STORYMIRROR

Harshida Dipak

Others

4  

Harshida Dipak

Others

ગૌરી વ્રતનું ગીત

ગૌરી વ્રતનું ગીત

1 min
28.4K


નાનકડી પગલીમાં આવે સપનાની વણઝાર કે હાલું હળવે હળવે

સોળ વરસની પરિયું જાણે ઉછળે પારાવાર કે હાલું હળવે હળવે


નાનકળા કુંડામાં રોપ્યા ઘઉં, ચોખા ને જાર કે હાલું હળવે હળવે

લીલવણી ઉગ્યા તો માથે પતંગિયાનો ભાર કે હાલું હળવે હળવે


પૂજાની થાળી શણગારી હાલી ઘરની બ્હાર કે હાલું હળવે હળવે

માટીમાંથી ગોર બનાવી પૂજુ વારંવાર કે હાલું હળવે હળવે ...


ચોખા ચંદન સાથે ચોળી ફૂલ ચડાવું ચાર કે હાલું હળવે હળવે

અણદિઠેલાં રૂપ સજાવી વિનવું છું સો વાર કે હાલું હળવે હળવે


પાંપણના પછવાડે લાગે ઉજગરાનો માર કે હાલું હળવે હળવે

કમખે ટાંગી ઘૂઘરીયુંનો ઝીણેરો ઘમકાર કે હાલું હળવે હળવે


મોરપીંછની માયા લાગી વહેતી રસની ધાર કે હાલું હળવે હળવે

તારા પગલે હું પરખાણી નૈયા પાર ઉતાર કે હાલું હળવે હળવે


Rate this content
Log in