મૃત્યુ
મૃત્યુ
મૃત્યુ ચહિશ હું, મૃત્યુ સહીશ હું,
મૃત્યુ રમીશ હું, મૃત્યુ કરીશ મમ,
શાને ડરું ? અધિક આંસુ દગે વહાવું ?
છે ક્રમ તે, સુખ હર્ષથી ન કેમ જાવું ?
જાણું ન લોક જીવવા જ ચહે કેમ છે ?
આ ભ્રમના ઉદધિમાં દુઃખ દાહ પોષે,
ત્યાં વૃક્ષ પર પક્ષી રવતાં ખુશીથી,
છાઈ ઘટા ગણગણે, ન હર્ષ સમાયે,
હૈયાં અરે ! સુમનનાં બહુ પ્રસન્ન હા,
કેવાં ગીતો રસભર્યા વહવે સદાના !
જીવ્યાં અલ્પ જીવન તોયે ન આંસુ તેને,
દીર્ઘાયુ યાચે જન કેવલ દીર્ઘ જોને !
ચીર્યા હિયાં અરર ! તોયે ન ખેદ તેનો,
ધ્રુજાવનાર જગને, મૃત્યુથી ડરે છે !
છે તું તત્વ પરમ દેવ તણા ગૃહનું,
છે શાંતિનું ફક્ત દ્વાર જગે અરે હા,
અંધાર આ જગતમાં અમ તેજ છો તું !
તારાં દિવ્ય ચરણ ગ્રહવા હું મથું છું,
છે જિંદગી રસિક ધોધ શી, ખેદ શેનો ?
દીર્ઘાયુ ના, હિસાબ રાખ સત્કર્મોનો,
હૈયાં જીતું, રમત પ્યાર તણી રમીને,
મૃત્યુ ચહું, મધુર હૈયડાને હસાવી !
મૃત્યુ ચહિશ હું, મૃત્યુ સહીશ હું,
મૃત્યુ રમીશ હું, મૃત્યુ કરીશ મમ.
