પૃથ્વી અને નારંગી
પૃથ્વી અને નારંગી


કહે નારંગી પૃથ્વીને તું છો ધ્રુવ પ્રદેશે ચપટી
મારા સમ તું ના ખાટી મીઠી કેવી લાગે કપટી
ઠરીઠામ તો થતી નથી રહે છો હર દિન ફરતી
ના તું સીધી ઉભી રહેતી વિષુવવૃત્ત આગ ઝરતી
હુંસાતુંસી કરી રહ્યા બંને કોણ કરે કોની નકલ
ધરા બોલી હું છું મસ મોટી ચલાવ રે અક્કલ
નારંગી ભલે નાનકડી પણ ભર્યો છે મધુર રસ
ભૂમિ મહીં તો છલકાય ધગધગતો લાવારસ
સાંભળી આવી વાતો ધરતી કેરી ધીરજ ખૂટી
જમીન થકી તો તમે જિંદગીની આ મઝા લૂંટી
ધરું તને કૈંક વૃક્ષ થકી એટલે તો નામ ધરતી
ગરમી ઠંડી તને મળી રહે એટલે રહું છું ફરતી
સીધી ઉભી રહું તો ચાલ્યો જશે ઋતુનો રસકસ
ઝાડ પાન પશુ ને માનવનું હિત મારે નસનસ
કહે નારંગી પૃથ્વીને તું છો ધ્રુવ પ્રદેશે ચપટી
હૃદય મોટું એટલે તો સૃષ્ટિ સારી તને લપટી.