હું છું પ્રકૃતિ રક્ષક
હું છું પ્રકૃતિ રક્ષક
જંગલો, પહાડોમાં ભટકવું છે,
ઊંચેરા ગગનને ચૂમવું છે,
આ નદી,ઝરણાંને મારે કાંઈ કહેવું છે,
મારે પણ તમારી જેમ વહેવું છે,
રંગબેરંગી પતંગીયાના રંગોથી રંગાવું છે,
ફૂલો, પુષ્પોની સુગંધથી મહેકવું છે,
પવન બની મારે પણ લહેરાવું છે,
નજારો સુંદર જોઈ આ કુદરતનો,
થોડું વધારે બહેકવું છે,
ધોધમાર વરસતા વરસાદમાં ભીંજાવું છે,
વાદળી બની મારે પણ વરસવું છે,
ભમરાને બનાવી ભોમિયો,
મારે પણ ગૂંજવું છે,
વડલાની વેલીએ બનીને હીંચકો,
મારે પણ ઝૂલવું છે,
કોયલડીના કોમળ કંઠે,
મારે પણ ગાવું છે,
મયુર બની પંખ પ્રસરાવી,
મારે પણ નાચવું છે,
સમુંદરની બની મોજો,
મારે પણ ઉછળવું છે,
આ ઝરણા, સરોવર,
સરિતાને મારે કાંઈ કહેવું છે,
મારે પણ તમારી જેમ વહેવું છે !