STORYMIRROR

Harshida Dipak

Others Romance

4  

Harshida Dipak

Others Romance

તને ગોતે છે રાધા

તને ગોતે છે રાધા

1 min
27.3K


ગોકુળની ગલીઓમાં શ્યામ શ્યામ બોલતાં રઘવાઈ દોડે છે રાધા,

એન ઘેન અંધારાં આઘાં ઠેલીને તું શાને સતાવે છે માધા,

તને ગોતે છે તારી જ રાધા, જરા ઓરો તો આવ તું માધા !


ગોપીઓને પૂછ્યું'ને,ગ્વાલાને પૂછ્યું ને પૂછી લીધું ગાયોના ધણમાં,

ગોકુળની ગલીઓમાં વનરાવનઘાટ જઈ ફરી લીધું આખાયે રણમાં,

મોરપીંછ દેખીને ઘેલી થઈ દોડું ત્યાં નજરૂમાં પડી જાય સાંધા,

તને ગોતે છે તારી જ રાધા, જરા ઓરો તો આવ તું માધા !


જગમાં છો જાણીતો,સૌનો તું માનીતો લોક બધાં ગાય તારાં ગીતડાં,

નરસિંહ કે મીરાના રુદિયાના રણકામાં રણઝણતાં મોહનજી મીઠડાં,

સાચુકલા,ખોટુકલા મનડું મનાવી નઈ બોલવાની લઈ લીધી બાધા

તને ગોતે છે તારી જ રાધા, જરા ઓરો તો આવ તું માધા !


આષાઢી આભલું એવું ઘેરાણું કે છમછમતો આવ્યો વરસાદ,

વીજળીના ચમકારે ઝરમરતો ઝીલ્યો રે જાણે કે મીઠો પરસાદ,

ટહુકારે ટહુકારે સાદ થયો એવો કે આવી ગ્યો શ્યામ અહીં રાધા

તને ગોતે છે તારી જ રાધા, જરા ઓરો તો આવ તું માધા..!


Rate this content
Log in