રંગોળીની છાપું
રંગોળીની છાપું
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
જીવતરના આ આંગણિયામાં રંગોળીની છાપું
તમને ગમતાં રંગો છાંટી અજવાળા હું આપું
હા... રંગોળીની છાપું ...
વાંસ ભલેને પોલો તોયે વંજી પાક્કી ભરશું
કિચુડ કિચુડ હિંડોળામાં તેલ સીંચીને રેશું
ખખળતા આ દરવાજાની સાંકળ ધીમી વાખું ...
હા... રંગોળીની છાપું .....
ઢીંચણિયાનો ટેકો દઈને વા'યે વીંઝણ વાતી
લોટો ગંગા જળનો ભરીયો ચરણ પખાળી ગાતી
શરમ નામના ભાવ પ્રદેશે છેડો ઝાલી રાખું.....
હા... રંગોળીની છાપું .....
બે કાંઠામાં જમુનાજી ને વચ્ચે બેઠાં આપણ
આ કાંઠામાં ઓગળતી હું ઓલે કાંઠે તું પણ
હરિ તમારા દ્રશ્યો ભરવા નજરું નમણી રાખું .....
હા... રંગોળીની છાપું ...