પાડુ છું હું સાદ
પાડુ છું હું સાદ


ઊંચેરા આભમાં નજર નાંખીને,
પાડુ છું હું સાદ,
ઈશ્વર ક્યાં સંતાઈને બેઠો છે,
કરે છે તું અમને યાદ ?
નથી સહેવાતી વ્યથા હવે,
ભડકે બળતા આ કળિયુગમાં,
ભુલી ગયો ? અમે પણ હતા,
તારી સાથે એકવાર સતયુગમાં
આજ તારા જ ઘડેલા સંતાનો,
બન્યા છે બે રહેમ,
જો હવે તું નહીં આવે,
તો ચોક્કસ પડશે વહેમ.
ધર્મ સ્થળો પર વ્યાપાર ચાલે છે,
અહીં ભગવાનની સામે,
જીએસટીની આડમાં લોકો,
બિલ ફાડે છે પ્રભુ તારા નામે.
નેતાથી અભિનેતા સહુ કોઈ,
આ રંગભૂમિમાં નાટક કરતા ફરે,
કાચીંડાની જેમ રંગ બદલતી,
આ દુનિયામાં હવે કોણ દુઃખ હરે ?
અર્જુનને ગીતામાં આપેલું વચન,
ક્યાંક ભુલાયું તો નથીને ?
ગોપીઓ અને ગોવાળોમાં,
ક્યાંક તું પણ અટવાયો તો નથીને ?
માખણ-મિસરીની થશે રેલમ-છેલ,
હમણાંજ તારા જન્મદિવસે,
પણ તારા જ કેટલાક સંતાનો,
ભૂખે મરી રહ્યા છે દિવસે દિવસે.