ચાલ લાગણી વરસાવીએ
ચાલ લાગણી વરસાવીએ
એકમેકને હવે શાને તરસાવીએ ?
આજ તો ચાલ લાગણી વરસાવીએ.
કંઠે બેઠેલા ચાતકને કેમ સમજાવીએ ?
તરસ્યા આ હૃદયને તરબોળ બનાવીએ.
પાંપણમાં બેઠેલી શબરીની તરસ આ,
રામ થઈ ક્યારે છીપાવશો ?
નજરો પથરાયેલી છે રાહોમાં આપની,
મિલનનો સંજોગ ક્યારે સર્જશો ?
લાગણીભીના થવાની આ મોસમ છે,
ક્યારે આ છત્રીને સંકોરશો ?
મોરલાના ટહુકામાંય યાદો છૂપાઈ છે,
આંખોનો ઉપવાસ ક્યારે છોડશો ?
ઘનઘોર વાદળોય આમ જ વરસી પડેે,
પ્રેમ ધરતીનો જ્યારે પોકારતો.
હૃદયાની સૂકીભઠ્ઠ ધરતી પર તમે,
ક્યારે આ લાગણી વરસાવશો ?
પહેલી વર્ષાની સુગંધતણી માદકતા,
તવ પ્રેમ પામવાની નયનોમાં આશક્તા.
ઝરણા શી પ્રીત લઈ સાગરને સ્પર્શવાના,
સ્નેહભીના અંતરના કોડ લઈ પરવરતા.
હૈયાથી હોઠની સફરે નીકળેલા નામ પર,
ચાલ આજે તો લાગણી વરસાવીએ.
ચોમાસે વરસે તો વરસાદ કહેવાતો ને,
કસમયે એ માવઠું કહેવાય.
વરસવું હોય તો ધોધમાર વરસો હવે,
ઝાપટાંથી શું ભીંજાવાય ?
