Kaushik Dave

Others

4  

Kaushik Dave

Others

આદિવાસી વીર સંત-ગોવિંદ ગુરુ

આદિવાસી વીર સંત-ગોવિંદ ગુરુ

4 mins
418


મિત્રો, આપણા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે એ બધાને ખબર નહીં હોય.

આ યુનિવર્સિટીનું નામ પંચમહાલના માનગઢના ગોવિંદ ગુરુના નામે પાડવામાં આવેલું છે. શ્રી ગોવિંદ ગુરુ આદિવાસીઓનાં મસિહા હતા. તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની હતા. આપણા દેશવાસીઓ અને ગુજરાતનું દુર્ભાગ્ય છે કે ગોવિંદ ગુરુ વિશે બહુ ઓછાને ખબર છે.

હું પંચમહાલનો વતની હોવા છતાં તેમજ છ વર્ષ ગોધરા રહ્યો હોવા છતાં પણ મને ખબર નહોતી.

ચાલો આપણે એમના વિશે વધુ જાણીએ.

૧૭ નવેમ્બર ૧૯૧૩ના દિવસે માનગઢના પહાડી વિસ્તારમાં આદિવાસીઓ એકત્રિત થયા હતા. નજીકમાં શંકર ભગવાનનું જુનું શિવાલય હતું. જુદા જુદા વનવિસ્તારના આદિવાસીઓ ધીરે ધીરે આવી ગયા હતા.

થોડીવારમાં એક આદિવાસી આગેવાન ઊભો થયો.

બોલ્યો:-" મારા વનવાસી બંધુઓ, આપણે કેમ ભેગા થયા છીએ એ ઘણાને ખબર હશે. ઘણાને ખબર નહીં હોય. તો હું આપણા વનવાસીઓને કહેવા માગું છું કે ઘણા સમયથી આપણી આદિવાસી સભ્યતા અને સ્વતંત્રતાને હાની પહોંચાડવામાં આવી રહી છે. આ વિશે વધુ આપણા શ્રી ગોવિંદ ગુરુ આપણને કહેશે. તેમજ આપણે એ માટે શું કરવું જોઈએ એ તમને જણાવશે. એ પહેલા આપણા માનગઢ વન્યજીવનને સુરક્ષિત કરવા જેમણે ખૂબ પ્રયત્નો કર્યા છે એવા આપણા ઉંમરલાયક મુખિયા આપણને કંઈક કહેવા માંગે છે. "

આદિવાસીઓમાં ઘણો ઉત્સાહ હતો. ધીમો ધીમો ગણગણાટ થતો હતો.

માનગઢ વન્ય વિસ્તારના આદિવાસી મુખિયા ઊભા થયા.

બોલ્યા:- દેવી માતાની જય સાથે હું આ વન વિભાગનો આદિવાસી મુખિયા તમને ગોવિંદ ગુરુ વિશે કંઈક કહેવાનો છું. ગોવિંદ ગુરુ આપણા આદિવાસીઓ તેમજ વન્ય જીવો માટે ઘણું કામ કરી રહ્યા છે. ઘણા તેઓને કદાચ જાણતા પણ નહીં હોય. વાગડ વિસ્તારના આદિવાસી વનબંધુઓ પણ જાણતા નહીં હોય. અહીં દૂર દૂર બાસવાડા, ડુંગરપુર, ઝાબુઆ તેમજ ઝાલોદ, દોહદના બંધુઓ આવેલા છે. ગુરુ ગોવિંદનો જન્મ આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં રાજસ્થાનના ડુંગરપુરના વેદસા ગામે થયો હતો. તેઓને કોઈ અક્ષરજ્ઞાન નહોતું.

એકવીસ વર્ષની ઉંમરે વૈરાગ્ય જીવન જીવવા માંગતા હતા. તેઓ ઉદેપુરમાં દયાનંદ સરસ્વતીને મળ્યા હતા. ત્યારથી એમનું જીવન બદલાઈ ગયું હતું. છપ્પનિયા દુકાળ વખતે તેઓ સંતરામપુર સ્ટેટ્સમાં આવ્યા હતા. આ દુકાળમાં તેઓએ એમની પત્ની અને ત્રણ બાળકો ગુમાવી દીધા હતા. પછી તેઓએ જીવનનો નવો માર્ગ પસંદ કર્યો.

દુષ્કાળનાં ખપ્પરમાં હોમાતા અને અનેક સામાજિક - ધાર્મિક દૂષણોમાં સબડતા ભીલો માટે સંવેદના જાગી અને પરિણામે મહાન સમાજ સુધારણા પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. એવા આપણા ભીલોના ગુરુ ગોવિંદ ગુરુ પાસેથી કંઈક જ્ઞાન મેળવીએ. "

થોડીવારમાં ગોવિંદ ગુરુ ઊભા થયા. પોતાનો હાથ હવામાં ફેલાવીને અભિવાદન કર્યું.

બોલ્યા:-" મારા વનબંધુઓ, આપણે અહીં કેમ ભેગા થયા છીએ એ જણાવું. મારા વન્યભેરૂઓની સામાજિક-આર્થિક-રાજકિય સ્થિતિ જોયા પછી તેઓ સામે સમાજસુધારણા ચળવળનો આદર્શ રજૂ કર્યો હતો જેમાં એકેશ્વરવાદનું પાલન, શારિરીક સ્વચ્છતા, દારૂ-માંસાહાર નિષેધ, ખૂન-લૂંટફાટ ન કરવા વગેરે ઉપદેશો મુખ્ય હતાં. તેનો સુવ્યવસ્થિતપણે પ્રચાર કરવા માટે સંપસભા નામના સંગઠનની 1905માં સ્થાપના કરી હતી. તેના તેજાં હેઠળ ઘૂણીઓની સ્થાપના કરવામાં આવી. આપણી વન્યજીવનની સુરક્ષા કરવી એ આપણી ફરજ છે. આપણા વિસ્તારમાં ગોરા વિદેશીઓ વારંવાર આવીને બીનજરૂરી શિકાર તેમજ અન્ય હાનિકારક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આપણી ફરજો છે કે આ ગોરા વિદેશીઓનો સામનો કરીને આપણી પરંપરાને જાળવી રાખવી. . પણ એ માટે પહેલા આપણે પ્રતિજ્ઞા લેવી પડશે કે. . મદિરા ના લેવી. ચોરી ના કરશો. વ્યભિચારી ના બનશો. સ્વદેશી વસ્તુ વાપરજો. . . ભારત માતા કી જય !"

આટલું બોલે છે ત્યાં અવાજ સંભળાયો.

'ખબડદાડ. . . કોઈ હીલા તો'

બધાની નજર અવાજ આવતો હતો એ દિશામાં ગયો.

એક ગોરો કેટલાક બંદૂકધારી સૈનિકો સાથે ઊભો હતો.

એના હાથમાં પતરાનું લાંબુ ભૂંગળું હતું. એમાં એ બોલતો હતો.

'ખબડદાડ. . બ્રીટીશ શાસનકો માલુમ હુઆ હૈ કિ ગોવિંદ સબ આદિવાસીઓ કો ભડકા રહા હૈ. મૈં ગોવિંદ ઔર ઉનકે સાથીઓ કો આત્મસમર્પણ કરને કો કહેતા હું. નહીં તો અંજામ અચ્છા નહીં હોગા. મૈં હડસન બ્રીટીશ અધિકારી હૂં. '

આ જોઈ ને કેટલાક આદિવાસીઓ પોતાના ભાલા અને તીર સાથે ઊભા થયા. કેટલાક ગભરાઈ ગયા હતા. નજર કરી તો ગોરા સૈનિકોની ટુકડીએ ચારેબાજુથી ઘેરી લીધા હતા.

હો્. . . હો્. . હો. . . અવાજો કરતા આદિવાસીઓ આઘાપાછા થવા લાગ્યા.

ગોવિંદ ગુરુ તેમજ અન્ય સાથીઓ શાંત રાખવા કોશિશ કરવા લાગ્યા.

ગોવિંદ ગુરુને લાગ્યું કે નિર્દોષ વનબંધુઓને હાનિ થશે. . એટલે એમણે ગોરા અધિકારી પાસે જવા પ્રયાસ કર્યો.

પણ ગભરાયેલા આદિવાસીઓના અવાજ અને ટોળાના લીધે ગોવિંદ ગુરુનો આવાજ પહોંચી શક્યો નહીં.

ગોરા અધિકારીનો આવાજ સંભળાયો.

' ફાયર'

એ સાથે અંધાધૂંધી ગોળીબારો શરૂ થયા. આદિવાસીઓમાં ભાગદોડ થઈ ગઈ. કેટલાક કચડાયા, ‌કેટલાક મરી ગયા. કેટલાક ઘવાયા.

ગોવિંદ ગુરુ એ ગોળીબાર રોકવા પ્રયત્નો કર્યા.

પણ ત્યાં સુધી દુનિયાનો ખતરનાક હત્યાકાંડ થઈ ગયો હતો.

આ હત્યાકાંડમાં ૧૫૦૦ થી વધુ આદિવાસી સ્ત્રીપુરુષોની લાશો ઢળી. ગોવિંદ ગુરુ અને તેના સાથીની ધરપકડ થઈ. કોર્ટે ફાંસીની સજા ફરમાવી. પછી સરકારને લાગ્યું કે આને ફાંસી આપીશું તો ૧૮૫૭ જેવો વિપ્લવ ફાટી નીકળશે એટલે સજા ફેરવી. સાબરમતી જેલવાસી ગુરુ ગોવિંદ છૂટ્યા ત્યારે માનગઢમાં પ્રવેશવાની મનાઈ હતી. ઠક્કરબાપા તે સમયે પંચમહાલના ભીલોની વચ્ચે સેવા કાર્ય કરી રહ્યા હતા. તેમને મળ્યા. થોડો સમય સાથે રહ્યા. પછી કંબોઈધામ જઈને સ્થાયી થયા.

ભારતના કે દુનિયાના કોઈ ઈતિહાસકારો એ આ જધન્ય હત્યાકાંડ વિશે લખ્યું નથી. જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડ કરતા પણ વધુ લોકોની લાશો ઢળી હતી.

ગોવિંદ ગુરુએ અંતિમ દિવસો કંબોઈ ધામમાં પસાર કર્યા હતા.

તેઓની આ પ્રવૃત્તિઓ સમગ્ર ‘ભગત ચળવળ’ કે ‘ભગત સંપ્રદાય’ તરીકે પ્રચલિત બની હતી. આ કારણે તેમના આદિવાસી અનુયાયીઓ ભગત તરીકે પ્રસિધ્ધિ પામ્યા હતાં. તેઓ કેસરી સાફો, રૂદ્રાક્ષની માળા પહેરતા અને હાથમાં ચીપિયો રાખતા હતા.

આવી કેટલીય કહાનીઓ ગુજરાતની હશે. . જેની કદાચ આપણને ખબર પણ નહીં હોય.

ચાલો આપણે ગોવિંદ ગુરુને અને નિર્દોષ માર્યા ગયેલા આદિવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ. ઓમ્ શાંતિ.


Rate this content
Log in