દશેરા
દશેરા


સત્ય હું, અસત્ય હું,
પૂજ્ય હું, પરિત્યજ્ય હું,
નાદ હું, ઉન્માદ હું,
હું જ ભય 'ને અવસાદ હું,
હું જ પ્રકાશ હું જ અંધારું ઘોર.
વેરાન હું, 'ને હું જ વસવાટ
કલેશ હું, કલંક હું,
શૂન્ય હું, અનંત હું
પાતાળ-રસાતાળ હું,
અફાટ વ્યોમ હું,
હું હળાહળ, રસ-સોમ હું,
હું સંયમ, હું કામ,
હું રાવણ, હું જ રામ,
હું જ સળગવું પોતાને,
હું જ નાચું, હારી-ફીટીને
મારી જ વિજયગાથા વાંચું,
મારા તીરથી ખુદને જ ભસ્મ કરું,
પછી એ જ રાખથી
ઘડવૈયો બની ખુદ ને રચું,
તો દેવ શું, દાનવ શું, શું પાપ- પુણ્ય ..
કોનો વિજય, હાર કોની ?!
જયઘોષ મારો, તિરસ્કાર મારો,
હું અહં, હું વિનીત,
હું જ સીતા 'ને મારીચ ...
મોક્ષ હું, હું જ આત્મા પર પડેલા પહેરાં,
ખુદ માં ખુદ નું ચયન જ છે દશેરા !