ઊંઘ
ઊંઘ
સૂતા જેવું સુખ નહિ ને મર્યા જેવું ન દુ:ખ,
ગમે તેટલું ઊંઘો પણ કદી ન ભાંગે ભૂખ,
સાંજે સૂરજ આથમ્યો ને બગાસા આવ્યા,
પથારી જોઈને મીઠા મીઠા ઝોકાં આવ્યા,
વાળું કરીને આંખ મીંચીને આડા પડયા,
અંધારે ઊંઘમાં ત્યાં મીઠા સ્વપ્ના નડ્યા,
હાલરડું સુવડાવે ને ઉઠાડે ઢોલ નગારા,
બીનહાલરડે આવે ઊંઘ જે ઉપાડે તગારા,
ઘોંઘાટ ને સંગીતના આ નિયમ જાણજો,
ઝબકી જાગી મીઠે ગીત નીંદર માણજો,
ઉદ્યમી ઝોકું ખાય ને ઊંઘણશી ઘોરે રાત,
રંક અને રાય ઊંઘ ન જુએ નાત કે જાત,
જેમ જેમ તારી ઉંમર વધે તેમ તેમ ઊંઘ ઘટે,
સત્કર્મ ને સખ્ત પરિશ્રમ કર્યે અનિંદ્રા મટે,
ઊંઘ વેચીને કદી ક્યારે ઉજાગરા ના લેવા,
નિંદ્રા ટાણે તો નિંદ્રા કરવા ઇન્દ્રાસન દેવા,
ઊંઘ ન જુએ સાથરો ભૂખ ન જુએ ભાંખરો,
વહેલો સુવે વહેલો ઉઠે એ જ તો વીર ખરો,
ઊંઘ ને આહાર વધાર્યા વધે ઘટાડ્યા ઘટે,
રોજ રાતે સારી ઊંઘે જાતજાતના રોગ મટે,
પ્રેમી જાણ તો જાણે પ્રેમ ન જુએ નાત જાત,
ખબર પરિશ્રમિને ઊંઘ ના જુએ ટાઢો ભાત,
સવાર પડી ને અજવાળું થઇ સૂરજ ઉગ્યો,
કૂકડો બોલ્યો કૂકડે કૂક ને ભર ઊંઘ જાગ્યો.
