હવા
હવા


નથી સુગંધ નથી રૂપ કે નથી રંગ,
પણ હાજર છું હું વિશ્વના અંગે અંગ,
મારી ગેરહાજરીથી શૂન્યાવકાશ,
ભર્યું જગ આખું ધરતીથી આકાશ,
સૂઈ જાઉં તો સૌ ગરમીથી ત્રસ્ત,
ડગલી ભરું તો લહેરથી સૌ મસ્ત,
ચાલતો ધીરે ધીરે તો લાગે પવન,
દોડવા લાગુ તો વંટોળિયો ભવન,
દોડું જો વરસાદે તો હું વાવાઝોડું,
કરા સાથે આવું તો હું માથા ફોડું,
પ્રવેશું નાસિકા બક્ષુ જિંદગી શ્વાસે,
નાસતો જતો દૂર હરેક ઉચ્છશ્વાસે,
શિયાળે શીતળ તો ઉનાળે ગરમ,
ચોમાસે વાદળ લાવવા મુજ ધરમ,
સૂક્ષ્મ પણ લાવું દરિયે મોજા મોટા,
ભરાઈ જઈ જળમાં કરું પરપોટા,
નથી સુગંધ નથી રૂપ કે નથી રંગ,
પણ હાજર છું હું વિશ્વના અંગે અંગ.