પિચકારી
પિચકારી
પિચકારી લઈને દોડે બાળુડા,
હરખે કરી કલશોર રે...
આનંદના રંગોને અંતર ભરીને,
થનગનતાં જાણે મોર રે...
તનડું ને મનડું બંને ભીંજવતાં,
પાણીની સેરથી અંતર રીઝવતાં.
થઈને પતંગિયા ઊડતાંં રે રહેતાં,
હરખે કરી કલશોર રે...
નાની-નાની રાધાને નાના-નાના કાન બને,
ટકતાં ના એક પળ મમ્મી કે પપ્પા કને.
અંતરનો આનંદ ન ક્યાંયે સમાતો,
હરખે કરી કલશોર રે...
નવી નવી જાતની પિચકારી લાવે,
બંદૂક પણ આવે ને ચશ્મા પણ આવે,
એવા તો આનંદે હૈયાં છલકાતાંં,
હરખે કરી કલશોર રે...
રંગ તણું વાદળીયું ઊડતું રે લાગે,
તનમનને રંગે એ ચપટી ગુલાલે,
હૈયાની પાંખડી એવી રે ખીલતી,
હરખે કરી કલશોર રે...
નાના ને મોટા સૌ રંગે રંગાતાં,
ધાણી ચણાને ખજૂર પણ ખાતાં,
વ્હાલપના હારડા હૈયે લટકતાંં,
હરખે કરી કલશોર રે.
