આરંભ અને અંત
આરંભ અને અંત
અત્યારે વૃદ્ધત્વના આરે આવીને ઊભેલા પ્રેરણા અને પ્રતિક એ દિવસો યાદ કરતાં હતાં. કેટકેટલા સપના જોયા હતા, સુંદર વનરાવનમાં હરિયાળી વચ્ચે લગ્નજીવન પછી જીવનસંસારનો પ્રારંભ કર્યો હતો ! તંદુરસ્ત શરીર સાથે હરિયાળીની આસપાસ સુખના દિવસોમાં આનંદના ગીતો ગાતા હતા અને કહેતા હતા કે આપણા સંતાનો કેવું સુખમય જીવન જીવશે, આપણે જે અહીં નાના નાના છોડ સાથે હરિયાળી ધરતી બનાવવાનો પ્રારંભ કર્યો છે એ સમય જતા કેટલી સરસ વનરાજી થઈ જશે, એ જમાનામાં પ્રેરણા અને પ્રતિક કેટલા સુખમય જીવનમાં રહેતા હતા, સવારના પહોરમાં હજી સૂરજ ઊગતો હોય અને પંખીઓ કલરવ કરતા હોય જાતજાતના પંખીઓ એમની રીતે સૂર રેલાવતા હોય અને એ વખતે એમ લાગે કે જાણેં સંગીતના બધા સાધનો સાથે આખો ઓર્કેસ્ટ્રા એમનું સંગીત વગાડે છે !
પ્રેરણા અને પ્રતીક બંને ડોક્ટર હતા અને શહેરથી થોડે જ દૂર ગામડામાં હરિયાળી વચ્ચે એક મકાન બનાવેલું અને ઘરથી થોડે જ દૂર હરિયાળીમાં જ ક્લિનિક બનાવ્યું હતું. એ લોકોને નક્કી હતું કે આ ગામડાથી શહેર તો 15 જ કિલોમીટર છે એટલે બાળકો ત્યાં ભણવા જઈ શકશે એટલે એમના શિક્ષણનો તો પ્રશ્ન નહિ જ આવે, એ ગામમાં એમની પ્રેક્ટિસ પણ સારી ચાલવા મંડી અને હરિયાળી પણ ખીલવા મંડી એ સાથે બે દીકરાઓ પણ જન્મ્યા ,એ બંને ધીરે ધીરે કુદરતના ખોળે મોટા થવા માંડ્યા, એ સમયમાં શહેરથી 15 જ કિલોમીટર દૂર કેટલા ઓછા પૈસામાં આટલી વિશાળ જમીન લીધેલી, ત્યાં રહેવાનું બાગ બગીચા તો ખરા જ પણ ખેતી પણ ખરી શાકભાજી અનાજ બધું વારાફરતી લેવાતું હતું. અને આ બાળકો પણ તંદુરસ્ત હતા. કારણ કે શુદ્ધ હવા પાણી ભરપૂર કુદરતી ઓક્સિજન અને કેમિકલ વગરના અનાજ પાણી કેવું સરસ ! પર્યાવરણની જાળવણી અને સ્વાસ્થ્યની પણ !
સમયને જતા ક્યાં સમય લાગે છે ? બાળકો મોટા થઈ ગયા એ બંને પણ ડોક્ટર થયા, માસ્ટર ડિગ્રી સાથે એટલે દવાખાના તો શહેરમાં જ કરે અને લગ્ન પણ ડોક્ટર કન્યા સાથે જ કર્યા અને શહેરમાં જ મોટા ફ્લેટ લઈ લીધા, હવે તો એવું થયું કે પ્રેરણા પ્રતીકની ઉંમર થઈ. હવે કામ થાય નહીં દીકરાઓ શહેરમાં અને આટલી જમીન, હરિયાળી અને ખેતી કેમ બધું સાચવવું અને દીકરાઓ પણ જોર કરતા હતા કે છોડો હવે ગામડું, અહીં આવતા રહો કારણ કે એ પણ હવે શહેરમાં ભળવા આવી ગયું, અને ભારે હૈયે બંને આવી ગયા શહરેના પ્રદુષિત વાતાવરણમાં.
થોડા જ સમયમાં બંને દીકરાઓએ ગામડાની એ વિશાળ જમીન વેચી નાંખી, કોઈ બિલ્ડરે લઈ લીધી અને એણે ધીરે ધીરે બધા વૃક્ષો એટલે કે લગભગ ચાલીસ વૃક્ષો ધરાશાયી કરી નાખ્યા અને ખેતરો ઉજ્જડ કરી નાખ્યા જે વિસ્તાર હરિયાળીની વચ્ચે ઢંકાયેલો હતો એ જમીન પર પહેલી વાર સૂરજના કિરણો પથરાયા -- હરિયાળી અને પર્યાવરણનો અંત આવ્યો ત્યાં મકાનો બની ગયા થોડે દૂર ઈંડસ્ટ્રીઝ નંખાયી અને ત્યાંની સુખાકારી અને સ્વાસ્થ્યનો અંત આવ્યા એટલું જ વરસાદ વાવાઝોડા અને ભૂકંપમાં તારાજી થઈ, જે જગ્યામાં સુખ શાંતિ સ્વાસ્થ્ય, પર્યાવરણ કુદરતી ઓક્સિજનનો પ્રારંભ થયો હતો ત્યાં જ એ બધાનો અંત થયો........
જે સુખાકારીનો પ્રતિક અને પ્રેરણાએ આરંભ કર્યો હતો એનો એમની નજર સામે જ અંત થતો જોઈને એમનું હૃદય દ્રવી ઊઠ્યું. અને હૈયું પોકારી ઉઠ્યું કે આજ આપણો આરંભ હતો ! જે અંત ભણી બધાને ખેંચી ગયો !
આ જમાનામાં હજી ઘણા નહીં સમજે તો પર્યાવરણ નહીં બચે અને જીવનનો અંત ઓછી ઉંમરે આવશે. માટે આજે જ આરંભ કરો ને પર્યાવરણ બચાવવા એક બનો.
