Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

આખરી સંભારણું

આખરી સંભારણું

3 mins
231


બહાર વાગતો ડોરબેલ સાંભળીને નિરુપમાએ પોતાનું પંચોતેર વર્ષનું નિરુત્સાહી અને નિસ્તેજ થઈ ગયેલું મન અને શરીર પરાણે ઊભું કર્યું અને ઘસડાતું ઘરના મુખ્ય દ્વાર તરફ વાળ્યું. દરવાજાની બહાર કુરિયરવાળો હતો. બારણું ખૂલતાં જ એણે નિરુપમાના હાથમાં એક પાર્સલ પકડાવ્યું અને કાગળ પર એની સહી લઈને ત્યાંથી રવાના થઈ ગયો. નિરુપમા એ પોતાની કૌતુકભરી દ્રષ્ટિએ પાર્સલ પર નાંખી જેમાં મોકલનારનું નામ રેણુકા અને સરનામાની નીચે પુના વાંચીને એ સ્તબ્ધ થઈ ગઈ. ગઈકાલે રાત્રે જેના દેહાંતના સમાચાર સાંભળીને નિરુપમા હજી માનસિક આઘાતમાં જ હતી, એ જ એની નાની બહેન તરફથી આવેલું પાર્સલ જોઈને એ અચંબો પામી ગઈ. બે દિવસ પહેલા પુનાથી રવાના થયેલું પાર્સલ, વચ્ચે રજાઓ આવતા આજે સુરત પહોંચ્યું હતું. કોરોનાના ચાલતા જે નાની બહેનને છેલ્લા એક વર્ષથી મળી નહોતી શકી અને છેલ્લે એના અંતિમ દર્શન પણ ના કરી શકી એ બહેને આ દુનિયા છોડતા પહેલા શું મોકલાવ્યું હશે ? એને ફટાફટ કાંપતા હાથો વડે પાર્સલ ખોલવા માંડ્યું. હૃદયના ધબકારા થોડા તેજ થઈ ગયા. ઉતાવળે ખોલેલા કવરમાંથી એક થેલી બહાર કાઢી અને એની અંદર જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ. પોતાને ફાળવેલા કામ ને ક્યારેય પેન્ડિંગ ન રાખી અને એને સમયસર પૂર્ણ કરવાની રેણુકાની ટેવ અંતિમ શ્વાસ સુધી અતૂટ રહી, એમ વિચારતા નિરુપમા ભાવનાશીલ થઈ ગઈ.

છેલ્લે કેટલાક વર્ષો થી રેણુકા પોતાના ફેફસા અમુક ટકા નિષ્ક્રિય થઈ જવાના કારણે શરીરથી થોડી અશક્ત થઈ ગઈ હતી પણ એનુંં મનોબળ કોઈપણ યુવાન વ્યક્તિનેે શરમાવે એવું મજબૂત હતું. પોતાનામાં રહેલી અદભુત સર્જનાત્મક શક્તિ અનેેે હાથોના હુન્નરના જાદુથી જાતજાતની કલાકૃતિ ને આકાર આપવામાંં નિપૂણ રેણુકા હંમેશા કહેતી કે પૂજા કરવી અથવા ધ્યાન ધરવું એટલે માત્ર ભગવાનનું નામ લેવું એવું જ નહીં, પણ ભગવાને તમનેે બક્ષેલી ભેટ-સોગાદો બીજાની સેવામાં ખુલ્લા દિલથી વેરવી એ પણ એક ભક્તિ અનેેે ધ્યાનનો જ પ્રકાર છે. પોતાના છેલ્લા શ્વાસ સુધી ભરપૂર જીવન જીવી, બીજા પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ રાખવો અને બીજાને કામમાં આવવું એ જ એનો જીવનમંત્ર હતો. અને એટલે જ તો એ હંમેશા પોતાની શારીરિક તકલીફની વિસરીને પોતાની કલામાંં પરોવાયેલી રહેતી,બીલકુલ ધ્યાનમગ્ન થઈને જ ! અને એનું એ જ વલણ એને જીવન જીવવાનું બળ પૂરું પાડતું. રેણુકા જ્યારે પણ કોઈ ને મળતી ત્યારે પોતાના હાથે, મશીન અથવા અંકોડીની મદદથી બનાવેલ વિવિધ આકર્ષક વસ્તુઓ પોતાના સંભારણા રૂપે ભેટમાં આપતી. અન્ય તરફ પોતાનો પ્રેમ દર્શાવવાની એની આ અનોખી શૈલીના કારણે એ સૌના હૃદયમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લેતી. એ જ્યારે છેલ્લે નિરુપમા ને મળી ત્યારે નિરુપમા એ એને પોતાની મા તરફથી મળેલી સિલ્કની સાડી બતાવી જે એને ખૂબ જ પ્રિય હતી. પોતાની મા ના સંભારણા રૂપે સાચવી રાખેલી એ સિલ્કની સાડી સમય જતા અમુક જગ્યાએથી ફસકી ગઈ હતી અનેે પહેરવા યોગ્ય રહી ન હતી. પરંતુ એની ચારે કોર લગાવેલ સુંદર બોર્ડરની ચમક અકબંધ હતી. રેણુકા એ કહ્યું કે મા તરફથી તને મળેલ આ અનમોલ ભેટ ને હું મારી કરામતથી એક નવો આકાર આપીશ અનેે પછી તને પરત કરીશ.

પછી સમય જતા વિશ્વવ્યાપી કોરોનાની મહામારી ને કારણે બંને બહેનો લાંબા સમય સુધી મળી ના શકી. અને એ દરમિયાન રેણુકાની તબિયત થોડી વધુ નાજુક થઈ જવાને કારણે એ વધુ વાતો નહોતી કરી શકતી પરંતુ બંને વચ્ચે ફોન પર ક્યારેક સંવાદ થતો. પરંતુ ગઈકાલે રાત્રે અચાનક જ એના દેહાંતના સમાચાર એ નિરુપમાને હચમચાવી દીધી. એણેે પાર્સલમાં આવેલી થેલીમાંથી રેણુકાના આખરી સંભારણા રૂપે મોકલાવેલ સુંદર કુશન કવર બહાર કાઢ્યા. નિરુપમાની મા ના સંભારણા રૂપે સાચવી રાખેલી સાડીની બોર્ડર સુંદર કુશન કવર નો આકાર લઈ ચૂકી હતી. એમાં હવે મા ની સાથે એની નાની બેન રેણુકાની સ્મૃતિનો પણ સમાવેશ થઈ ચૂક્યો હતો. એણે હળવેથી કુશન કવર ને સ્પર્શ કર્યો અનેેે એના રોમરોમમાં રેણુકાના અસ્તિત્વની અનુભૂતિ થઈ. એમાંથી રેણુકાનો ચહેરો સ્મિત સાથે ડોકિયું કરી રહ્યો હતો અને જાણે એને કહી રહ્યો હતો કે મૃત્યુ તો દરેકના જીવનમાં એક અનિશ્ચિત છતાં પણ અનિવાર્ય ઘટના છે પણ એના આવતા પહેલા કેમ ન જરા જીવી લઈએ ?!


Rate this content
Log in