માટીનો માણસ
માટીનો માણસ


હું તો છું માટીનો માણસ, અંતિમ ક્ષણે તો માટીમાં જ મળવાનો.
પ્રયત્ન છે જીવનસફરના પ્રત્યેક પગલે પરમાત્માને પામવાનો.
નિર્ધાર કર્યો, માટીમાં મળતાં પહેલાં સાચા માણસ બનવાનો.
સફરમારગ મારો પાંચ પગલાનો, મારા પરમાત્માને પામવાનો.
પ્રથમ પગલે ડરને ભગાડીને,
નીડરતાથી જીવનમાં ચાલવાનો.
દ્વિતીય પગલે મોહને મીટાવીને,
પ્રેમભાવથી જીવન મહેકાવવાનો.
તૃતીય પગલે ઈર્ષામુક્ત થઈને,
સ્નેહની ધારા છલકાવવાનો.
ચતુર્થ પગલે ક્રોધને શમાવીને,
વેરનું નામોનિશાન ન રાખવાનો.
પંચમ પગલે ગર્વને ઓગાળીને
નમ્રતાથી વ્યવહાર નિભાવવાનો.
સંયમ, ભક્તિ, શ્રદ્ધા અપનાવીને,
મારી મંજિલને દિવ્ય બનાવવાનો.
પ્રેમથી જીવી લઉં સહુની સંગાથે,
છોડી જાઉં ખજાનો સંભારણાંનો,
ભૂલચૂક થઈ હોય, માફી ચાહીને
શિરસ્તો નિભાવું ક્ષમાપનાનો.
હું તો છું માટીનો માણસ, અંતિમ ક્ષણે તો માટીમાં જ મળવાનો.