ત્રી તરફ દોડ્યો.

"શાલિની તું અહીં ?"

સહજના વિસ્મય ભર્યા પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયાસ થાય એ પહેલાજ પાછળથી દેવેન અધીરાઈ પૂર્વક ધસી આવ્યો.

"આપ અહીં છો અને હું એન્ટ્રન્સ તરફ આપની રાહ જોઈ રહ્યો હતો. મીટ માઈ ફ્રેન્ડ સહજ."

સહજ બરફ સમો થીજી ગયો. સ્ત્રીના ચ્હેરા પરનાં ઉડી ગયેલા રંગો કરતા સહજના ચ્હેરા પર નો પરસેવો વધુ છોભીલો હતો. 

સામે ઉભેલી શાલિની પોતાની પત્ની છે એ કહી શકે ખરો ? દેવેનનો અભિપ્રાય જીવતોજાગતો પોતાની પત્નીના સ્વરૂપમાં એની દ્રષ્ટિ આગળ ઉભો એના અભિપ્રાયની મશ્કરી ઉડાવતો જાણે ચારેતરફ ગૂંજી રહ્યો હતો, "સ્ત્રી તો ફક્ત ભાવનાઓની ભૂખી !"

પણ આ અભિપ્રાયને સમજવામાં મોડા પડાયું હતું. પોતે સંબંધમાં કરેલી 'ભાવાત્મક કંજુસાઈ ' પોતાની પત્નીની સહનશીલતાને નબળી બનાવી ચૂકી હતી.


Rate this content
Log in