મા
મા


આજ સમજાયો મને,
મા નો મતલબ.
એ જ અલ્લડ છોકરી તારી,
આજ મા બની.
તારી વેદના, તારી પીડા,
તારી એ બધી જ વ્યથા,
રુબરુ થઈ ગઈ હવે.
તારું અકળાવું, તારું ટોકવું,
તારી નાની નાની વાતમાં,
કેટલું ગભરાવવું.
હું ગુસ્સો કરતી,
ને કહેતી તને,
"માં હું મોટી થઈ ગઈ છું."
"ચિંતા ના કર મારી."
પણ આજ સમજાણું મને....
તારી ચિંતા વ્યર્થ નહોતી.
આજ મારી લાડલી રડે છે ત્યારે,
મન કેટલું વિહવળ બની...
આમ તેમ ફાંફા મારે છે.
તેને મીઠી નીંદરમાં જોઈ..
મન શાંત થાય છે.
લાગે છે દુનિયાનું...
સર્વશ્રેષ્ઠ સુખ છે મારી પાસે.
મારી માટે તારી જાતનું ઘસાવું....
આજ સમજાયું મને.
મારી માટે તારા શોખનું...
ત્યાગવું...
આજ સમજાયું મને.
તું કહેતી રહી મને...
બેટા મારો આજ ઉપવાસ છે.
તારો ઉપવાસ પણ..
આજ સમજાયો મને.
તું કહેતી રહી....
મારે તો કપડાનો ઢગલો છે.
ક્યાં જરૂર છે કપડાની!?
તારો ત્યાગ આજ સમજાયો મને.
તારું ખીજાવું
નહોતું ગમતું ત્યારે.
આજ સમજાયો તારો એ પ્રેમ....
જે મને સત્ય તરફ દોરતો હતો.
તારી જેવી તો નહી બની શકું મા...
મને માફ કરી દે મા.
હું સમજી ના શકી...
માતૃત્વની ભાવનાને..
પણ જ્યારે..
મારી કુખેથી જન્મ લીધો..
મારી લાડકીએ.
આજ તારી છબી,
મારી નજર સમક્ષ છવાઈ ગઈ.
અને મનોમન ખુબ જ રડી.
તારી ભાવના, તારો ત્યાગ,
તારો પ્રેમ, તારો ગુસ્સો.
વંદન કરું છું મા બધાને.
લાખ પ્રયત્ન કરીશ...
પણ મા
તારી લાડો તારી તોલે..
કદી નહી આવે..