આબરુ
આબરુ




ભવ્ય ભુતકાળને પેટાળમાં સાચવીને બેઠેલી એ રજવાડી હવેલીના આરસપહાણના ઓટલે બેઠેલાં હજુ પણ એટલાંજ ભવ્ય લાગતાં બાસાહેબના માથામાં તેલચંપી કરી રહેલી કાશી ફરી એજ વાત મરી મસાલા ભભરાવીને બાસાહેબના કાનમાં રેડી રહી હતી.
“બા સાહેબ, નાના મોઢે મોટી વાત કરું તો માફી પણ ભાભીસાહેબના પગલાં આડાં ફંટાયા હોય એવાં એંધાણ તો ધણા સમયથી જણાતાં હતાં પણ હવે તો હદ થાય છે. સીમમાં આવેલા આપના બીજા દરબારગઢમાં લગભગ એકાંતરે ભાભીસાહેબ કોઈને મળવા જાય છે.”
“કાશી, મોં સંભાળીને બોલ.”
બાસાહેબે ત્યારે તો કાશીને ડારો દઈને ચુપ કરી દીધી. પણ મનમાં વિચારોના વંટોળ ઉઠતા રહ્યા. રહેવાયું નહીં એટલે કાશીને પૂછ્યું,
“તે તેં નજરે જોયું છે કે કોઈ બીજો મરદ કેસરને મળવા આવે છે. કે ગામલોકની જેમ દોરીને સાપ સમજીને અફવા વહેતી થાય એવું જ?”
“બાસાહેબ, ખોટું હોય તો મારું માથું અને કુંવરસાહેબની તલવાર. પણ બે દિવસ પહેલાં હું સાંજે સીમમાંથી લાકડાનો ભારો લઈને આવતી હતી ત્યારે ભાભીસાહેબના સિગરામમાંથી એક અજાણ્યો મરદ ઉતરતો હતો એ મેં મારી સગી નજરે જોયું હતું.”
હવે બાસાહેબના મનમાં ગુસ્સામિશ્રિત વિચારોનું ઘમસાણ મચ્યું હતું. આજ તો કુંવરને કહીને વાતનો ફેંસલો લાવવો જ પડશે. રાતે વાળુ પત્યા પછી કેસર એના શયનકક્ષમાં જવા રવાના થઈ અને બાસાહેબે કુંવરને રાજનું કામ છે એમ કહીને રોકી લીધા.
“કુંવર,તમે રાણીસાહેબને બહુ માથે ચડાવ્યાં છે ને કાંઈ! તમે વિલાયત જઈને આવ્યા એનો મતલબ એ નથી કે આધુનિકતાના નામે આજે એ સ્વચ્છંદી વર્તન કરતાં થયાં તોય તમે કાંઈ પગલાં નથી લીધાં.
“ચિંતા ન કરો બાસાહેબ. આજે એને રજવાડાનું ઝનૂન બતાવીજ દઇશ. સમજાવી દઈશ. હુંય પ્રજામાં ફેલાયેલી વાતથી આપણી ખાનદાની પ્રતિષ્ઠા જોખમાઈ છે એ વાતથી બહુ ચિંતિત છું.
એ રાતે કુંવર અને કેસર વચ્ચે રોજના નિયમ મુજબ કઢેલા દૂધથી વાતની શરુઆત થઈ.
“કેસર, રજવાડાની આબરુને આમ છડેચોક બહાર લિલામ ન થવા દેવાય. હવે રસ્તો કાઢવો જ રહ્યો.”
“કુંવરસા તમે મને પહેલા દિવસથી સાથ આપ્યો છે. રજવાડાના સાટાપાટામાં બાપુસાએ સોદા તરીકે અણગમતા પાત્ર સાથે પરણાવી એ આક્રોશ સાથે હું અહીયાં આવી હતી. પ્રથમ રાત્રિએ બધું ચોખ્ખું કહી દેવાના નિર્ધાર સાથે મેં વાત માંડી હતી અને તમે મારા અને ગામની નદી પર બંધાઈ રહેલા ડેમના કામે ગામમાં આવેલા એન્જિનિયર રુદ્ર સાથેના મારા પ્રણયસંબંધની વાત બહુ ધીરજથી સાંભળી.”
કુંવરે મંદસ્મિતે કહ્યું, “કેસર તમને જોઈને કોઈ પણ આકર્ષિત થાય એવા રુપની તમે સામાજ્ઞી છો. મને પણ તમને અર્ધાંગિની સ્વરુપે મેળવીને સપનાં જાગ્યાંજ હોય પણ હું વિલાયત જઈને આવેલો છું. આપણા પૂર્વજ જેવો રુઢિચુસ્ત વિચારોનો બિલકુલ નથી એટલે હું સમજું જ કે મન વગરના સંબંધનું આયુષ્ય પળભરનું હોય.”
“હા પણ કુંવરસા રાજા રજવાડાને સ્ત્રીના સુખ કે આનંદ કરતાં પોતાની નાકને ટેરવે બેઠેલી જુઠી પ્રતિષ્ઠાનું બહુ મહત્વ હોય એટલે મને ડર હતો કે તમે જો ન સમજો તો મારે વખ જ ઘોળવું પડે.”
“ના ના રાણીસાહેબ, વખ ઘોળે તમારા દુશ્મન. રજવાડામાં ફેલાયેલી આ સોદારુપી બદીએ મારું જીવન તો બરબાદ કર્યું જ પણ એ મિથ્યા વટમાં તમારુંય જીવન બરબાદ કરું એવો હું મિથ્યાભિમાની પુરુષ નથી.”
“કુંવરસા બસ એ જ વાત મને તમારા માટેના માનમાં વધારો કરી ગઈ.”
“ હા, હું બધી જ રીતે તમારા સુખમય ભાવિના ઘડતરમાં સાથ આપવા તૈયાર છું પણ હજી પણ ખાનદાનની મર્યાદા જાહેરમાં લોપવાનો હક મને નથી. તમને હું બધી જ વ્યવસ્થા કરી આપીશ પણ તમારા નામે બદનામી વહેતી મુકીને તમને તમારા પ્રિય પાત્ર સાથે વિદેશ મોકલી આપીશ. બસ, એટલું જ યાદ રાખજો કે, હું અને તું, એમાં જાણે કોઈ બીજું શું!”
બીજે દિવસે દરબારગઢમાં હાહાકાર મચી ગયો. બાસાહેબ બે હાથે માથું પકડીને બેઠાં હતાં. કુંવર કુળની આબરુને ડુબાડીને જતાં રહેલાં રાણીસાહેબની મનોમન માફી માંગી રહ્યા હતા.
રુદ્ર સાથે વિદેશ જવા ઊપડી ગયેલી કેસર પ્લેનની બારીની બહાર વિખરાયેલાં વાદળોમાં પોતાનું સુરક્ષિત ભવિષ્ય શોધી રહી હતી. પોતાની વાતને સમજીને આઝાદ કરવા બદલ કુંવરસાહેબને મનોમન યાદ કરીને આભાર માની રહી હતી.
“હું અને તું, એમાં જાણે કોઈ બીજું શું!”