દીકરી ઘરની ચાવી છે
દીકરી ઘરની ચાવી છે
રૂમજુમ કરતી આવી છે, દીકરી ઘરની ચાવી છે
ખુશીઓ ઘરમાં લાવી છે, દીકરી ઘરની ચાવી છે,
આજ પહેલી વાર જ તેને ચાય બનાવી મારા માટે,
ખાંડ ભૂલીને મીઠું નાખ્યું ખૂબ પકાવી મારા માટે,
કોઈ પીવે તો એમ કહે કે 'થું થું આ તો ખારી છે',
પણ મારા માટે આ પ્યાલી તો અમૃત કરતા સારી છે,
ચૂસકી મારી પીધી મેં તેના સમ બહુ ભાવી છે,
રૂમજુમ કરતી આવી છે, દીકરી ઘરની ચાવી છે.
ઝાંઝરથી મીઠું એ બોલે, કરતી કેવો લટકો,
પથરાળા ડુંગરમાં વહેતા ઝરણાં જેવો લટકો,
ભૂલ કરું તો ભાષણ દઈને નેતાગીરી કરતી,
મારી ઉપર રીતસરની એ દાદાગીરી કરતી,
વેણ ન એનું ઠેલી શકતો ગરદનને ઝૂકાવી છે,
રૂમજુમ કરતી આવી છે, દીકરી ઘરની ચાવી છે.
વ્હાલનો દરિયો કેમ કહું હું દરિયાનું પાણી છે ખારું,
ચાંદો પણ કહેવાય નહીં હોય અમાસે બહુ અંધારું,
ફૂલ ગણીને ગણ ગણ કરતા ભમરા પણ ભરમાઈ જતા,
ફૂલ સરીખી કેમ કહું કયો? ફૂલો તો કરમાઈ જતા,
ધીરે રહીને વાત કરો ભૈ હમણાં મેં સુવડાવી છે,
રૂમજુમ કરતી આવી છે, દીકરી ઘરની ચાવી છે.
