માણસો
માણસો
1 min
211
તુચ્છ સ્વાર્થના સરોવરે,
ડૂબતાં માણસો,
સંબંધોની શુદ્ધ સરિતાને
ખાબોચિયું કહેતાં માણસો,
કાદવથી ખરડતા'તા જેને,
આજ કંકુથી પોંખતા માણસો,
લાગણીનું ઝરણ ઝવી ન શકે,
મીંઢા-પથ્થરિયા મૌનવાળા માણસો.
જેના માટે શ્વાસ ભરતાં હોઈએ,
તે માત્ર "હવા" કહેતા માણસો,
બહારથી સાવ અકબંધ,
અંદરથી ફૂટી ગયેલા માણસો.
રહે સમાજમાં 'ને દમ ભરે રણના,
લુખ્ખા, સાવ રેતાળ માણસો,
કડકડતાં શિયાળે'ય ઉનાળો ઓઢીને,
ફરે ધખધખતાં માણસો.
ખરાં માણસોને શોધવા, આભલામાં,
આસમાન શોધતાં માણસો !
તુચ્છ સ્વાર્થના સરોવરે,
ડૂબતાં માણસો.
