આગળ સુખ તો પાછળ દુઃખ છે
આગળ સુખ તો પાછળ દુઃખ છે
પુરપાટ દોડતી સ્કોર્પિયો ગાડીની વચ્ચેની સીટમાં કણસતા ચહેરા સાથે બેઠેલી વ્યક્તિ ગાડી હજી વધારે ઉતાવળી ચલાવવાનું કહેતી હતી. ડ્રાઈવર મુંજેસ યુવાન અને અનુભવી હતો, રાણાની વાત ઉપર ઓછું ધ્યાન અને ગાડી ચલાવવામાં એનું ધ્યાન વધારે હતું.
રાણાને આજે જમણા હાથે ખેતરમાં કામ કરતી વખતે વીંછી કરડી ગયો હતો એટલે એ કણસી રહ્યો હતો.એ વારે વારે કહેતો હતો કે ગાડી હજી વધારે ચડાવ. અમારી કાંઠાની ભાષામાં ગાડી ચડાવવી એટલે કે ખુબ સ્પીડમાં ચલાવવી.
રાણો અચાનક રાડ નાખીને બોલી ઉઠ્યો : 'મુંજેસ તું ગાડી ચડાવ મને વીંછી ચડી ર
હ્યો છે.
મુંજેસ બોલ્યો : 'રાણા આ સ્કોર્પિયો છે , બહુ ચડે..!'
મુંજેસ મને કરડ્યો એ પણ સ્કોર્પિયોજ છે, એ પણ ખુબ ચડે છે. એવું રાણો દર્દ ભર્યા અવાજે બોલ્યો.
જ્યારે સાત મહિના પહેલાં રાણો આ નવો સ્કોર્પિયો લઈને એના ગામથી બીજા ગામ જતો ત્યારે લોકો ચાર આંખો કરીને જોઈ રહેતા. મધુર ગીતો વગાડતો ધીમી ગતિએ ગાડી ચલાવતો તો પણ લોકોને એ અભિમાની લાગતો. આજે રાણાને ખુબ સ્પીડમાં ચાલતા સ્કોર્પિયો કરતાં હાથે કરડેલો સ્કોર્પિયો {વીંછી} વધારે સ્પીડમાં ચડતો હોય એમ લાગતો હતો.