થોડું થોડું
થોડું થોડું
1 min
29K
થોડું ભણેલ થાવું, થોડું અભણ થવાનું,
ત્યારે આ જિંદગીનું સાચું ભ્રમણ થવાનું.
એ શું કે વાત-વાતે ઢીલું પડી જવાનું,
રડવાનું નહિ કદી પણ, થોડું કઠણ થવાનું.
મંદિર સુધી જવાની એને જરૂર ક્યાં છે,
શીખી ગયો જે દીકરો ઘરમાં શ્રવણ થવાનું.
સીતા! સચેત રહેજો, ઈચ્છા ન કોઈ ધરજો,
શીખી ગયાં છે મારીચ સુંદર હરણ થવાનું.
જયારે તમે હકીકત જાણી જશો બરાબર,
મારા તરફ તમારું કૂણું વલણ થવાનું.
મળવું તો છે પરંતુ મળવાની વાત ના કર,
કોઇ સાંભળી જશે તો પાછું ઘરણ થવાનું !
'નિનાદ' શબ પડ્યું છે, છે શોક ત્યાં લગીનો,
બાળી ગયાં પછી તો લાડુ-જમણ થવાનું !
