આઈ જેવી લાગે છે
આઈ જેવી લાગે છે
દરિયાનું એક ઊછળતું મોજું આવ્યું. મને ભીની કરીને જતું રહ્યું. બધાની સાથે મેં પણ આનંદની કીકીયારી પાડી. ફરી ધસમસતું, ફીણવાળું, ચીસ પાડતું મોજુ આવ્યું. મેં પાછળ ફરીને જોયું. ઝડપથી દોડવા માંડી..કિનારા સુધી ! પણ એ તોફાની મોજાએ મને સાંગોપાંગ ભીંજવી નાખી અને પાણી પાછું ચાલ્યું ગયું.
રેતાળ જમીનમાં મારા પગ ઊંડા ઉતરતા હોય કે ધસતા હોય તેવું લાગ્યું.માંડ માંડ કિનારે પહોંચી. એક "કરચલો "જીવતો-જાગતો..મોટો..મારા પગ પર!
"ઉદય..ઉદય.."જોરથી ચીસ પાડી.આંખ અને કાન બંધ કરી ફરી ચીસ પાડી.
"ઉદય, જો આ..."
એક હળવું મોજું આવ્યું..કિનારા સુધી! કરચલાને પોતાનામાં સમાવી જતું રહ્યું. મારો હાથ છાતી પર મુકાઈ ગયો.ધક..ધક..ધક..! ધીરે ધીરે સ્વસ્થ થઈ પણ મેં આ શું કર્યું ?ઉદયના નામની બૂમ પાડી ? દૂર કિનારે ઊભી રહી, વિશાળ દરિયાને આકાશ સાથે હસ્તધૂનન કરતા જોઈ રહી. રેડિયા પર એક ગીત વાગી રહ્યું હતું.
"કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુવા જબ કોઈ છોડ દે. તબ તુમ મેરે પાસ આના પ્રિયે.. મેરા ઘર ખુલા હે..ખુલા હી રહેગા.."
મુકેશજીના દર્દ ભર્યા ગીતે છિન્નભિન્ન કરી નાખી. વિશાળ દરિયો બાંહો ફેલાવી આ ગીત ગાઈ રહ્યો હોય!
"ના..ના.."
"તો શું ઉદય છે ?"
"મારા એવા નસીબ ક્યાં? "
મને, મને ધારદાર પ્રશ્ન પૂછી લીધો. એક મોટો નિસાસો નાખી ધીમા પગલાં ભરતી પાર્કિંગ તરફ ગઈ. ગાડી ધીમે ધીમે બહાર કાઢી. ત્યાં તો એક નાનો શો બાળક હાથોમાં ગજરો લઈને ઉભો હતો.
"આઈ 10 રૂપિયામાં.. ખાલી 10 રૂપિયામાં.."
મસ્ત બાળક હતો. ઘુંઘરિયા વાળ,"આઈ"બોલતા તો ગાલમાં ખંજન પડતા હતા. મોટી મોટી આંખો. મેં તેના ગાલ પર ટપલી મારી.
"તારું નામ શું છે ?"
"મુન્નો.'
"હં તો મુન્ના તું ભણતો નથી અને ગજરા વેચે છે ?"
"મૌન" તેણે જવાબ નહી આપ્યો. પણ તેની મૌન આંખો ઘણું બધું કહેતી હતી. પર્સમાંથી દસ રૂપિયા કાઢી, તેને આપ્યા. તેણે ગજરો આપ્યો.
"આઈ તમે બહુ સુંદર છો." થોડુંક મિક્સ ગુજરાતી બોલ્યો.પણ મને ખૂબ ગમ્યું. તેના દેખતા જ ગજરો માથામાં નાખ્યો. અને આંખથી પૂછ્યું.
તેણે બોલવાને બદલે એકીટશે જોયા કર્યું.
"મુન્ના..મુન્ના.." મેં ફરી ટપલી મારી.
"આઈ જેવી લાગે છે "..ડબક..ડબક..એની આંખમાંથી આંસુ સરી પડ્યા.
મેં પણ આ ગાડી ભગાવી મુકી. ઝડપથી... હું ક્યાં જાઉં છું! તેનું પણ ભાન નહીં રહ્યું. "આઈ જેવી લાગે છે".. શબ્દો મારા માથામાં હથોડાની માફક વાગવા લાગ્યા. આખરે એક ઝાડ સાથે અથડાઇને ગાડી ઊભી રહી. પણ મારો આત્મા.. મારા સુના પેટ પર ફરતા મારા હાથને ?
"આવી રીતે ગાડી ચલાવાય ? તને ખબર છે ગાડીને કેટલું નુકસાન થયું ?"ઉદય બોલતો હતો અને હું હોસ્પિટલના બિછાને પડેલી ચૂપચાપ તેને સાંભળતી રહી.
"પૈસા ઝાડ ઉપર ઉગે છે ને ? એને ક્યાં કમાવા જવું પડે છે ? મારો દીકરો કમાઈને આપે અને આ વાંઝીયણ ચારે ય હાથે.. છૂટા હાથે વાપરે." મારા સાસુમાં ગુસ્સામાં બોલ્યા.
હું ચૂપચાપ સાંભળતી રહી. પણ.. પણ.. મને કોઈએ નહીં પૂછ્યું કે "આ એકસીડન્ટ કઈ રીતે થયો ?"
મને પોતાને આશ્ચર્ય થયું કે હું કઈ રીતે બચી ?
"આઈ જેવી લાગે છે." શબ્દો ફરી સંભળાયા અને હું નિંદ્રામાં સરી પડી.
ખૂબ જ ઝડપથી સારી થઈ ગઈ. હું મારું ઘર "અમીકુંજ"માં આવી ગઈ. બધું બરાબર જ હતું. મારા બાળકો જેવા ફુલછોડ, મારી" મીની"બિલાડી, મારો 'બૂઝો" મારો કૂતરો અને ચકલા ચકલી, કબૂતર, કાબર જેને દરરોજ ચણ નાંખતી હતી.જે હવે મને ઓળખી ગયા હતા. એ બધા એ મારું સ્વાગત તેમના કલબલાટથી કરી દીધું. પગ પાસે મિનિ ફરવા માંડી.હિચકે બેઠી તો કૂદકો મારી મારા ખોળામાં બેસી ગઈ.. આંખ બંધ કરી! તેનો ગરમાટો મારા પેટ પર ફરવા લાગ્યો. મિનિએ આંખ ખોલી, મારી સામે જોયું અને તરત જ આંખ બંધ કરી, મારા ખોળામાં જોરથી મોઢું સંતાડી સુઈ ગઈ.
"આઈ જેવી લાગે છે" ફરી શબ્દો યાદ આવી ગયા.
"તને ખૂબ વાગ્યું તો નથી ને ?" ઉદય આવી ગયા.
જે પ્રેમ બધાના દેખતા બતાવી શકતા ન હતા.એ પ્રેમ વરસાવવા આવી ગયા. હીચકા પર મારી બાજુમાં બેસી ગયા. તેની છાતીમાં માથું મૂકી, શાંતિથી બધી જ વાત મેં કરી.
"આઈ જેવી લાગે છે શબ્દો 'હજી મારા લોહીમાં ભળી, આખા શરીરમાં પરિભ્રમણ કરે છે.ઉદય".
"જે પણ કંઈ નિર્ણય લીધો, તે તારી સંમતિથી લીધો છે. તે તારી રાજીખુશીથી હા પાડી છે.. અમી! અને મારા અને માયાના બાળકોની પહેલીમાં તો તું જ છે અને રહીશ."
"હા.ઉદય તારા બીજા લગ્નમાં મારી પૂરી સંમતિ હતી અને હવે તો તારે બારણે જોડિયા બાળકોનો કિલકિલાટ છે."
"પણ તું એકલી છે નહીં ? તને એકલતા કોરી ખાતી હશે ? અહીં અમીકુંજમા..તુ સાવ..?"
"પણ" ઉદય બોલે તે પહેલા મેં તેના હોઠ પર હાથ મૂકી દીધો.
"હું ખુશ છું."
"હું તને બાળક ના આપી શકી, પણ તારી બીજી પત્ની માયાએ તો જોડીયા બાળક આપીને સુનું ઘર કિલ્લોલ કરતું કરી દીધું... નહીં ?"
"મમ્મી બોલે તો ખોટું ના લગાડીશ." ઉદયે મારા વાળમાં હાથ પ્રસરાવતા પ્રસરાવતા કપાળે ચૂમી ભરી.
"મારું કામ હોય તો ફોન કરજે."
"કામ વગર ફોન ન કરી શકું ? ઉદય બોલ ને ?" હું હસી પડી.
પણ ઉદય ગંભીર થઈ ગયો.
***
થોડા બિસ્કીટ, થોડી ચોકલેટ, થોડાક નવા કપડાં લઈ, દરિયા કિનારે આવી. મુન્નાની રાહ જોવા લાગી. કોઈ દેખાયું નહીં. આમ તેમ જોયું. દુર દુર.. દરિયાના ઉછળતા મોજા આકાશને આંબવા ઈચ્છતા હતા. ચંપલ કાઢી.રેતીમાં ચાલવાનો આનંદ લેવા લાગી. બે ત્રણ બાળકો લઘરવઘર કપડાં, વિખરાયેલા વાળ, ટપકતા નાક, મારી સામે આશાભરી આંખે જોતા હતા.
મેં નજીક બોલાવ્યા.
"શું છે?"
ડોકુ નકારમાં ધૂણાવી, દોડી ગયા શરમાઈને! છુપાઈ ગયા. ઝાડ પાછળ. મેં પણ ફરી શોધી કાઢ્યા. રમી.. બાળકો સાથે સંતાકૂકડી રમી!
અચાનક મેં પૂછ્યું." મુન્નો ક્યાં છે?"
એક બાળકે સામેથી મને પૂછ્યું."આઈ ?.. મુન્નાની આઈ ?"
હું શું જવાબ આપું?
હા..કે.. ના..?
**
આખાયે દેશમાં હાહાકાર હતો. ટીવી પર દરેક ચેનલવાળા એક જ સમાચાર બતાવી રહ્યા હતા.
"પોતાનો જાન જોખમમાં મુકી, વાયુદળ, હવાઇદળ અને નૌકાદળના 3 સૈનિકો, આતંકવાદીઓ પર હુમલો કરી તેમનો કેમ્પ નેસ્તનાબૂદ કરી, ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવીને પાછા લાવ્યા."
"વાત જાણે એમ હતી કે કચ્છના રણ પાસે આવેલ બોર્ડર પર રહેતા ભારતીય નાગરિકોને બળજબરીથી ઉઠાવી જઈ દુશ્મન દેશે ફરી એકવાર ગોળીબાર ચાલુ કર્યા હતા. સમુદ્રમાં જતાં માછીમારોને પણ ભારતની હદમાં આવી ઉપાડી ગયા હતા અને આ અમાનવીય કૃત્ય માટે દુશ્મન દેશમાં રહેતાં આતંકવાદીઓએ જવાબદારી લીધી હતી."
"પોતાના વતન કચ્છમાં મા-બાપને મળવા ગયેલા ત્રણ જવાનો રજા પર હતા. આ દરમિયાન આ ઘટના ઘટતા તેમણે સરકારી મંજૂરી અને મદદ લઇ દુશ્મન દેશના સહારે જીવતાં, આતંકવાદીઓ પર હુમલો કર્યો અને માછીમારો તથા બોર્ડર પર રહેતા નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી પાછા લાવ્યા. આ સનસનાટીભરી ઘટનામાં ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ભારત તેમના તથા ત્રણેય સૈનિકો જલ્દી સારા થઈ જવાની પ્રાર્થના કરે રહ્યું છે." આ ત્રણ બહાદુર સૈનિકોના નામ છે. "અજય અમી " "સુજય અમી"" વિજય અમી"
ટીવીની સ્વીચ બંધ કરી. 'મા આશાપુરાના' મંદિરે દોડી ગઈ.
"માં તારા જ પુત્રો છે. તેની રક્ષા કરજે."કહેતા દડ.. દડ..આંસુથી પાલવ ભીંજાઈ ગયો.
"આ પેલા ત્રણેય બહાદુર સૈનિકોની માતા છે." ગણગણાટ થવા લાગ્યો. બધા અમી સામે અહોભાવથી જોવા લાગ્યા.
"અમી ચાલો હવે." ઉદય હાથ પકડી બહાર ગાડીમાં લઈ ગયા. સાંજ સુધીમાં તો ઘર સગાવહાલા અને શુભેચ્છકોથી ભરાઈ ગયું. તેમની વીરતા બદલ તેમને વીર ચક્ર આપવાનું પણ જાહેર થઈ ગયું.
***
એવોર્ડ સમારંભ ચાલુ થયો. તેમના નામ જાહેર થયા. ત્રણેય ભાઈઓ એક સાથે એક જ સ્ટેજ ઉપર ઊભા રહ્યા. તેમણે એવોર્ડ આપવાવાળા ભાઈને કંઈક વિનંતી કરી. મારું હૃદય ધક..ધક. થવા લાગ્યું. એક બાજુ માયાનો હાથ, બીજી બાજુ ઉદયનો હાથ, જોરથી પકડી ! તો પણ હું ધ્રૃજવા લાગી.
"આઈ.. આઈ..આઈ.." મારા બાળકોએ મને ફરી બૂમ પાડી.
"આઈ.. સ્ટેજ ઉપર આવો."
ઉદય મને હાથ પકડીને સ્ટેજ ઉપર લઈ ગયા. ત્રણેય બાળકોને એવોર્ડ મારા હાથે અપાયો. પણ હું રડી પડી. હર્ષના આંસુ કે ભૂતકાળના વાંઝીયાપણાના મેહણાની પીડા આંસુમાં વહી ગઈ. દરિયાકિનારેનો મુન્નો અને તેના બે સાથી બાળકોએ મારું મહેણું ભાંગી નાખ્યું.
"હવે હું ગર્વથી કહુ છું હું મુન્નાની આઈ છું.સાથે અજય અને સુજયની પણ આઈ છું." પણ આભાર ઉદયનો કેમ ન ભૂલુ ? તેણે તો દરેક ડગલે પગલે સહકાર આપ્યો.
આજે જ્યારે મુન્નો પગે લાગ્યો અને મને એક ગજરો પહેરાવ્યો ત્યારે ફરી રદયમાં થડકાર થયો. એક અવાજ મસ્તિકમાં ગુંજી ઉઠ્યો." આઈ જેવી લાગે છે."
મેં સંતોષથી આંખ બંધ કરી.આંસુઓને છૂટો દોર આપી દીધો. ધીરે રહીને એક સાથે ત્રણ અવાજ આવ્યા."આઈ..માઝી આઈ.."
હું એક સાથે ત્રણ બાળકોમાં સમાઈ ગઈ. ઉલ્લાસથી.. આનંદથી.. ગર્વથી.
