માતાની આંગળીઓ
માતાની આંગળીઓ


જવર માપતી ચતુરાઈથી અધિક તું વૈદથી,
તવ તર્જની અમ વ્યથા પામતી સૂક્ષ્મ ભેદથી,
ન પારો કે ન અંક છે ભર્યા કેવળ સ્પંદનો,
કર પલ્લવ થકી લઇ તાગ મારા અંગનો,
તવ તર્જનીના સ્પર્શથી તન માપતી તું તાવ,
એ જ આંગળી ભાલે રમતી પોઢાડતી ને રુઝાતા ઘાવ,
તે તર્જની વળી જીવનના રાહ ચીંધતી ને ચૂપ કરતી,
લઇ સાથ મધ્યમા ને અનામિકાનો અમ અંગ ફરતી,
શિર બાલ ને ગાલ ઉપરે વહાલથી સૈર કરતી,
ચડે પારો જો સાતમા આસમાને તો ગાલને કદી લાલ કરતી,
નજરથી બચાવવા બાળને તું અતિ વહાલ કરતી,
નયનને ભાલમાં પ્રાતઃ શ્યામ અંજન ભરતી,
બતાવી નિશાન જ્યાં તારી તર્જની કોઈ રાહ ચીંધે,
બે હાથ તણા તુજ આશીર્વાદથી ઉચ્ચ લક્ષ્ય વીંધે,
એ જ આંગળે નવડાવવું ને ખવડાવવું,
નાક
પર અંગુલી મૂકી ચૂપ કરી ખખડાવવું,
એ જ આંગળે પકડી ચાલતા શીખડાવવું,
પડી જતા જો ચાલતા તો બંધ કર્યું રડાવવું,
અંક ને વળી ગણિત ગણતા આંગળીના વેઢા,
ટચલી ને વળી વચલીથી જાદુ કર્યા અપાર,
પોપટ ને મોર બતાવ્યો બંધ મુઠ્ઠીને પાર,
ટચાકા ફોડી દુખણાં લઇ ના મેલ્યા ક્યારેય રેઢા,
સંગીતના સપ્ત સૂર વગાડ્યા વગાડી હાથથી તાલી,
વગાડી ચપટી અંગૂઠી ને મધ્યમાથી ખાલી,
જે હાથથી મુઠ્ઠી ચણા સાકર ને બોર આપતી,
તે જ બે હાથથી ખોબો ભરીને પ્રેમ આપતી,
બિરદાવવા ખભે કોમળ હાથે થપ્પો મારતી,
ઉભરાય જયારે હેત તો વહાલથી કેવી ટપલી મારતી,
જરુર પડ્યે ચૂંટિયો ખણતી કે ઝાપટે ય મારતી,
તારી દસ આંગળી કેવા જાદુના ઓજારની પૅટી,
અનુભવે માનવી એતો ખાલી માની ગોદમાં લેટી.